Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

શહેરમાં ધાર્મિક કારણોસર ઠેકઠેકાણે મુખ્ય રસ્તાઓ બંધ થતાં વાહનચાલકોને ઇ-મેમો

એક તરફનો રસ્તો બંધ હોઇ ચાલકોને ફરજીયાત રોંગ સાઇડમાં વાહન હંકારવું પડે છે અને સીસીટીવી કેમેરામાં ફોટા પડી જતાં મેમો મળે છેઃ તંત્ર વચલો રસ્તો કાઢી સમસ્યા નિવારે તે જરૂરી

રાજકોટ તા. ૧૯: શહેરમાં હાલમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો કોમી એકતાની ભાવના સાથે ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે અને મહોર્રમનો માતમ મનાવી રહ્યા છે. આ ધાર્મિક કારણોસર જુદા-જુદા ગ્રુપ, મંડળો દ્વારા તો કેટલીક જગ્યાએ સોસાયટીઓ દ્વારા ચોકમાં, મુખ્ય માર્ગો પર મોટા મોટા પંડાલ અને સબીલો મુકવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમો માટે આ બધુ જરૂરી હોય છે અને વર્ષોથી પોલીસ તંત્ર કે બીજા કોઇ તંત્ર તરફથી કદી પણ કોઇને કનડગત થઇ નથી. પરંતુ હાલમાં ઠેકઠેકાણે પંડાલો અને સબીલ મુકવામાં આવ્યા હોઇ તેના કારણે એક સાઇડનો રસ્તો બંધ કરી બીજા સાઇડના રસ્તાને ખુલ્લો રખાય છે.  આવું થવાથી એક તરફનો રસ્તો વન-વે થઇ જાય છે અને બીજી તરફથી આવતાં વાહનોને ફરજીયાત વન-વેમાં પસાર થવું પડે છે. આવા વાહનચાલકોના થર્ડ આઇ સિસ્ટમ અંતર્ગત ફોટા પાડી લઇ તેને ઇ-મેમો (ચલણ) ઘરે મોકલી દંડ વસુલવામાં આવે છે. આ કારણે વાહનચાલકોમાં કચવાટ ઉભો થયો છે.

આગામી સમયમાં મા નવદુર્ગાની શકિતની ભકિતના પર્વ નવરાત્રીનો પ્રારંભ થશે અને ત્યારે પણ ચોકે-ચોકે  પ્રાચીન ગરબીઓના આયોજનો  થશે અને દરેક મુખ્ય માર્ગોના ચોકમાં મંડપ-સ્ટેજ ઉભા કરવામાં આવશે. આ કારણે એક તરફના રસ્તા ફરજીયાત વન-વે થઇ જશે. આવા રસ્તા પરથી વાહન ચાલકોને પણ ફરજીયાત વન-વેમાં વાહનો હંકારવા પડશે. આવા વાહન ચાલકોને પોલીસ તંત્ર ઇ-ચલણ ન આપે અને વ્યવહારૂ અભિગમ અપનાવે તે જરૂરી છે. અનેક વાહનચાલકોને કારણ વગર ઇ-ચલણનો દંડ ભરવો પડ્યો છે. જ્યાં જ્યાં ધાર્મિક કારણોસર રસ્તા વન-વે થયા છે ત્યાં વાહન ચાલકોને ઇ-મેમો આપવામાં ન આવે તે બાબતે પોલીસ અધિકારીશ્રીઓ સંબંધીતોનું ધ્યાન દોરે તે પ્રજાજનોના હિતમાં ગણાશે. તેવી નગરજનોની લાગણી અને માંગણી છે.

(3:50 pm IST)