Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

લવમેરેજ કરનાર દેવેન્દ્ર મુછડીયાને યુવતિના પરિવારજનોએ ધમકી આપતાં ઝેર પી લીધું

જામનગરનો વતની યુવાન ધમકીઓને કારણે ગામ છોડી પરિવારજનો સાથે રાજકોટ સ્થાયી થયો છેઃ આજે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું

રાજકોટ તા. ૧૯: નવા થોરાળામાં રહેતાં દેવેન્દ્ર કિશોરભાઇ મુછડીયા (ઉ.૨૫) નામના વણકર યુવાને ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ યુવાને જામનગરની તેની જ જ્ઞાતિની યુવતિ સાથે સાત મહિના પહેલા લવમેરેજ કર્યા છે. આ લગ્ન સામે યુવતિના પરિવારજનોને વાંધો હોઇ યુવતિને પરત લઇ જઇ સતત ધમકીઓ આપતાં હોવાથી આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

દેવેન્દ્ર એક ભાઇ અને એક બહેનમાં નાનો છે તથા છુટક કામ કરે છે. તેના માતા જયાબેનના કહેવા મુજબ અગાઉ પોતે જામનગર રહેતાં હતાં. દેવેન્દ્ર જામનગરની હોસ્પિટલમાં પ્લાસ્ટર બાંધવાનું કામ કરતો હતો. સાત મહિના પહેલા દેવેન્દ્રએ જામનગરની અમારી જ જ્ઞાતિની યુવતિ સાથે લવમેરેજ કર્યા છે. આ લગ્નનો યુવતિના પરિવારજનોએ વિરોધ કરતાં પોતે આખો પરિવાર જામનગર છોડી રાજકોટ રહેવા આવી ગયો છે.

અગાઉ પણ પોતાના આખા પરિવાર વિરૂધ્ધ યુવતિના પરિવારે અરજી કરી હતી. ફરીથી અરજી કરતાં આજે બુધવારે જામનગર મહિલા પોલીસ મથકમાં બધાને હાજર થવાનું હતું. સતત ધમકીઓથી ગભરાઇને દેવેન્દ્રએ આ પગલું ભર્યુ છે. તેમ વધુમાં તેના માતાએ કહ્યું હતું. યુવતિને ગયા મહિને જ તેના પરિવારજનો રાજકોટથી તેડી ગયા છે. (૧૪.૮)

(3:52 pm IST)