Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આહિર સોશ્યલ ગ્રુપ રાજકોટ અને લોહાણા મહાજન જામકંડોરણા દ્વારા હરિદ્વાર ગંગાઘાટે ભાગવત સપ્તાહ

રાજકોટ તા. ૧૯ : આહિર સોશ્યલ ગ્રુપ રાજકોટ અને સમસ્ત લોહાણા મહાજન જામકંડોરણાના સંયુકત ઉપક્રમે હરદ્વારના ગંગાઘાટે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

 

આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે આગામી તા. ૨૩ ના રવિવારથી તા. ૨૯ ના શનિવાર સુધી કચ્છી આશ્રમ, ભારત મંદિર પાસે, સપ્ત સરોવર માર્ગ ખાતે યોજાયેલ આ કથાના વ્યાસાસને કથાકાર શ્રી ઘનશ્યામદાસબાપુ બીરાજી દરરોજ સવારે ૯ થી બપોરે ૧ સુધી સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે.

પોથીયાત્રા તા. ૨૩ ના રવિવારે સવારે ૮ વાગ્યે ગંગાનદી કીનારે નિકળશે. કથા દરમિયાન તા. ૨૫ ના મંગળવારે નૃસિંહ પ્રાગટય, તા. ૨૬ ના બુધવારે વામન જન્મ, તા. ૨૭ ના કૃષ્ણ જન્મોત્સવ, તા. ૨૮ ના ગોવર્ધન રાસલીલા રાખેલ છે. તા. ૨૯ ના બપોરે ૧ વાગ્યે કથાની પૂર્ણાહુતી થશે.

આ કથાશ્રવણ માટે જામકંડોરણા, ઉમરાળી, હલેન્ડા સહીત ૨૧ ગામોના ૩૦૦ થી વધુ ભાવિક ભકતો સાથે જોડાનાર છે. તા. ૨૮ અને ૨૯ ના કચ્છી આશ્રમ હરીદ્વાર ખાતે ભંડારાનું પણ આયોજન કરાયુ છે. સમગ્ર આયોજન માટે ભરતભાઇ આહીર (મો.૯૮૨૫૪ ૨૧૪૯૪), જનકભાઇ ડાંગર, મનુભાઇ ડાંગર (મો.૯૪૨૬૪ ૮૩૧૨૬), નિતિનભાઇ પોપટ, સુરેશભાઇ હુંબલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં કથાકાર શ્રી ઘનશ્યામબાપુ નિરંજની અને આયોજક ટીમના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

(3:50 pm IST)