Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મંડળીની લોન પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ કોર્ટ

રાજકોટ તા ૧૯  :  મંડળીની લોન સામેના ચેક ડીસઓનરના કેસમાં થયેલ સજાનો હુકમ સેશન્સ અદાલતે રદ કર્યો હતો.

અત્રે સદ્ગુરૂ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. એ રાજકોટના રહીશ ત્રિભુવનદાસ ઉનડકટ સામે ચેક ડિસઓનર સબબ રાજકોટ કોર્ટમાં સને ૨૦૧૬માં ફરીયાદ દાખલ કરેલ હતી.

મુળ ફરીયાદની વિગત મુજબ શ્રી સદ્ગુરૂ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી. એ નીચેની અદાલતમાં સને ૨૦૧૬માં ફરીયાદ કરેલી કે, આરોપીએ તેની સોસાયટી પાસેથી રૂ.૨,૦૦,૦૦૦/-ની લોન લીધેલી અને તે લોનની રકમ ભરપાઇ કરવા આરોપી ત્રિભુવનભાઇએ સીટીઝન કો.ઓ. બેંકનો ચેક ઇસ્યુ કરેલ, જે તે ચેક વસુલાત માટે બેંકમાં રજુ રાખતાં રાજકોટ કોર્ટમાં સોસાયટીએ રીકવરી ઓફીસર ગોૈરાંગ જોષી મારફત ને.ઇ. એકટ કલમ ૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરેલ, તે ફરીયાદમાં નીચેની અદાલતે સમગ્ર ટ્રાયલ બાદ આરોપી ત્રિભુવનદાસભાઇને ૧ વર્ષની સાદી કેદની સજા રૂા ૧,૦૦,૦૦૦/- ફરીયાદીને વળતર ચુકવવા તથા તે રકમ ન આપે તો વિશેષ બે માસની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત હુકમ સામે ત્રિભુવનભાઇ ઉનડકટે રાજકોટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ. જે તે અપીલમાં એપેલેન્ટે રજુઆત કરેલ કે, મુળ ફરીયાદી મંડળીએ નીચેની અદાલતમાં પ્રતિવાદીના બાકી લેણાની વિગતો પુરવાર કરેલ નથી, અને બાકી લેણા બાબતે કોઇ ધારણા થઇ શકે નહીં વિશેષમાં રજુઆત કરવામાં આવેલ કે મંડળી દ્વારા હિસાબો સાબીત કરવામાં આવેલ નથી, ફરીયાદીએ કોરા ચેકમાં વિગતો ભરી દુરઉપયોગ કરેલ છે, અને લોન વ્યવહાર પુરવાર કરવા માટેનો કોઇ પુરાવો રેકર્ડ  ઉપર ન  હોય ત્યારે, આરોપીને નીચેની અદાલતે ફરમાવેલ સજાનો હુકમ ગુરકાયદેસર અને રદ થવા પાત્ર છે.

સેશન્સ કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આરોપી ત્રિભુવનદાસ ઉનડકટ સામે નીચેની અદાલતે ફરમાવેલ દંડ તથા સજાનો હુકમ રદ કરી નિર્દોષ છોડી મુકેલ છે.

આ કામમાં એપેલેન્ટ ત્રિભુવનદાસ ઉનડકટ વતી વિકાસ કે.શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, તથા વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(3:39 pm IST)