Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠના ધર્મપત્નિ સરયુબેનનું દુઃખદ નિધનઃ ચક્ષુદાન

સદ્દગતની સ્મશાનયાત્રામાં પરિવારજનો- વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ આવતીકાલે પ્રાર્થનાસભા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ શેઠ પરિવારને ફોન ઉપર દિલસોજી પાઠવી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.માણેકચંદ ડાયાભાઈ શેઠના પુત્રવધુ તથા શેઠ બિલ્ડર્સવાળા દિલસુખભાઈ શેઠના લઘુબંધુ, ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષણ સમિતિના સભ્ય અને શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ, શેઠ ઉપાશ્રય અને શેઠ પૌષધશાળાના ચેરમેન જૈન શ્રેષ્ઠિવર્ય  ચંદ્રકાંતભાઈ શેઠના ધર્મપત્ની સરયુબેન (ઉ.વ.૬૫) જેઓ ઋષભભાઈ શેઠ અને અ.સૌ. જહાંનવીબેન બીજલભાઈ ચોવટીયા (અમદાવાદ)ના માતુશ્રી તથા સ્વ.વિનુભાઈના લઘુબંધુના ધર્મપત્નિ તથા સ્વ.જયશ્રીબેન રશિમકાંતભાઈ દોશી અને ડો. નરેનભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈના ભાભી તા.૧૮ને બુધવારના રોજ અરિહંત શરણ પામેલ આજે સદ્દગતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન અર્હમ પેલેસ, પારસ સોસાયટી ખાતેથી નિકળી રામનાથપરા પહોંચી હતી. સરયુબેનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ શેઠ પરિવારને ફોન ઉપર દિલસોજી પાઠવી સાંત્વના આપી હતી. શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી, ડોે.અમિતભાઈ હપાણી, મયુરભાઈ શાહ, ચંદ્રેશભાઈ જેઠાણી, (આજકાલ ગ્રુપ), નિલેશભાઈ શાહ સહિતના જૈન અગ્રણીઓ, રાજકોટના પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, જૈન સમાજના ચારેય ફિરકાઓના અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી, જીતુભાઈ દેસાઈ, દિનેશભાઈ પારેખ, ઉપેનભાઈ મોદી, ડોલરભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગીરીશભાઈ મહેતા, મનોજ ડેલીવાળા તથા રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.

સદ્દગત સરયુબેનની પ્રાર્થનાસભા કાલે તા.૨૦ શુક્રવારે, સવારે ૯ થી ૧૧ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી સભા ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (ચંદ્રકાન્તભાઈ શેઠ મો.૯૮૨૪૦ ૪૩૭૬૯) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જૈન શ્રેષ્ઠિ વર્ય વૈયાવચ્ચ પ્રેમી ચંદ્રકાન્તભાઈ શેઠના ધર્મ પત્ની ધર્માનુરાગી સરયુબેન શેઠ ૬૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બુધવારે સાંજે અરિહંત શરણ પામ્યા. તેમના ચક્ષુઓનું દાન કરી શેઠ પરિવારે માનવતાનું કાર્ય કર્યું છે.

સરયુબેન દયાળુ, માયાળુ, પરોપકારી, સૌમ્ય સ્વભાવ ધરાવતાં હતાં. કહેવાય છે કોઈ સફળ પુરૂષ પાછળ તેની પત્નીનો સદા સાથ સહકાર હોય છે.આ ઉકિત ચંદ્રકાન્તભાઈ શેઠ માટે યર્થાથ સાબિત થઈ છે.

જાહેર જીવનમાં અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાથી ચંદ્રકાન્તભાઈ શેઠ સમાજ સેવા, સંઘ તેમજ શાસન સેવા તેમજ વૈયાવચ્ચમાંં મોટા ભાગનો સમય આપતા.

સરયુબેને કયારેય પણ સેવાના કામમાં તેઓને અંતરાય આપી નથી. ગત વર્ષે રોયલ પાર્ક સંઘમાં સમૂહ ઐતિહાસિક ચાતુર્માસ હતું. સરયુબેનની તબિયત નરમ - ગરમ રહ્યાં કરે,પરંતુ મનથી તેઓ મક્કમ. તેઓએ ચંદ્રકાંતભાઈને કહ્યું તમે મારા આરોગ્યની ચિંતા ન કરો.હોસ્પિટલમાં એડમિટ થઈશ તો પરિવારજનો ચિંતા કરશે એટલે એક કામ કરો આપણા ઘરમાં જ ઉપચારના સાધનો વસાવી લઈએ,અને હું ઘરે જ ધર્મ ધ્યાન સાથે આરામ કરીશ.તમો સંઘના પ્રમુખ છો એટલે પૂર્ણ સમય શાસન સેવામાં ફાળવો આવો અવસર વારંવાર નહીં મળે. મારા આરોગ્યની ચિંતા ન કરશો.

સરયુબેન સંગીત પ્રેમી હતાં.સદા તેઓ ભકિતમય અને સંગીતમય રહેતાં. શહેરની મધ્યમાં નિવાસ સ્થાન હોવાથી સમયાંતરે પૂ.સાધુ - સાધ્વીજીઓ ગોચરી માટે પધારે. સરયુબેન ઘરના દરેક વ્યકિતઓને સુચના આપતા કે ગોચરીની વેળાએ બધું સૂઝતુ રાખજો.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સી.એમ.ના ઘરે જયારે પણ જવાનું બને ત્યારે સરયુબેન પહેલો પ્રશ્ન પૂછે કે પૂ.આરાધ્યાજી મ.સ.ની તબિયત કેમ છે ? સરયુબેન ધર્મ પરાયણ,નિખાલસ , પરગજ્જુ અને એકદમ ભદ્રિક હતાં.

પરમ પૂણ્યશાળી આત્મા હતો તેથી જ જે દિવસે તેઓ અરિહંત શરણ પામ્યા તે જ દિવસની સવારે શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ.ના સુશિષ્યા તપસ્વી રત્ના પૂ.સ્મિતાજી મ.સ.ગોચરી માટે પધાર્યા. સરયુબેન એકદમ સ્વસ્થ હતાં. પૂ.સ્મિતાજી મ.સ.એ લગભગ ૨૪ મિનિટ તેઓને ધર્મ આરાધના કરાવી. રોયલ પાર્ક બીરાજમાન પૂ.પ્રભાબાઈ મ.સ.ના પરિવારમાથી પૂ.રેણુકાજી મ.સ.આદિ,શેઠ ઉપાશ્રય બીરાજમાન પૂ.સુમતિજી મ.સ.ના સુશિષ્યાઓ તથા પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.ઉષાજી મ.સ.આદિ અનેક પૂ.મહાસતિજીઓએ અંતિમ સમયે સરયુબેનના આત્માને ધર્મ આરાધનાથી ભાવિત કરેલ.

સરયુબેન સ્તવન ખૂબ જ પ્રિય એટલે તેઓને ભકિત પણ કરાવી.કુંટુંબ પ્રેમ તેઓનો ગજબનો હતો. પુત્ર ઋષભ હોય કે પૂત્રવધુ જેશલ હોય,પુત્રી જહાંનવી હોય કે જમાઈ બીજલકુમાર હોય સૌ પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાવતા. પૌત્ર અને પૌત્રી તો આખો દિવસ દાદીની ચોરતફ ઘૂમ્યા કરે અને મોજ મસ્તી કર્યા કરે. સરયુબેન પણ કહે બાળકો એ તો ભગવાનનું સ્વરૂપ છે.

પ્રભુ મહાવીરે શ્રી ઉત્ત્।રાધ્યયન સૂત્રમાં કહ્યું કે  અસંખયં જીવિય મા પમાયએ....અર્થાત જીવન અસંસ્કૃત છે,આયુષ્ય તૂટ્યા પછી કદી સાંધી શકાતું નથી.વિશાળ વડલા જેવા શેઠ પરિવારને અલવિદા કહી આ દુનિયામાંથી સરયુબેનના આત્માએ સદ્દગતિ તરફ પ્રયાણ કર્યું.

જૈન સમાજના ચારેય ફિરકાઓના પૂ.સંત - સતિજીઓ સહિત હિંદુ ધર્મના અનેક સંતો - મહંતોએ સમગ્ર શેઠ પરિવારને ધર્મ પ્રેમી સરયુબેનના પરલોકગમન નિમિત્તે ધર્મ સંદેશ પાઠવેલ છે. (તસવીરઃ સંદિપ બગથરીયા)

(3:41 pm IST)