Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ક્રાઇમ બ્રાંચે ગાંધીગ્રામ જીવંતિકાનગરમાં દરોડો પાડ્યોઃ ઘોડાના તબેલામાં ખાડા ખોદી છૂપાવેલો રૂ. ૫૮૮૦૦નો દારૂ બીયર જપ્ત કર્યો

પીએસઆઇ કે. કે. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ ચુડાસમા અને ટીમને સફળતાઃ સંદિપસિંહ રાઠોડ અને જયદિપસિંહ રાઠોડની ધરપકડઃ મહેન્દ્રસિંહ તથા યુવરાજસિંહની શોધ

રાજકોટઃ ગાંધીગ્રામ જીવંતિકાનગરમાં ક્રાઇમ બ્રાંચ ઘોડાના તબેલામાં દરોડો પાડી જમીનમાં દાટીને છુપાવાયેલો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લીધો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, રવિકુમાર સૈની, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ.એમ. ગઢવીની સુચના તથા માર્ગદર્શન મુજબ પીએસઆઇ કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ બાળા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, મહિલા કોન્સ. મિતાલીબેન, કોન્સ. સુર્યકાંતભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઇન્દુભા, વિરદેવસિંહ અને ડાયાભાઇની બાતમી પરથી ગાંધીગ્રામ જીવંતિકાનગર-૧ બટુક મહારાજની ગોૈશાળા પાસે આવેલા ઘોડાના તબેલામાં દરોડો પાડવામાં આવતાં અને તપાસ કરવામાં આવતાં જમીન પર પોચી માટી જોવા મળતાં તે ખોદીને દૂર કરી જોવામાં આવતાં જમીનમાં અલગ-અલગ જગ્યાએ આ રીતે દાટી દેવાયેલો રૂ. ૫૮૮૦૦નો ૧૦૨ બોટલ દારૂ અને ૨૧૬ બીયરના ટીન મળી આવ્યા હતાં.

ક્રાઇમ બ્રાંચે તબેલામાં હાજર સંદિપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉ.૨૦) તથા જયદિપસિંહ હિતેન્દ્રસિંહ રાઠોડ (ઉ.૨૪) (રહે. બંને જીવંતિકાનગર-૧)ની ધરપકડ કરી દારૂ, ઓટો રિક્ષા જીજે૩એઝેડ-૭૫૫૮, એકટીવા જીજે૩ડીબી-૫૯૫ મળી કુલ રૂ. ૧,૩૩,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂમાં મહેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા અને યુવરાજસિંહ દશરથસિંહ જાડેજાની પણ ભાગીદારી હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

આજીડેમ પોલીસે દામજી પટેલને ૧૨ બોટલ દારૂ સાથે પકડ્યો

રાજકોટઃ આજીડેમ પોલીસની ટીમે મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન કોઠારીયા ચોકડીથી આજીડેમ તરફ જતાં સર્વિસ રોડ પર જીજે૩ઢીકયુ-૫૭૮૧ નંબરના બાઇક પર નીકળેલા દામજી વેલજીભાઇ પટેલ (ઉ.૪૫-રહે. જુનુ ગણેશનગર-૯)ને અટકાવી તેની પાસેના થેલાથી તલાશી લેતાં રૂ. ૪૮૦૦નો ૧૨ બોટલ દારૂ મળતાં તે તથા મોબાઇલ ફોન, બાઇક મળી ૨૫૩૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં મહિપાલસિંહ, કનકસિંહ, જયદિપસિંહ, પરેશભાઇ, શૈલેષભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો.

(11:15 am IST)