Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ગીતા મંદિરમાં ૪૫ વર્ષ પહેલા શ્રી રામેશ્વર મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા થઇ'તી

ભગવાનશ્રી શિવનો સમસ્ત પરિવાર જયાં એક સાથે બિરાજમાન હોય તથા ચારધામના દર્શન થતા હોય તેવુ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ એકમાત્ર દેવસ્થાન

રાજકોટ : શહેરના જંકશન પ્લોટ ખાતે બ્રહ્મલીન ભાગવતચાર્ય પૂ. શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં આજથી ૪૫ વર્ષ પહેલા શ્રી રામેશ્વર મહાદેવની વિધિવત્ સ્થાપના થયેલ છે. ત્યારબાદ ગણપતિ, કાર્તિકેય તથા પાર્વતીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, બદ્રીનાથજી તથા જગન્નાથજીની સ્થાપના થઈ. આમ ભગવાન શ્રી શિવ-પાર્વતી તથા તેમનું વાહન નંદી, શ્રી ગણેશજી તથા તેમનું વાહન મૂષક, શ્રી કાર્તિકેય સ્વામી તથા તેમનું વાહન મોર એમ મહાદેવજી સમસ્ત પરિવાર એક સાથે બિરાજમાન હોય તથા પવિત્ર ચાર ધામના દર્શન થતા હોય તેવા સૌરાષ્ટ્ર ભર ના અજોડ તથા એકમાત્ર દેવસ્થાનનું નિર્માણ થયું. તદ્ઉપરાંત શ્રી અંબિકા માતા, સરસ્વતી દેવી, અન્નપૂર્ણા દેવી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી જલારામ બાપા, ભકત નરસિંહ મહેતા, શ્રી હનુમાનજી, શ્રી યોગેશ્વર, શ્રી ગાયત્રી માતા, શ્રી દત્ત્।ાત્રેય ભગવાન શ્રી રામ લક્ષ્મણ તથા જાનકીજી, શ્રી સત્યનારાયણ ભગવાન, શ્રી રાધાકૃષ્ણ, શ્રી રણછોડ દાસજી, શ્રી ગુરુ નાનક સાહેબ વગેરેના નિજ મંદિરોનું નિર્માણ થયું છે. આમ એક જ સ્થળે શિવજીનો સમસ્ત પરિવાર, ચારધામ, દ્વાદશ જયોર્તિલિંગ, તથા વિવિધ ઈષ્ટદેવની સુંદર-દર્શનીય પ્રતિમાના દર્શન નો લ્હાવો દર્શનાર્થીઓની લઈ રહ્યા છે.

 ગીતા વિદ્યાલયના મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસમાં દર સોમવારે તથા અમાસના રોજ પુષ્પ રંગોળી, હિમાલય, કૈલાશ દર્શન, વગેરે ની દર્શનીય શોભા થાય છે. શ્રાવણી એકાદશીએ ફળ-ફૂલ તથા શાકભાજી ના કલાત્મક હિંડોળા દર્શન યોજાય છે. અજોડ એવી ઁ (ઓમકાર) આકારની ૧૦૮ દીપમાળા સાથે મહાઆરતી થાય છે.વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રુદ્રિ-અભિષેક તથા પૂજા થાય છે. આ દેવ સ્થાનમાં ભાવિકો અપાર શાંતિ તથા પ્રસન્નતા અનુભવે છે.

 પ્રતિદિન સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે પ થી ૭ મહિલા મંડળના બહેનોના ભજન સત્સંગ થાય છે. દર શનિવાર સુંદર કાંડ તથા હનુમાન ચાલીસાના પાઠ થાય છે. પ્રતિદિન બાલ-મનાવિકાસ કેન્દ્રના બાળ સંસ્કાર વગો ચાલે છે. જન્માષ્ટમી, નવરાત્રી, નૂતન વર્ષ-અન્નકૂટ, દેવ દિવાળી, તુલસી વિવાહ, ગીતા જયંતિ, મહાશિવરાત્રી, ફુલડોલ, રામ નવમી, અષાઢી બીજ, જયાપાર્વતી, ગુરુપૂર્ણિમા મહોત્સવ વગેરે તહેવારો શ્રદ્ઘા ભકિત પૂર્વક ધામધૂમથી ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતી ભાષામાં ગ્રેનાઈટના પથ્થરમાં સુવર્ણ અક્ષરે સરળ – પ્રમાણિત ગીતાસારનું જયાં નિર્માણ થયું છે, જયાં છેલ્લા ૪૫ વર્ષોથી ભગવદ ગીતા, રામાયણ, સંસ્કૃત સ્ત્રોતો નો ગુંજારવ થઈ રહ્યો છે. વિવિધ સંતો - મહાત્માઓની પાવન પધરામણી થઇ છે, વિવિધ માનવ સેવા ની પ્રવૃત્ત્િ।ઓ થાય છે તેવા અજોડ, વિશિષ્ટ તથા દર્શનીય છે . મંદિરમાં  દિવ્ય દર્શન નો લાભ લેવા સર્વે ભાવિકોને  નિમંત્રણ અપાયું છે.

 (શ્રી રામેશ્વર મહાદેવ) શ્રી ગીતા વિદ્યાલય - ગીતા મંદિર જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે, ગીતા વિદ્યાલય

(4:33 pm IST)