News of Monday, 19th August 2019
રાજકોટ, તા. ૧૯ : શહેરમાં નવનિર્મિત થઇ રહેલ આધુનિક ટેકનોલોજી અને સુવિધાવાળા રૈયા સ્માર્ટ સીટીમાં હવે કલબ હાઉસ, શોપીંગ મોલ અને ગાર્ડનની સુવિધાવાળી અનોખી આવસા યોજના કેન્દ્ર સરકારના માધ્યમથી મ્યુ. કોર્પોરેશન દ્વારા તૈયાર થનાર છે.
આ અંગે મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ વિસ્તૃત માીહતી આપણા જણાવેલ કે વિશ્વમાં આવિષ્કાર પામેલી અવનવી ટેકનોલોજીનો ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે ઉપયોગ થાય અને પ્રોજેકટ્સ સાકાર કરવાની ગતિમાં જબરદસ્ત વધારો થાય તે માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા જુન-૨૦૧૯ સુધીમાં એવા દીવાદાંડીરૂપ માર્ગદર્શક પ્રોજેકટસ ઓળખી કાઢવા જે એક જબરદસ્ત અભિયાન હાથ ધર્યું હતું તેમાં પસંદગી પામેલા રાજકોટ સહિતના છ શહેરો માટેના હાઉસિંગ પ્રોજેકટ્સ માટે કેન્દ્ર સરકારશ્રીએ જે ગ્લોબલ ટેન્ડર પ્રસીધ કર્યા હતાં તેનું આવતીકાલે તા.૨૦-૯-૨૦૧૯ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ટેકનિકલ મૂલ્યાંકન થનાર છે, રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારશ્રી લાઇટહાઉસ પ્રોજેકટ માટેના હાઉસીંગ પ્રોજેકટસની તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે.
રૈયા સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામનાર આ લેટેસ્ટ હાઉસિંગ પ્રોજેકટ્સ વિશે વિસ્તૃત માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું કે, વાર્ષિક રૂ. ૩ લાખની આવક ધરાવતા આર્થિકરીતે નબળા વર્ગના (ઈ.ડબલ્યુ.એસ. કેટેગરી) નાગરિકો માટે ૧૩-૧૩ માળના કુલ ૧૧ ટાવરમાં ૧,૧૪૪ ફ્લેટ બનશે, જેમાં દરેક આવાસ માટે ૪૦ ચોરસ મીટર કાર્પેટ એરિયા રહેશે. નાગરિકોને આ ફ્લેટ રૂ.૫.૫૦ લાખની કિંમતમાં પ્રાપ્ત થઇ શકશે. આ એક આવાસ બનાવવા માટે કુલ રૂ.૧૦.૫૦ લાખ જેવો ખર્ચ થવાનો અંદાજ છે. રાજકોટ મહાનગરપાલિકાએ તૈયાર કરેલા આ શાનદાર હાઉસિંગ પ્રોજેકટમાં બ્યુટીફુલ ગાર્ડન, ટુ ટાયર પાર્કિંગ, ડ્રેનેજ, પીવાનું પાણી, જેવી સુવિધાઓ ઉપરાંત મોલ ટાઈપ કોમર્શિયલ કોમ્પ્લેકસ (શોપિંગ સેન્ટર), કલબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે. આ હાઉસિંગ પ્રોજેકટ્સ માટે રૈયા સ્માર્ટ સિટી એરીયામાં સ્થિત લેઈક – ૨ અને લેઈક-૩ની વચ્ચેની જગ્યામાં ૪૦,૦૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી સુંદર સાઈટ પસંદ કરવામાં આવેલ છે. આ હાઉસિંગ પ્રોજેકટ એવીરીતે ડીઝાઈન કરવામાં આવેલ છે કે પ્રત્યેક દ્યરના કિચનમાંથી ગાર્ડન વ્યુ જોઈ શકાશે. (૮.૧૭)