Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભાજપ સરકારમાં દેશની સ્થિતિ નિરાશાજનકઃ કોંગ્રેસ

૭પ વર્ષના ઇતિહાસમાં કયારેય જી.ડી.પી. નેગેટીવ નથી થયોઃ લોકશાહીના ચીરહરણનાં દ્રશ્યો અવાર-નવાર જોવા મળે છેઃ અગાઉ દેશનાં નેતાઓને જોઇ પ્રજાની છાતી ગજ-ગજ ફુલાતી હવે તેમાં ઓટ કેમ આવી? વિપક્ષી નેતા વશરામ સાગઠીયાના વેધક સવાલો

રાજકોટ,તા.૧૯:મહાનગરપાલિકાના વિરોધપક્ષનાનેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે છેલ્લા છ વર્ષોથી ભારત દેશની પરિસ્થિતિ ઉપર જોતા ખુબ જ નિરાશા તરફ ધકેલાઈ ગયા છીએ કારણ કે આ દેશની આ પેઢી અને આવનારી નવી પેઢી આ દેશના રાજકારણીઓને કયારેય માફ નહી કરે, વર્તમાન પરિસ્થિતિમાં આ દેશના લોકોને જાણે કોઈ ખબર જ નથી પડતી એવી રીતે આ દેશ ચલાવી રહ્યા છે ત્યારે ચલાવનાર ને એ ખબર નથી કે આ એ હિન્દુસ્તાનીઓ છે કે જેણે ૨૦૦ વર્ષ ઉપરના બ્રિટીશ શાસકોને આ દેશમાંથી ભગાડી મુકયા હતા એ આજના રાજકારણીઓએ સમજવાની જરૂર છે.

વર્ષ ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં એક નાની ટાંચણી પણ નહોતી બનતી ત્યાંથી લઇ અગાઉની સરકારો એ આ દેશને ટાંચણી થી લઇ મિસાઈલ બનાવવા સુધી સક્ષમ કર્યો છે અને પગભર કર્યો છે દેશમાં ૧૯૪૭માં ખાદ્ય અનાજની આયાત કરવામાં આવતી હતી તેની સામે હરિયાળી ક્રાંતિ લાવવામા આવી  જેના પરિણામે આખા દેશના ખેડૂતો સમૃદ્ઘ થયા દેશ ખાદ્ય ચીજોમાં આત્મનિર્ભર બન્યો, ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું કોંગ્રેસ દ્વારા ખેડે તેની જમીન જેવા પ્રજા લક્ષી  કાયદાઓ લાવી આ દેશના ખેતમજૂરોને ખેડૂતો બનાવ્યા ખાતેદારો બનાવ્યા જયારે આજની સરકારે દરરોજ ખેડૂતો માટે એવા કાયદાઓ લાવે છે કે જેના હિસાબે ખેડૂતો પાયમાલ થયા, ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે પોતાની જ સરકારમાં બેઠેલા મંત્રીશ્રીઓને આજની આ સરકાર સામે બંડ પોકારી રાજીનામાં ધરવા પડે ત્યાં સુધીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતોની આત્મહત્યાના કેસોમાં વધારો થયો છે.

દેશમાં બેંકોના રાષ્ટ્રીયકરણની પણ યોજના કોંગ્રેસ દ્વારા આ દેશમાં અમલીકરણમાં આવી જેના હિસાબે લોકો પોતાની જીવન મરણની મૂડી તેમાં મૂકી તેમાંથી વ્યાજ ખાઈ જીવન ગુજારતા અનેક લોકોના થાપણો આ બેંકોમાં સહીસલામત પડી રહેતી અનેક ઉદ્યોગપતિઓ આ બેંકો પાસેથી લોન લઇ નવા ઉદ્યોગ સ્થ્પ્તા નિયમિત હપ્તાઓ ભરતા અને લોકોને રોજગારીનું સર્જન થતું જેથી કરી આ દેશમાં રોજગારીનું પ્રમાણ પણ વધારે હતું તેની સામે આજની સરકાર બેંકોના રાષ્ટ્રીયકરણ કરવાની જગ્યાએ બેંકોને એકત્રીકરણ કરી અમુક બેંકો ખાધમાં હોય તેને ખાધમાંથી જે બેંક સદ્ઘર છે તેમાં મર્જ કરવામાં આવે છે બેંકોમાં થાપણદારોને મળતું વ્યાજ છેલ્લા ૭૫ વર્ષમાં કયારેય આટલું ઓછુ મળ્યું નથી

આ દેશનો GDP કયારેય પણ આટલો બધો નેગેટીવ થયો નથી અગાઉની જૂની સરકારોમાં ઉપરની પરિસ્થિતિઓ સમયે GDP નેગેટીવ થયો છે તે પણ માત્ર ૫% સુધી જ પરંતુ આજે તો GDP -૨૩.૯% નેગેટીવ થયો છે આ તમામ પરિસ્થિતિઓ જેવીકે મંદી, બેરોજગારી, આર્થિક કટોકટી જેવી સ્થિતિઓ લાગવાની દહેશત, મોંઘવારી, ભૂખમરો, વગેરે જો કોઈને આભારી હોય તો આ દેશની વર્તમાન ભાજપ સરકારને આભારી છે. તેવો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો છે.

એક જમાનામાં દેશના નેતાઓ જેવા કે પૂજય ગાંધીબાપુ, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, ડો.મનમોહનસિંગ જેવા રાજકારણીઓને જોઈ પ્રજા દ્વારા પુષ્પવર્ષા થતી અને આજના રાજકારણીઓને લોકો નફરત ની નજરે જોઈ રહ્યા છે અને તેમના કહેવાતા ભકતો દ્વારા પરાણે પુષ્પવર્ષા કરાવી રહ્યા હોય તેવી સ્થિતિ આવી છે.

૧૯૪૭થી ૨૦૨૦ સુધી દ્યણું અંતર પડી ગયું છે એક પ્રસંગ યાદ આવે છે ભાખરાનાંગલ ડેમનું ઉદ્ઘાટન જયારે પંડિત જવાહરલાલ નહેરુ એ કર્યું ત્યારે એક વાકય બોલ્યા હતા કે 'આ જ ભારતનું ભવિષ્ય છે જે આજે પણ યથાર્થ શાબિત થશે' જેમ કે આ દેશમાં કોંગ્રેસ દ્વારા અનેક નાનામોટા ડેમો બનાવી આ દેશનું ભવિષ્ય છે તે શાબિત કરી દીધું છે અને વર્તમાન સરકાર જે લાભો લઇ રહ્યા છીએ તે અગાઉની સરકારોની દેન છે આ આખા દેશમાં ચારેય તરફ રેલ્વે લાઈનો વિકસાવી, એરપોર્ટો વિકસાવ્યા, વિશ્વના મોટામાં મોટા બંદર તરીકે પણ જેને વિકસાવ્યું તે સમગ્ર જશ અગાઉની સરકારોને જાય છે આ દેશમાં IIM, ITI, ઓપન યુનિવર્સીટી, હોસ્પિટલો, બ્રીજો, રોડ રસ્તાઓ, ટેકનોલોજી, સાયન્સ, ટૂંકમાં લખીએ તો  આ દેશમાં જે કાઈ હાલની સરકાર વાપરતી હોય તે તમામ પ્રકારની સુવિધાઓ અગાઉની સરકારને આભારી છે. આજની સરકારના નેતાઓ ઉપર અનેક પ્રકારના લોકશાહીને લાંછન આગે તેવા ગુન્હાઓ નોંધાયેલા છે અનેક ને સજાઓ પણ થયેલ છે સજાઓ ભોગવીને પણ આજની આ સરકારમાં સંગઠન હોય કે સરકાર હોય તે ટોચ ઉપર બેસી ગયા છે.  આ જ સરકારે બનાવેલા અને અમલમાં આવેલા હોય તેવા આમ પબ્લિક ઉપર લાગુ પડતા કાયદાઓ તે ફકત પબ્લિક ઉપર જ રહે છે આજની સરકારના પદાધિકારીઓ ઉપર લાગુ પડતા નથી તે લોકશાહીનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ થઇ રહ્યું છે તેવું પ્રજા જોઈ રહી છે. આ પરિસ્થિતિ થવા પાછળ જો કોઈનો હાથ હોય તો આજની સરકારનો છે તેવો આક્ષેપ વશરામભાઈ સાગઠીયાએ નિવેદનના અંતે કર્યો છે.

(3:43 pm IST)