Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટ જન્માષ્ટમીની પરંપરાગત શોભાયાત્રા નીકળી : 100 જેટલા મોટા વાહનો તેમજ 500થી વધુ ટુ-વ્હીલર્સ જોડાયા

જુદા-જુદા 90 ફ્લોટ્સ નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા : 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'નો નાદ ગુંજી ઉઠ્યો

રાજકોટ : જન્માષ્ટમી પર્વની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ રહી છે. ત્યારે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી નીકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ મવડી ચોકડી ખાતેથી પ્રસ્થાન થઈ હતી. જેમાં વિવિધ 90 જેટલા આકર્ષક ફ્લોટ્સ નિહાળવા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

આ વખતની શોભાયાત્રામાં 100 જેટલા મોટા વાહનો તેમજ 500થી વધુ ટુ-વ્હીલર્સ જોડાયા હતા. જેમાં 90 આકર્ષક ફ્લોટ્સ જોવા મળ્યા હતા. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ રીતે સંસ્થા, ગ્રૂપ, મંડળના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. શોભાયાત્રાનાં રૂટ ઉપર ઠેર–ઠેર અનેક વેપારી મંડળો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના પોલીસ કર્મીઓ સહિત ખુદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પણ શોભાયાત્રાનું ભક્તિભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજે સવારે 8 કલાકે ધર્મસભા શરુ થઈ હતી. જે બાદ 9 કલાકે મવડી ચોકડીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. બાદમાં 9.30 કલાકે રૈયા સર્કલ, 9.40 કલાકે હનુમાન મઢી, 9.55 કલાકે કિસાનપરા, 10.15 કલાકે જિલ્લા પંચાયત ચોક, 10.40 કલાકે હરિહર ચોક, 11 વાગ્યે પંચનાથ મંદિર, 11.05 કલાકે ત્રિકોણબાગ, 11.50 કલાકે ગોંડલ રોડ મક્કમ ચોક, 12 કલાકે સોરઠિયાવાડી ચોક, 12.25 કલાકે જિલ્લા ગાર્ડન ચોક, 12.50 કલાકે ચુનારાવાડ મેઈન રોડ, 1.25 કલાકે સંતકબીર રોડ થઈને 2 કલાકે બાલક હનુમાન મંદિરે આ શોભાયાત્રાનું સમાપન થયુ હતું.

(9:07 pm IST)