Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હોટેલ રેસ્ટોરન્ટ ડેરી-ખાણીપીણીના વેપારીઓ પ્લાસ્ટીકનો ઉપયોગ કરશે તો હજારોનો દંડ

ફુડ ઇન્સપેકટરને પ્લાસ્ટીક ચેકીંગનો આદેશ આપતાં મ્યુ. કમિશ્નર : પ્લાસ્ટીક ઝબલા, પ્લાસ્ટીક સ્ટ્રો, પ્લાસ્ટીકની ડીઝીપોઝીબલ ડીસ, વાટકા, ચમચી, થર્મોકોલના કપ સહિતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ : માર્કેટ-હોકર્સ ઝોનમાં પણ પ્લાસ્ટીક ઝબલા પર પ્રતિબંધ

રાજકોટ, તા. ૧૯ :  શહેરને પ્લાસ્ટીક મુકત કરવાની ઝુંબેશ હેઠળ હવે હોટેલ રેસ્ટોરન્ટ, ડેરી, ખાણી-પીણીનાં વેપારીઓ સામે પ્રતિબંધી પ્લાસ્ટીકનાં ઉપયોગ અંગે ચેકીંગ કરી પ્લાસ્ટીક વસ્તુઓ મળ્યે હજારોનો દંડ વસુલવા ફ્રૂડ ઇન્સ્પેકટરોને મ્યુનિ. કમિશ્નર ઉકિત અગ્રવાલે આદેશો આપ્યા છે.

આ અંગે સતાવાર જાહેર થયેલ વિગતો મુજબ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષય અંગે આરોગ્ય શાખા અને ફૂડ વિભાગના અધિકારીશ્રીઓ અને સ્ટાફની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ ઉપર તા.૪-૬-૨૦૧૯ના જાહેરનામાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જે અનુસંધાને શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ શોપ, ડેરી ફાર્મ, જયુસ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર તથા અન્ય ખાદ્ય સામગ્રીના વેંચાણકર્તાઓને ત્યાં આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા મ્યુનિ. કમિશનરશ્રીએ આદેશ આપેલ છે. અને આ બાબતે ચેકીંગ કરીને (૧)સર્વે પ્રકારની પ્લાસ્ટિકની કેરી બેગનો ઉપયોગ  (૨) તમામ પ્રકારની પ્લાસ્ટીકની સ્ટ્રોનો પણ ઉપયોગ  (૩) ખાણીપીણીમાં વપરાતા પ્લાસ્ટીકના થાળી, વાટકા, ચમચી, ગ્લાસ, થર્મોકોલના કપનો ઉપયોગ વગેરે ઉપર પ્રતિબંધ હોય તે અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવા જણાવેલ.

ઉપરોકત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે ફૂડ વિભાગની પાંચ ટીમો બનાવી શહેરમાં ચેકિંગ કરવામાં આવશે. જયાં કયાંય પણ, જાહેરનામાથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં આવશે ત્યાં સંબંધિત આસામી સામે દંડાત્મક તથા ફૂડ લાઈસન્સ કેન્સલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ  મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

શાક માર્કેટ અને હોકર્સ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા જાહેર અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ ઉપર તા.૪-૬-૨૦૧૯ના જાહેરનામાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ત્યારે શહેરના તમામ હોકર્સ ઝોન અને વેજીટેબલ માર્કેટમાં આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ શરૂ કરાવવામાં આવેલ છે. આવી કોઇપણ ફેરિયાઓ કે થડા હોલ્ડર પ્લાસ્ટિક કેરી બેગ વાપરી શકશે નહીં, તેમજ ગ્રાહકને પ્લાસ્ટિક કેરી બેગમાં શાકભાજી આપી શકશે નહીં. જો કોઈ ફેરિયાઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા માલુમ પડશે તો તેમનું હોકર્સ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. વેજીટેબલ માર્કેટમાં પણ વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશે તો જે તે વેપારી વિરૂદ્ઘ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને થડાની ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ થડાધારકો-હોકર્સે નોંધ લેવી તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રીએ નાગરિકોને શાકભાજી ખરીદવા જતા સમયે કાપડની બેગ અચૂક સાથે લઇ જવા ખાસ અપીલ કરી છે. કમિશનરશ્રીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, પ્લાસ્ટિક આપણાં પર્યાવરણને પ્રદુષિત કરે છે અને પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જે વરસો સુધી નાશ પામતો નથી. પર્યાવરણને પ્લાસ્ટિકથી મુકત કરવા સૌ નાગરિકો અને વહીવટી તંત્ર સાથે મળીને પ્રયાસો કરે તે વર્તમાન સમયની પ્રબળ માંગ છે.

(4:12 pm IST)