Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શનિવારે નોરતાના વધામણા કરવા બેઠા ગરબા

હે મા ત્વમેવ સર્વમ્... કલાવતી ગ્રુપનો કાર્યક્રમ : નાગર પરિવારો દ્વારા બેઠા ગરબાની શરૂઆત કરવામાં આવી હતી : હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૯ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને અખિલ હિન્દ મહિલા પરિષદના સહયોગથી રાજકોટના કલાવતી ગ્રુપ દ્વારા નોરતાના વધામણા કરવા બેઠા ગરબાનો અનોખો કાર્યક્રમ 'હે મા ત્વમેવ સર્વમ્' આગામી તા.૨૧ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે હેમુગઢવી નાટ્યગૃહ ખાતે યોજાનાર છે.

બેઠા ગરબાની પરંપરા પ્રાચીન કાળની છે. માતાજીનું સ્વાગત જયારે હૃદયથી કરવાનું હોય, આત્માના રણકારથી કરવાનુ હોય ત્યારે બેઠા ગરબા તેનું શ્રેષ્ઠ માધ્યમ છે. નાગર પરીવારો દ્વારા બેઠા ગરબાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. આ પરંપરાને આજના યુગમાં પણ આગળ વધારવા શ્રીમતી કલ્યાણીબેન વછરાજાની અને તેમની પુત્રી ધ્વની પ્રતિબદ્ધ છે અને આ પ્રતિબદ્ધતાને મક્કમતાથી આગળ વધારવા માટે આ બેઠા ગરબાના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

તા.૨૧મીની રાત્રે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી જયારે અતિથિ વિશેષ તરીકે મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, અખિલ હિન્દ મહિલા પરિષદ, રાજકોટના અધ્યક્ષ ભાવનાબેન જોષીપુરા, ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ, માલાબેન ભટ્ટ, અખિલ ભારતીય નાગર પરિષદના પ્રમુખ જે.ટી.બક્ષી, નાગર બોર્ડીંગના પ્રમુખ હેમાંગભાઈ વસાવડા ઉપસ્થિત રહેશે.

કલ્યાણીબેન વછરાજાની, ડો.ધ્વની વછરાજાની, બીનાબેન સંઘાણી, દૃષ્ટિ અંધારીયા, નીતાબેન વસાવડા, સિદ્ધિબેન વોરા, વિભા દવે, ખુશ્બુ દવે, ખુશાલી માંકડ અને ડો.દુલારી માંકડ રાગ - રાગીણી આધારીત ગરબા થકી માતાજીની ઉપાસના કરશે. કાર્યક્રમનું સંચાલન કાનન છાયા સંભાળશે.

આ બેઠા ગરબાના પાસ મેળવવા માટે ડો.વિભાકર વછરાજાની હોસ્પિટલ, ૧૩-૩ જાગનાથ પ્લોટ, કાઠીયાવાડ જીમખાના પાછળ, રાજકોટ ખાતે સવારે ૯ થી રાતના ૮ દરમિયાન અથવા અખિલ ભારતીય નાગર પરિષદની ઓફીસ, પહેલા માળે, સદ્દગુરૂ કોમ્પલેક્ષ, રૈયા રોડ ખાતે સવારે ૧૧ થી ૧૨ વચ્ચે સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(1:09 pm IST)