Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રાજકોટ વૈજ્ઞાનિક ઢબે સ્વચ્છ થશેઃ કચરાગાડીમાં સૂરિલા ગીતો વાગશે

ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન - ડસ્ટબીન વ્યવસ્થા - સફાઇ કામગીરી - ચરાનું ડમ્પીંગ કરવા સહિતની બાબતોએ દેશના સ્વચ્છ નંબર વન 'ઇન્દોર'ની માફક રાજકોટને સ્વચ્છ કરવા ખાસ એજન્સીની નિમણૂંક થશે : પોપટપરા સહિતની આવાસ યોજનાઓમાં રસ્તા કામ થશે : ન્યારી - ઝોનની ૩૭ વર્ષ જુની પાણીની પાઇપ લાઇન બદલાવાશે : કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં વિકાસકામોની ૩૦ દરખાસ્તો અંગે થશે નિર્ણય

રાજકોટ તા. ૧૯ : શહેરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે મ્યુ. કોર્પોરેશનના તંત્રવાહકો દ્વારા નવા-નવા આયોજનો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત હવે રાજકોટને વૈજ્ઞાનિક ઢબે સ્વચ્છ બનાવી દેશભરમાં સફાઇ ક્ષેત્રે અગ્રતાક્રમ મેળવવાની યોજના હાથ ધરવામાં આવનાર છે. આ માટે ખાસ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા માટે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત કરાઇ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર દ્વારા સ્ટેન્ડીંગ કમિટિને કરાયેલ દરખાસ્તમાં જણાવાયું છે કે, 'સ્વચ્છ ભારત' પ્રોજેકટ હેઠળ શહેરમાં ઉત્પન્ન થતાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો, કચરામાંથી ખાતર બનાવવું, સોસાયટીઓ - શેરીઓ અને મહોલ્લામાં લોકો ગંદકી ન ફેલાવે તે માટે જાગૃકતા લાવવી, ડોર - ટુ - ડોર કચરાનું એકત્રીકરણ સહિતની બાબતો માટે ખાસ વૈજ્ઞાનિક ઢબે કચરાનું એકત્રીકરણ, કચરાનું ડમ્પીંગ કરવું અને તેનો નિકાલ કરવો તેમજ નિયમીત સફાઇનું આયોજન અને ડસ્ટબીન વ્યવસ્થા આ તમામ બાબતો માટે કેન્દ્ર સરકારની 'નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડ' એજન્સીને ૧ વર્ષ માટે કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક કરી અને આ એજન્સીના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છતા અને સફાઇનું આયોજન કરવા દરખાસ્ત છે.

દરખાસ્ત મુજબ ઉપરોકત એજન્સી દ્વારા ભારતમાં સ્વચ્છતામાં નંબર-૧ મેળવનારા ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન, ગ્વાલિયર વગેરે શહેરોને સ્વચ્છ બનાવાયા હોઇ આ સરકારી એજન્સીને સ્વચ્છતા માટે કન્સલ્ટન્ટની કામગીરી સુપ્રત કરવા ભલામણ કરાઇ છે. નોંધનિય છે કે, આ એજન્સી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી કચરા ગાડીઓમાં સ્વચ્છતા જાગૃતિ માટેના ગીતો વગાડવામાં આવે છે જેથી રાજકોટમાં પણ હવેથી કચરો એકત્રીત કરતી ટીપર વાન (કચરાગાડી)માં સીટીઓ વગાડવાને બદલે સૂરિલા ગીતો વગાડી સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવશે.

આવાસ યોજનાઓમાં રસ્તા - ગટરના કામો

આ ઉપરાંત શહેરના પોપટપરા વિસ્તારની આવાસ યોજના તથા બીએસયુપી આવાસ યોજનાઓમાં રસ્તા, ડ્રેનેજ, પાણી સહિતની સુવિધાઓ માટેનો કોન્ટ્રાકટ ૫.૭૭ ટકા ઓછા ભાવે એટલે કે રૂ. ૧.૮૬ કરોડમાં સિધ્ધાર્થ કન્સ્ટ્રકશનને આપવાની દરખાસ્ત છે.

ન્યારી ઝોન પાણીની પાઇપ લાઇન બદલાશે

જ્યારે શહેરના ન્યારી ઝોન હેઠળના વોર્ડ નં. ૮, ૯, ૧૦માં પાણી વિતરણની ૩૭ વર્ષ જુની મુખ્ય પાઇપલાઇનને બંધ કરી નવી ૭૧૧ એમ.એમ.ની રબ્બર કોટેડ

સ્ટીલની પાઇપલાઇન આત્મીય કોલેજ પાણીના ટાંકાથી લક્ષ્મીનગર નાલા સુધી કુલ ૪ાા કિ.મી. લંબાઇની નાંખવાનો કોન્ટ્રાકટ કે.એસ.ડી. કન્સ્ટ્રકશનને ૭.૨૨ કરોડમાં આપવા દરખાસ્ત છે. આ નવી પાઇપ લાઇન નંખાયા બાદ પાઇપલાઇન તૂટવાની સમસ્યા દુર થશે.

રેસકોર્ષ સ્વીમીંગ પુલની મશીનરી બદલાવાશે

આ ઉપરાંત કાલની સ્ટેન્ડીંગ કમિટિમાં શહેરના રેસકોર્ષમાં આવેલ સ્વીમીંગ પુલની જુની ફિલ્ટર મશીનરી બદલાવી તેનાં સ્થાને નવી મશીનરી નાંખી ૩ વર્ષ માટે ઓપરેશન મેઇન્ટેનન્શનો કોન્ટ્રાકટ રૂ. ૪૫ લાખના ખર્ચે આપવા દરખાસ્ત છે. તેમજ નવા ટ્રી-ગાર્ડ ખરીદવા સહિત કુલ ૩૦ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

(3:25 pm IST)