Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

મગફળી કૌભાંડમાં મગન સહિત ૯ને જેલમાં ધકેલાયા, આ કૌભાંડની તપાસ પુરી...હવે કોથળા કૌભાંડ ખુલ્યું

રાજકોટ યાર્ડમાં બારદાનના જથ્થામાં લાગેલી આગ બાદ બચી ગેલા ૧૫.૮૦ લાખના બારદાન મગન ઝાલાવડીયા સહિત ૮ જણાએ બારોબાર વેંચી નાંખ્યાનો ધડાકોઃ રાજકોટ બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ

રાજકોટઃ રાજ્યભરમાં ચકચાર જગાવનારા મગફળી કૌભાંડના મુખ્ય સુત્રધાર, કાવત્રાખોર એવા મગન નાનજીભાઇ ઝાલાવડીયા સહિત ૯ આરોપીઓના વધારાના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તમામને જેલહવાલે કરવાનો હુકમ થયો હતો. તે સાથે આ કૌભાંડની તપાસ પુરી થઇ છે. પણ હવે કોથળા કૌભાંડ ખુલ્યું છે અને તેમાં  પણ મગન ઝાલાવડીયા મુખ્ય આરોપી છે. શહેરના બી-ડિવીઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો છે. જુના માર્કેટ યાર્ડમાં ગત માર્ચ મહિનામાં ભિષણ આગ ભભૂકતાં લાખોના બારદાન ખાક થઇ ગયા હતાં. બચી ગયેલા પૈકીના રૂ. ૧૫,૮૦,૦૦૦ના બારદાનનું મગન સહિતની ટોળકીએ બારોબાર વેંચાણ કરી નાંખી ઠગાઇ કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરી પુરાવાનો નાશ કર્યાનો ગુનો દાખલ થતાં ચકચાર જાગી છે.

આ મામલે ગોંડલ ડિવીઝનના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.આર. વાણીયાએ ફરિયાદી બની રાજકોટ બી-ડિવીઝનમાં આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૦૧, ૪૨૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે તરઘડીયાના મગન નાનજીભાઇ ઝાલાવડીયા, મનોજ (અમદાવાદ ગુજકોટના મેનેજર-રહે. અમદાવાદ), તરઘડીયાના મનસુખ બાબુભાઇ લીંબાસીયા, તરઘડીયાના કાનજી દેવજીભાઇ ઢોલરીયા, તથા અમદાવાદના નિરજ, પરેશ હંસરાજભાઇ સંખારવા, મહેશ પ્રધાનભાઇ, અરવિંદ પરાજભાઇ ઠક્કરના આરોપી તરીકે નામ અપાયા છે.

પી.આઇ. વાણીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મગન ઝાલાવડીયા સહિતના આરોપીઓએ સરકારશ્રીની ગુજકોટ કંપની દ્વારા ખેડુતોના ટેકાના ભાવમાં ખરીદ કરવામાં આવતાં પાકને ભરવા માટે ઉપયોગમાં લેવા માટે બારદનનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો. આ જથ્થો રાજકોટ જુના માર્કેટ યાર્ડ ખાતેના શેડ નં. ૧ તથા શેડ નં. ૨માં રખાયો હતો. જેમાં તા. ૧૩-૩-૧૮ના રોજ અચાનક આગ ભભુકી ઉઠતાં લાખોનો બારદાનનો જથ્થો ભસ્મીભૂત થઇ ગયો હતો. બચી ગયેલો બારદાનનો જથ્થો કંપનીમાં જમા કરાવવાને બદલે મગન ઝાલાવડીયાએ પોતે સરકારી કંપનીના એજન્ટ હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કરી ઠગાઇ કરવાના ઇરાદાથી તેમજ અંગત આર્થિક લાભ મેળવવાના હેતુ સાથે કાવત્રુ રચી તમામે ભેગા મળી રૂ. ૧૫,૮૦,૦૦૦ના ૩૦૮૦૦ નંગ બારદાનનું બારોબાર વેંચાણ કરી નાંખ્યું હતું.

આ બારદાન પણ સળગી ગયા છે તેવું દેખાડવા સરકારી રેકર્ડ સાથે ચેડા કરી તેમજ રજીસ્ટરના પાના ફાડી નાંખી પુરાવાનો નાશ કર્યો હતો. તેમજ ઠગાઇના ઇરાદે ખોટુ નવું રેકર્ડ તૈયાર કરી નાંખ્યું હતું. તેમજ બચેલા બારદાન કોઇ પણ અધિકારીની પરવાનગી વગર યાર્ડમાંથી કપટ પુર્વક મગનના નક્કી કરેલા સ્થાથે લઇ જવાયા હતાં. આમ કાવત્રુ ઘડી તમામે સરકાર સાથે છેતરપીંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર, ધર્મેન્દ્રસિંહ, પીએસઆઇ ડામોર, વિરમભાઇ, હિતુભા, એભલભાઇ, અજીતભાઇ લોખીલ સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. મગન ઝાલાવડીયાનો જેલમાંથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરાઇ છે. ઉલ્લેખનિય છે કે મોટી ધણેજ સહકારી મંડળી દ્વારા ખેડુતો પાસેથી ખરીદ કરાયેલી મગફળી જેતપુરના પેઢલા ગામના ગોડાઉનમાં પહોંચાડી મગફળીમાં ધૂળના ઢેફા ભરી કૌભાંડ આચરાયું હતું. સારી ગુણવત્તાની મગફળી કાઢી કેશોદની મીલમાં વેંચી દેવામાં આવતી હતી. આ કૌભાંડમાં મગન ઝાલાવડીયા સહિતના ૯ આરોપીને શુક્રવારે રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરાતાં જેલહવાલે કરાયા છે.

(11:16 am IST)