Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજકોટ - ભાવનગર હાઇ-વે ઉપર બળધોઇ પાસે અકસ્માતઃ લૌકિક ક્રિયાએથી પરત ફરતા જોગરાજીયા પરિવારના ૧ર ઘવાયા

રિક્ષા આડે ગાય ઉતરતા દુર્ઘટનાઃ જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

આટકોટઃ રાજકોટ-ભાવનગર  હાઇ-વે ઉપર બળધોઇ ગામ પાસે મુસાફરોને લઇને જઇ રહેલી રિક્ષા આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. જેથી રિક્ષામા બેસેલા ૧૦ થી ૧૨ મુસાફરોને ગંભીર ઇજા થતા આટકોટના ''અકિલા''ના પત્રકાર અને સેવાભાવી વિજયભાઇ વસાણીએ ટાટા ગાડીમા મુસાફરોને તાબડતોબ જસદણ સરકારી હોસ્પિટલમા ખસેડાયા હતા.

આટકોટ તા.૧૯: રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર બાળધોઇ પાસે છકડો રિક્ષા આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાતા બળધોઇના જોગરાજીયા પરિવારના ૧૦ થી ૧ર વ્યકિતઓને ઇજા થતા પ્રથમ જસદણ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મ્ુજબ જસદણ તાલુકાના બળધોઇ ગામના જોગરાજીયા પરિવારના સભ્યો છકડો રિક્ષામાં જસદણ લૌકિક ક્રિયાઓથી પરત ફરી રહ્યા હતા.

ત્યારે બળધોઇ ગામ પાસે છકડો રિક્ષા આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો આ સમયે આટકોટના ''અકિલા'' ના પત્રકાર અને સેવાભાવી વિજયભાઇ વસાણીએ દુધના વ્યવસાય સાથે સંકળાયેલા કોળી પરિવારની ટાટા ગાડીના કેન ડિવાઇડર ઉપર મુકાવીને ઇજાગ્રસ્તોને તાબડતોબ જસદણ હોસ્પિટલે પહોચાડયા હતા.

વિજયભાઇ વસાણીએ જસદણ હોસ્પીટલે ફોન કરીને તબીબો સહિત સ્ટાફને અકસ્માતની જાણ કરતા ત્યા ટીમ તૈનાત હતી.

આ દુર્ઘટનામાં વિલાસબેન રાયધનભાઇ જોગરાજીયા (ઉ.૪૦ )સામુબેન ધુધાભાઇ જોગરાજીયા (ઉ.પ૦) ધીરૂભાઇ રાણાભાઇ જોગરાજીયા (ઉ.પ૦) ધીરૂભાઇ જશમતભાઇ જોગરાજીયા (ઉ.પ૦) માવજીભાઇ જસમતભાઇ જોગરાજીયા (ઉ.૪૦) દયાબેન મનસુખભાઇ જોગરાજીયા (ઉ.૪૦) સવિતાબેન હરેશભાઇ જોગાજીયા (ઉ.૩પ) વિલાસબેન ધીરૂભાઇ જોગરાજીયા (ઉ.૪પ) ભુપતભાઇ ભોવાભાઇ જોગરાજીયા (ઉ.પપ) ને ઇજાગ્રસ્ત હાલતમાંં પ્રથમ જસદણ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ જાદવ, પોપટભાઇ રાજપરા, હિતેષભાઇ (ભવાની ટ્રાવેલ્સ) ગુણવંતભાઇ રાજયગુરૂ સહિત સેવાભાવીઓ હોસ્પીટલે દોડી ગયા હતા.

અકસ્માત ઘટનાસ્થળેથી જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા પસાર થયા હતા ત્યારે તેઓએ પણ સંબંધિત તંત્રને સુચના આપી હતી.

ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડેલ છે. જેની જાણ થતા રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટ સિવીલ હોસ્પીટલના અધિક્ષશ્રીને સુચના આપીને તાબડતોબ સારવાર કરાવી હતી.

ઇજાગ્રસ્તોને જસદણ ૧૦૮ એમ્બ્યુલન્સ, જસદણ સિવીલ હોસ્પીટલ, માર્કેટ યાર્ડ અને એક પ્રાઇવેટ હોસ્પિટલ સહિત ૪ એમ્બ્યુલન્સમાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતા.

અકસ્માતમાં ગાયને ઇજા થતા પાંજરાપોળમાં સારવારમાં ખસેડેલ છે.

આ બનાવ અંગે આટકોટના પીએસઆઇ શ્રી મેતા સહિત પોલીસ સ્ટાફે જરૂરી કાયવાહી હાથ ધરી છે.

(4:15 pm IST)