Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કોંગ્રેસના પરેશ હરસોડા કોર્પોરેટર પદે ગેરલાયક ઠરવાને લાયક થયા !: સતત ૬ મહીનાની ગેરહાજરી થઇ

અગાઉ વોર્ડ નં.૧૮ના ધર્મીષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવાનો પત્ર કમિશ્નરને પાઠવ્યા બાદ સેક્રેટરી રૂપારેલીયાએ હવે પરેશભાઇને ગેરલાયક ઠેરવવા અંગે કમિશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનની સામાન્ય સભામાં સળંગ છ મહીના સુધી ગેરહાજર રહેવા સબબ થોડા દિવસ અગાઉ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા સેક્રેટરીએ કમિશનરને પત્ર પાઠવ્યા બાદ હવે કોંગ્રેસના વધુ એક કોર્પોરેટર પરેશ હરસોડાને પણ સામાન્ય સભામાં સતત છ મહીનાથી ગેરહાજરી સબબ કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા માટે સેક્રેટરીશ્રીએ કમિશનરને પત્ર પાઠવતા કોંગ્રેસના વર્તુળોમાં ચકચાર મચી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સેક્રેટરીશ્રી રૂપારેલીયાએ સતાવાર વિગતો આપતા જણાવ્યું હતું.  કે વોર્ડ નં. ૧૧ નાં કોંગ્રેસનાં કોર્પોરેટર પરેશભાઇ હરસોડા છેલ્લે ૧૬ માર્ચે સામાન્ય સભામાં હાજર હતાં. ત્યારબાદથી  તેઓ આજ દિન સુધીમાં યોજાયેલી કુલ ત્રણ સામાન્ય સભાઓમાં સર્વગ ગેરહાજર રહ્યા છે. અને છેલ્લે ૧૬ સપ્ટેમ્બરે તેઓની સામાન્ય સભામાં ગેરહાજરીને છ મહીના પુર્ણ થતાં બી. પી.એમ. સી. એકટની કલમ-૧૧ હેઠળ પરેશભાઇ હરસોડા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરે છે. તેવો પત્ર મ્યુ. કમિશ્નરશ્રીને પાઠવી દીધો છે.

હવે મ્યુ. કમિશનર આ બાબતે રાજય સરકારમાં રીપોર્ટ કરી અને જાણ કરશે કે કોંગ્રેસના વોર્ડ ૧૧ના ૧ કોર્પોરેટર બી.પી.એસ.ની એકટ મુજબ ગેરકાયક ઠરે છે.

આમ કોંગ્રેસના બે-બે કોર્પોરેટરો ગેરલાયક ઠરતા કોંગ્રેસમાં આ બાબતે જબરી ચકચાર મચી છે.

ધર્મીષ્ઠાબાને કોપોરેટરપદે ગેરલાયક ઠેરવવાના મામલે હાઇકોર્ટમાં કાલે સુનાવણી

રાજકોટ : વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવામાં આવતા આ મુદે હાઇકોર્ટમાં કાનૂની લડત ચાલુ છે જેમાં આવતીકાલે વધુ સનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું કોર્પોરેશનના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

(4:05 pm IST)