Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ખોડીયારપરાની કોળી યુવતીના આપઘાત કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૧૯ : અત્રે ખોડીયારપરામાં રહેતી કોળી યુવતિને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં પકડાયેલ પતિ સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઇ તા. ર૦-૧૦-ર૦૧૭ના રોજ ફરીયાદી કંચનબેન મધુભાઇ સોલંકીની દિકરી દક્ષાએ ખોડીયાપરા, શેરી નં. ૧૬ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ કરેલ આપઘાતની ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ રાજેશ ઉર્ફે રાજુભાઇ ધનજીભાઇ સાકળીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદના કામે ઉપરોકત આરોપીને પોલીસે અટક કરેલ હતા અને તેમની સામે ચાર્જશીટ કરતા જે કેસ રાજકોટના એડી. સેશન્સ જજશ્રી એમ.એમ. બાબીની કોર્ટમાં પૂરો થયેલ હતો. આ કામમાં ફરીયાદ પક્ષે ૧૦થી વધુ દસ્તાવેજો રજૂ રાખેલ હતાં અને ફરીયાદી તથા તેમની દીકરી તથા તેમનો પુત્ર તથા પોલીસને તપાસવામાં આવેલ હતા. તમામ સાહેદોએ કડકડાટ જુબાની કોર્ટ સમક્ષ આપેલ હતી અને ત્યારબાદ કોર્ટે તમામ આરોપીની જુબાની નોંધેલ હતી અને જુબાની નોંધ્યા બાદ ફરીયાદ પક્ષે હાલના આરોપીને સજા કરાવવા માટે દલીલ રજુ કરવામાં આવેલ હતી અને બચાવ પક્ષે અને સરકારી વકીલશ્રીએ પણ વિગતવાર દલીલો કરેલ હતી.

કોર્ટે ચુકાદામાં એવું અવલોકન કરેલ હતું કે, મરણજનારના માતા, બહેન અને તેણીના ભાઇનો પુરાવો ધ્યાને લેતા આરોપી દ્વારા બનાવના અરસામાં મરણજનારને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવેલ હોય, તેવો નિશંક પુરાવો આવેલ ન હોવાને તેમજ ઇ.પી.કો. કલમ-૩૦૬ પ્રમાણેનું દુષ્પ્રેરણ આરોપી દ્વારા કરવામાં આવેલ હોવાનું ફરીયાદ પક્ષ પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોવાનું માનેલ છે તેમજ તપાસ કરનાર અધિકારીનો પુરાવો ધ્યાને લેતા તેઓએ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરેલ હોય, તેવું જણાય આવેલ નથી. ૧૮-ર૦ વર્ષના લગ્ન જીવન દરમ્યાન મરણજનારે કોઇ ફરીયાદ કે અરજી કોઇ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ કરેલ ન હોવાની હકીકત ખુલતી હોય આ કામના આરોપી મરણજનારને તેણીના લગ્નજીવન દરમ્યાન શારીરીક, માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાનું અને તે રીતે આરોપીએ તેણીને મરી જવા મજબૂર કરેલ હોવાના કારણે આપઘાત કરેલ હોવાનું ફરીયાદ પક્ષ નિશંકપણે સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે જેવા અવલોકન સાથે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી તરફે એડવોકેટ તરીકે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભાદ્વાજ, દિલીપપટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીતેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, અમૃતા ભારદ્વાજ, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયા હતાં.

(4:04 pm IST)