Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સિવિલ હોસ્પિટલના પ્રસુતિ અને ઇમર્જન્સી વિભાગની સામે જ ધમધમી રહ્યું છે 'મચ્છર ઉત્પાદન કેન્દ્ર'!!

પે એન્ડ યુઝ શોૈચાલય સામે આવેલી કુંડીમાંથી પાંચ દિવસથી ઉભરાઇ રહ્યું ગંધાતુ-ગોબરૂ પાણીઃ લોકો ગંદકીમાંથી ચાલવા મજબૂરઃ ડ્રેનેજ વિભાગને ફોલ્ટ ન મળ્યો હવે પીઆઇયુ મહેનત કરશેઃ પોલીસ ચોકીમાં બેસવું મુશ્કેલ

રાજકોટ તા. ૧૯: પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ સેંકડોની સંખ્યામાં દર્દીઓ રોગના નિદાન-સારવાર માટે આવે છે. પરંતુ અહિ ઇમર્જન્સી વોર્ડ, પ્રસુતિ વિભાગની બરાબર સામે તથા પોલીસ ચોકીના પડખામાં છેલ્લા પાંચ દિવસથી ગંદકી ઉફાણે આવી છે...સમગ્ર હોસ્પિટલના શોૈચાલયોની ગંદકી જે જગ્યાએ ભેગી થાય છે તે પે એન્ડ યુઝ શોૈચાલય સામે આવેલી કુંડી છેલ્લા પાંચ દિવસથી ઉભરાઇ રહી છે. તેમાંથી વહેતુ અત્યંત ગંધાતુ, ગોબરૂ પાણી બર્ન્સ વોર્ડ પાસેથી થઇને પોલીસ ચોકી પાસેથી નીકળી ઇમર્જન્સી અને પ્રસુતિ વિભાગની સામે પહોંચે છે અને રસ્તા પર વહે છે. પોલીસ ચોકી અને ઇમર્જન્સી વિભાગની વચ્ચેના ગાળામાં જ્યાં થોડુ ખાડા ખબડા જેવું છે ત્યાં આ ગંદુ ગોબરૂ પાણી ભરાઇ ગયું હોવાથી આ જગ્યા 'મચ્છર ઉત્પાદન કેન્દ્ર'નું કામ કરી રહી છે. અહિ રિતસર સેંકડો મચ્છરો જોઇ શકાય છે. પોલીસ ચોકીમાં બેસી પણ ન શકાય તેવી દૂર્ગંધ આવતી રહે છે. ઉભરાતા ગંધારા પાણીની સમસ્યાને દૂર કરવા સત્તાધીશોએ જાણ કરતાં ડ્રેનેજ વિભાગની ટીમ આવી હતી. પરંતુ ફોલ્ટ ન શોધી શકાતાં આ ગંદકી સતત પાંચ દિવસથી પરેશાનીનું કારણ બની છે. સાજા લોકો પણ માંદા પડી જાય તેવી ગંદકીના ઉદ્દભવ સ્થાનનો ફોલ્ટ તાકીદે શોધીને લોકોને, પોલીસ સ્ટાફને અને ઇમર્જન્સી-પ્રસુતિ વિભાગમાં ફરજ બજાવતાં તબિબો, નર્સિંગ સ્ટાફને તથા હોસ્પિટલમાં આવતા-જતાં દર્દીઓ, લોકોને હાલાકીમાંથી બહાર કાઢવામાં આવે તે અત્યંત જરૂરી છે. તસ્વીરમાં શોૈચાલય, ઉભરાઇ રહેલુ ગંધારૂ પાણી, તેમાંથી ચાલી રહેલા લોકો તથા જેમાંથી આ ગંદકી ઉભરાય છે તે કુંડી અને ગણગણી રહેલા મચ્છરો (ઇન્સેટ તસ્વીરો)માં જોઇ શકાય છે

(4:16 pm IST)