Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ટેલિકોમ કંપનીના નામે ૬૫.૭૫ લાખની ઠગાઇઃ અનેકના કરોડો ડૂબ્યા

દેવાંગ ચુડાસમાએ ઓઇએન (OEN) ટેલિકોમ કંપનીમાં પૈસા રોકાણ કરવાથી કમિશન પેટે ૬ ટકા રકમ મળશે તેવો વિશ્વાસ આપી કરોડો ઉઘરાવી ધંધો બંધ કરી દીધો : ખાદીભવન સામે સન આર્કેડમાં આવેલી ઓફિસને તાળા મારી દેવાંગ છનનન થઇ જતાં રોકાણકારોમાં દેકારોઃ અનેક મોટા માથાઓ, અમુક અધિકારીઓના પણ નાણા ફસાયાની ભારે ચર્ચાઃ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટઃ દેવાંગ હાથવેંતમાં : બોટાદના તરઘરામાં જય વહાણવટી ટેલિકોમ નામે ધંધો કરતાં પ્રદિપભાઇ ખાચરે ધંધાના વિકાસ માટે રાજકોટ રહેતાં મામાના દિકરા હિતેષભાઇ કોટીલા મારફત દેવાંગ ચુડાસમાનો સંપર્ક કર્યોઃ દેવાંગે મોબાઇલ રિચાર્જની પોતાની બે કંપનીઓમાં પ્રારંભે પ્રદિપભાઇને નિયમીત રીતે કમિશન ચુકવ્યું: છેલ્લે ઓઇએન ટેલિકોમમાં પ્રદિપભાઇએ લાખોનું અને અન્ય લોકોએ કરોડોનું રોકાણ કર્યા પછી દેવાંગ ગાયબ થઇ ગયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૯: ઓઇએન (OEN) ટેલિકોમ કંપનીમાં નાણાનું રોકાણ કરવાથી ૬ ટકા લેખે કમિશન મળશે તેવી લાલચ વિશ્વાસ-વચન આપી શહેરના ખાદીભવન પાસે ઓફિસ ધરાવતાં જામનગર રોડ શ્રીજી પાર્ક ગોકુલ બંગલોઝમાં રહેતાં મોચી શખ્સ દેવાંગ નિતીનભાઇ ચુડાસમાએ બોટાદના તરઘરા ગામના કાઠી યુવાન સાથે રાજકોટના રૂ. ૬૫,૭,૫૦૦૦ની ઠગાઇ કરતાં આ મામલે એસઓજીએ તપાસ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ રીતે સોૈરાષ્ટ્રભરમાં અનેક સાથે ઠગાઇ થયાનું અને ઠગાઇનો આંકડો કરોડોમાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શકયતા છે. આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

ડીસીબી પોલીસ સ્ટેશનમાં બોટાદના તરઘરા ગામે જય વિહળાનાથ ચોરાવાળી શેરીમાં રહેતાં અને ખેતીવાડી ધરાવવા ઉપરાંત બોટાદમાં વહાણવટી ટેલિકોમ નામે મોબાઇલ રિચાર્જનો ધંધો ધરાવતાં પ્રદિપભાઇ અનકભાઇ ખાચર (ઉ.૨૫)ની ફરિયાદ પરથી જામનગર રોડ પર શ્રીપાર્કમાં રહેતાં અને ખાદી ભવન સામે સન આર્કેડમાં ઓઇએન ટેલિકોમ નામે ઓફિસ ખોલી ધંધો કરતાં મોચી શખ્સ દેવાંગ નિતીનભાઇ  ચુડાસમા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ઠગાઇનો ગુનો નોંધાયો છે.

પ્રદિપભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું ગામમાં વહાણવટી ટેલિકોમ નામે દુકાન રાખી મોબાઇલ ફોન બેલેન્સ રિચાર્જનું કામ કરુ છું. ૯/૯/૨૦૧૭ના રોજ ગ્રામ પંચાયતમાં નોંધ કરાવી દાખોલ મેળવી આ ધંધો ચાલુ કર્યો હતો. મેં આ માટે બોટાદ એકસીસ બેંકની બ્રાંચમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું છે. જે મારી સહીથી ઓપરેટ થાય છે. રાજકોટમાં મારા મામાના દિકરા હિતેષભાઇ ણજીતભાઇ કોટીલા સોરઠીયા વાડી સર્કલ પાસે કોઠારીયા કોલોનીમાં રહે છે. તે એરટેલ કંપનીના મોબાઇલ રિચાર્જના ડિસ્ટ્રીબ્યુટર હતાં તેવી મને ખબર હતી. જેથી હું તે વખતે રાજકોટ આવ્યો હતો અને

મારે ધંધો વધારવો હોઇ તેને મળી તમારા ધંધાના કોઇ જાણકાર હોય તો મુલાકાત કરાવો તેમ કહેતાં તે મને હરિહર ચોક પૂજા કોમ્પલેક્ષ ઓફિસ નં. ૨૦૯માં લઇ ગયા હતાં. આ ઓફિસ જલારામ રિચાર્જ નામે હતી. જેમાં માલિક દેવાંગ નિતીનભાઇ ચુડાસમા સાથે મારી મુલાકાત કરાવાઇ હતી.

તેણે મને કહેલ કે મારે જલારામ રિચાર્જ નામે ધંધો છે, તમે આ કંપનીમાં ઇન્વેસ્ટ કરો તો તમને ૪ ટકા જેવું કમીશન મારી જલારામ કંપની ચુકવશે. આ વાત બાદ હું ગામડે ગયો હતો. એ પછી મને દેવાંગની કંપનીમાં રોકાણ કરવાનું ઉચીત લાગતાં મેં તા. ૬/૧૧/૧૭ના રોજ રૂ. ૩ાા લાખ મારી વહાણવટી ટેલિકોમના એકાઉન્ટમાંથી દેવાંગના કોટક મહિન્દ્રાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં અને રિચાર્જનો ધંધો શરૂ કર્યો હતો. જે રીતે ધંધો આગળ વધતો ગયો દેવાંગ મને રોકડેથી કમિશન ચુકવતો હતો. આ રીતે એપ્રિલ-૨૦૧૮ સુધી ધંધો કર્યો હતો. મને કમિશન પણ અપાયું હતું.

એ પછી દેવાંગે તેની ઓફિસ ખાદી ભવન સામે સન આર્કેડમાં ૨૦૭ નંબરમાં શરૂ કરી હતી. જ્યાં હું તેને અવાર-નવાર મળવા જતો હતો. એ પછી તેણે મને વાત કરી હતી કે તેણે પોતાનો ધંધો વિસ્તાર્યો છે અને નીયો ટેલિકોમ નામે બીજો ધંધો શરૂ કર્યો છે. હું જો આ કંપની પાસેથી બેલેન્સ ખરીદું તો મને પાંચ ટકા કમિશન આપશે. આ વાતનો મને વિશ્વાસ થતાં મેં નિયો કંપની સાથે ધંધો શરૂ કરી બેલેન્સ ખરીદવાનું ચાલુ કર્યુ હતું. તા. ૨/૫/૧૮ના રૂ. ૧૦ હજાર નીયો કંપનીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં. એ પછી ૨૩/૦૭/૧૮ સુધીમાં કટકે-કટકે નીયો ટેલિકોમના એકાઉન્ટમાં ૧૮,૫૨,૧૮૩ મારા ખાતામાંથી ટ્રાન્સફર કરી ધંધો કર્યો હતો. જેનું મને પાંચ ટકા લેખે કમિશન રોકડેથી દેવાંગે ચુકવ્યું હતું.

આ રીતે દેવાંગ સાથે મારો ધંધો ચાલતો હતો. જુન ૨૦૧૮માં દેવાંગે મને વાત કરી હતી કે તેણે નિયોની સાથોસાથ હવે ઓઇએન (OEN) નામની કંપની પણ શરૂ કરી છે.આ કંપની શેરબજારમાં લિસ્ટીંગ કરી તેના શેર બહાર પાડશે અને કંપની મોબાઇલ રિચાર્જની સાથે એરટિકીટ બૂકીંગ, હોટેલ બૂકીંગ, મની ટ્રાન્સફર, ગેસ બીલ, લાઇટ બીલ સહિતના ઓનલાઇન બીલ ભરી શકાતા હોય તે તમામ પ્રકારના ધંધા સાથે જોડાયેલી છે. આ કંપનીની વેબસાઇટ પણ મેં બનાવી છે. દેવાંગની આ વાત સાંભળી મેં ઓનલાઇન એપ્લીકેશન ચેક કરી હતી. તેણે કહ્યું હતું કે આ કંપની ડિસ્ટ્રીબ્યુટર્સને ૬ ટકા કમિશન આપશે. આથી મને ઓઇએન ટેલિકોમ સાથે ધંધો કરવાનું કહેવાતાં દેવાંગના કહેવાથી મેં તા. ૨૨/૬/૧૮ના રોજ આ નવી કંપનીમાં રૂ. ૨,૨૫,૦૦૦ જમા કરાવ્યા હતાં. આ નવેસરના ધંધામાં મેં કટકે-કટકે ઓઇએન કંપનીના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં રૂ. ૬૫,૭૫,૦૦૦ જમા કરાવ્યા હતાં. આ તમામ રકમના મારા મોબાઇલમાં મેસેજો આવ્યા હતાં. એ પછી દેવાંગે આ ધંધો બંધ કરી દીધો હતો. તેની ઓફિસે તપાસ કરવા જતાં ત્યાં પણ તે આવતો નહિ હોવાની ખબર પડી હતી. તેના રહેણાંક ઉપર પણ તે મળી આવ્યો નહોતો. મેં ધંધા પેટે જમા કરાવેલી રકમ કે કમિશન મને ચુકવ્યા નથી.

મેં આ બાબતે મારા મામાના દિકરા હિતેષભાઇ કોટીલાને પુછતાં તેણે કહેલ કે દેવાંગે બધા સાથે છેતરપીંડી કરી છે. પૈસા ચુકવવા ન પડે એ માટે તે ધંધો બંધ કરી સંતાનો ફરે છે. જુદા-જુદા ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી તે રકમ મેળવી ઓળવીગયો છે અને કોઇને કોઇપણ જાતની રકમ કે કમિશનની રકમ આપી નથી. મેં નિયો ટેલિકોમ અને ઓઇએન (OEN) ટેલિકોમમાં રોકેલીમોટી રકમ કે જેનો હિસાબ કરોડોમાં થાય છે તે લેવાના બાકી છે. આ કંપનીમાં અમે જે પૈસા રોકયા હતાં તેનું અંગ્રેજીમાં એક એગ્રીમેન્ટ કરાવ્યું હતું. જે દેવાંગ પાસે છે.

દેવાંગ ચુડાસમા રાજકોટમાં જામનગર રોડ પર શ્રીજી પાર્ક ગોકુલ બંગ્લોઝ કલ્પદ્વીપ મકાન, શેઠનગર ખાતે રહે છે. તેણે મારી સાથે પોતાની કંપનીમાં રોકાણ કરવાથી ૬ ટકા કમિશન મળશે તેવો વિશ્વાસ આપતાં મેં ૬૫,૭૫,૦૦૦નું રોકાણ કર્યુ હતું. જે રકમ તે ધંધો બંધ કરી દઇ ઓળવી જતાં અંતે મેં ફરિયાદ કરી છે. એક ચર્ચા મુજબ સોૈરાષ્ટ્ર ભરમાંથી અનેક લોકોએ કરોડોનું રોકાણ કર્યુ હતું. જેમાં અમુક અધિકારીઓ પણ સામેલ હોવાની વાતો વહેતી થઇ હતી. પરંતુ આવા કોઇ નામ સત્તાવાર રીતે સામે આવ્યા નથી. પોલીસ તપાસમાં શું સામે આવશે એ તરફ સોૈની મીટ છે.

એસઓજીના પીએસઆઇ બી. કે. ખાચર, વિજયભાઇ શુકલા, અનિલસિંહ સહિતે એફઆઇઆર નોંધી ડીસીબી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ,  જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે.એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમે તપાસ શરૂ કરી છે.

(3:58 pm IST)