Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આરટીઓમાં લાયસન્સ કઢાવવા જબ્બર ધસારોઃ અરજદારોને છ નવેમ્બર પછીની તારીખો મળી

નવા ટ્રાફિક નિયમો લાગુ પડ્યા બાદ લાયસન્સ કઢાવવા પડાપડી

રાજકોટઃ વાહન ચાલકો માટે નવા ટ્રાફિક નિયમો અમલમાં આવવાથી દંડની રકમમાં પણ જબ્બર વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ હજારો રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. ફરજીયાત હેલ્મેટ અને પીયુસીના અમલ માટે હાલ સરકારે ભારે હોબાળા બાદ ૧૬ ઓકટોબર સુધીની મુદ્દત આપી છે. ત્યાં સુધી હેલ્મેટ અને પીયુસીના મેમો નહિ મોકલવા અને દંડ નહિ વસુલવા પણ આદેશ થયો છે. બીજી તરફ નવા નિયમો અનુસાર ડ્રાઇવીંગ લાયસન્સ હોવું ફરજીયાત છે. આ કારણોસર વગર લાયસન્સે વાહનો ફેરવનારા હજ્જારો લોકો આરટીઓ કચેરી ખાતે દરરોજ ઉમટી રહ્યા છે. રાજકોટ આરટીઓ ખાતે પણ લાયસન્સ કઢાવવા પડાપડી થઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ હાલમાં આરટીઓ ખાતે લાયસન્સ માઢ નવેમ્બર માસ સુધીનું વેઇટીંગ ચાલી રહ્યું છે. દર કલાકે અરજદારો દ્વારા લાયસન્સ માટેની ઓન લાઇન અપોઇન્ટમેન્ટ લેવામાં વધારો થઇ રહ્યો છે.   આ કારણે હાલની પરિસ્થિતિમાં નવા લાયસન્સ માટેની અરજી કરનારા અરજદારોને છઠ્ઠી નવેમ્બર પછીની તારીખો મળી રહી છે. અગાઉથી જેને તારીખો મળી હોઇ તે અરજદારો મોટી સંખ્યામાં આરટીઓ ખાતે ઉમટી રહ્યા હોઇ અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી બમણી કે તેથી વધુ થઇ ગઇ છે. રાજકોટ આરટીઓમાં દસ હજારથી વધુ લાયસન્સનું વેઇટીંગ અને વેરિફિકેશનની કામગીરી બાકી હોવાનું જણાવાઇ રહ્યું છે. આ પ્રકારના મેસેજ સોશિયલ મિડીયામાં સતત વાયરલ થઇ રહ્યા છે.

(3:26 pm IST)