Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

શ્રમીજીવી રાવણ ચોકમાં જયંતિ ઉર્ફ જીમ્મી પર ચાર શખ્સોનો ધારીયા-ધોકાથી હુમલો

અગાઉ દેવીપૂજક યુવાન જીમ્મીના કાકાના દિકરાને નયન સાથે થયેલી માથાકુટનો ખાર રાખી હિતેષ, ભરત, પલો અને મેહુલ તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૯: ચુનારાવાડ પાસે શ્રમજીવી સોસાયટી-૨માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં જયંતિ ઉર્ફ જીમ્મી ભુરાભાઇ સોલંકી (ઉ.૩૫) નામના દેવીપૂજક યુવાનને તે એકટીવા હંકારી સાંજે શેરી નં. ૨ રાવણ ચોકના ખુણેથી પસાર થતો હતો ત્યારે હિતેષ સોમાભાઇ કોળી, ભરતભાઇ, પલાભાઇ અને મેહુલે તેને અટકાવી ઝઘડો કરી ગાળો દઇ ધારીયાથી અને ધોકાથી હુમલો કરી માથા-શરીરે ઇજા કરતાં તેમજ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજા તથા પૃથ્વીરાજસિંહે જયંતિ ઉર્ફ જીમ્મીની ફરિયાદ પરથી ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે. જયંતિના કહેવા મુજબ ચારેક દિવસ પહેલા તેના કાકાના દિકરા અને હિતેષના મિત્ર નયન કોળી વચ્ચે માથાકુટ થઇ હતી. તે વખતે જયંતિએ દરમિયાનગીરી કરી હતી અને નયને અરજી કરતાં જયંતિ સામે પણ અટકાયતી પગલા લેવાયા હતાં. આ બાબતે ચાલતા મનદુઃખનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ખૂનની ધમકી અપાઇ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(4:14 pm IST)