Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

રાજકોટમાં પૂ.પ્રમુખસ્વામીનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ

બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા ધામધૂમથી ઉજવાશેઃ પૂ.અપૂર્વમુનિ સ્વામી ''અકિલા''ના આંગણેઃ માધાપર - મોરબી બાયપાસ રોડ ઉપર ડીસેમ્બરમાં ૧૦ દિવસીય મહોત્સવનું આયોજનઃ ભવ્ય સ્વામીનારાયણ નગર ઉભુ કરાશે, કલાત્મક પ્રવેશદ્વાર આકર્ષણ જમાવશે : દુનિયાભરમાંથી સંતો- મહંતો પધારશે : દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૮ : આગામી ડિસેમ્બર માસમાં પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટના આંગણે ઉજવાશે. બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર - રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ મહોત્સવની વિગતો અર્પવા ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જણાવેલ કે રાજકોટ શહેરની ભાગોળે માધાપર - મોરબી બાયપાસ રોડ ઉપર પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.

તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌભાગ્યની વાત છે કે આવા પરમહિતકારી સંત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ તા.૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન રાજકોટના આંગણે ઉજવાશે. આ મહોત્સવમાં પ્રેરણા આપતા પ્રદર્શનખંડો, આકર્ષક લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિશ્વશાંતિ મહાયજ્ઞ અને સંસ્કારલક્ષી કાર્યક્રમોનો લાભ લેવા માટે સમગ્ર વિશ્વમાંથી લાખો સંતો - મહંતો પધારશે.

તા.૫ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન માધાપર - મોરબી બાયપાસ રોડ ખાતે યોજાનાર જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત ભવ્ય સ્વામીનારાયણ નગર બનાવાશે. વિશાળ કલાત્મક પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર બનશે. લાઈટ અને સાઉન્ડ શોની મનમોહક પ્રસ્તુતિ થશે. ભારતીય સંત પરંપરાનાં સંત ઝરૂખાઓ, વૈદિક સ્વામીનારાયણ વિશ્વશાંતિ મહાયાગ સાંસ્કૃતિક કાર્યક્રમો, રકતદાન કેમ્પ, સેવાયજ્ઞો યોજાશે. વિશ્વના ૫૫થી વધુ દેશમાંથી લાખો હરિભકતો અને સંતો હાજરી આપશે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પૂ.અપૂર્વમુનિ સ્વામી નજરે પડે છે. આ પ્રસંગે હરિભકતો સ્મિત કાચા, નિર્મલ ટાંક, મીત લાડવા, યશ શીંગાળા અને યશ ઉપાધ્યાય નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૯)

(3:39 pm IST)