Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કુવાડવા રોડ નરસિંહ મહેતા ટાઉનશીપમાં અનિલે લિફટમાં યુવતિનો હાથ પકડી શરીરે અડપલા કર્યા!

કેબલ ડીસ્ક ફિટીંગનું કામ કરતાં વાળંદ શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ નરસિંહ મહેતા ટાઉનશીપમાં રહેતાં અને કેબલ ડિસ્ક ફિટ કરવાનું કામ કરતાં ૩૪ વર્ષના યુવાને લિફટમાં  ભેગી થઇ ગયેલી એક ૨૨ વર્ષની યુવતિનો હાથ પકડી લઇ શરીરે હાથ ફેરવી અડપલા કરી છેડતી કરતાં યુવતિએ દેકારો મચાવી મુકયો હતો. આ મામલો પોલીસ સુધી પહોંચતા બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

પોલીસે યુવતિની ફરિયાદ પરથી આઇપીસી ૩૫૪-ડી મુજબ ગુનો નોંધી અનિલ ઘનશ્યામભાઇ ચાવડા (કોળી) (ઉ.૩૪-રહે. નરસિંહ મહેતા ટાઉનશીપ ડી માર્ટ પાછળ)ને અટકાયતમાં લીધો છે. ફરિયાદમાં આરોપ મુકાયો છે કે યુવતિ ગઇકાલે સવારે દસ સવા દસેક વાગ્યે ગ્રાઉન્ડ ફલોરમાં લિફટ પહોંચી ત્યારે દરવાજામાંથી બહાર નીકળવા જતાં અનિલ ચાવડા સામે આવ્યો હતો અને લિફટનો દરવાજો બંધ કરી દઇ યુવતિનો હાથ પકડી લીધો હતો. તેમજ તેના શરીરે હાથ ફેરવી લઇ અડપલા કરી છેડતી કરી લીધી હતી.

આ બનાવથી યુવતિ ડઘાઇ ગઇ હતી અને દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં. પોલીસ સુધી વાત પહોંચતા એએસઆઇ ઉમેદભાઇ બી. પવાર અને હરપાલસિંહે કાયદેસરની કાર્યવાહી કરી અનિલને અટકાયતમાં લઇ આકરી પુછતાછ કરી હતી. આ શખ્સ યાજ્ઞિક રોડ પર ટાટા સ્કાયમાં છત્રીઓ ફિટ કરવાનું કામ કરે છે. તેણે ભુલથી આમ થઇ ગયાનું રટણ ચાલુ કર્યુ હતું.

(1:12 pm IST)