Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કોઇપણ પ્રકારનો દારૂ લીવર માટે ખતરનાકઃ ડો. આનંદ ખખ્ખર

લીવર ટ્રાન્સપ્લાન્ટના ૧૦૦૦ ઓપરેશન કરનાર ભારતના ટોચના ડોકટર 'અકિલા'ની મુલાકાતેઃ કોઇપણ માત્રામાં આલ્કોહોલ લીવર માટે સારો નથી જઃ ૧૩ ટકા ગુજરાતીઓનેલીવરના ગંભીર રોગોઃ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો સફળતાનો રેસિયો ૯૦ ટકાઃ ૪૦ વર્ષ બાદ આરોગ્ય બાબતે જાગૃતિ અનિવાર્ય

''અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા સાથે લીવરના નિષ્ણાંત ડો.આનંદ ખખ્ખર, પ્રા. રતીશ કક્કડ તથા અકિલાના પત્રકાર ઉદય વેગડા અને પ્રફુલભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૮: કોઇપણ પ્રકારનો દારૂ લીવર માટે ખતરનાક સાબિત થાય છે. કોઇપણ માત્રામાં આલ્કોહોલ લીવરને નુકસાન કરે જ છે.

આ શબ્દો ભારતના લીવરના ટોંચના નિષ્ણાંત ડો. આનંદ ખખ્ખરના છે. ભારતમાં  અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલી લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઇ છે, જેમાંથી ૧૦૦૦ સર્જરી ડો. ખખ્ખરે કરી છે. વિશ્વના નામાંકિત લીવર નિષ્ણાંત ડો. ખખ્ખર આજે ''અકિલા''ની મુલાકાતે આવ્યા હતા અને શરીરના ખુબ મહત્વના અંગ લીવર અંગે આધારભુત માહિતી આપી હતી.

આરોગ્યક્ષેત્રે એવી ગેરસમજ પ્રવર્તે છે કે, એવા પ્રકારનો દારૂ લીવર માટે સારો, યોગ્ય માત્રામાં દારૂ પીવાથી લીવર સારું રહે છે... આ બધો ભ્રમ છે. દુષ્પ્રચાર છે. કોઇપણ પ્રકારનો દારૂ-આલ્કોહોલ લીવરને ડેમેજ કરે જ છે.

ડો. ખખ્ખરે જણાવ્યું હતું કે, લીવરના રોગો બે વિભાગમાં વહેંચી શકાય છે. આલ્કોહોલના કારણે થયેલા રોગો અને આલ્કોહોલ વગર થયેલા રોગો. એક અંદાજ પ્રમાણે ૧૩ ટકા ગુજરાતીઓ લીવરના ગંભીર રોગોથી પીડિત છે. જેમાં બંને પ્રકારનો સમાવેશ થાય છે. તળેલું અને ચરબીયુકત વધારે ખાવાની ટેવ ગુજરાતીઓને નડી રહી છે. ગુજરાતીઓ પ્રોટીન ઓછું લે છે. અને તળેલું વધારે ખાય છે. આ કારણે લીવર ડેમેજ થાય છે લીવરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ, ઝિન્ક, ફોસ્ફરસ મળે તેવા ખોરાક લેવા જરૂરી છે, જે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે.

ડો. ખખ્ખરે જણાવ્યું હતું કે, લીવર ડેમેજ થયાનો ખ્યાલ ખુબ મોડો આવે છે. ૭૦ ટકા લીવર ડેમેજ થાય પછી તકલીફો શરૂ થાય છે. માણસે ખુદના આરોગ્ય બાબતે જાગૃત રહેવું જરૂરી છે. ૪૦ વર્ષ બાદ દર પાંચ વર્ષે આરોગ્ય ચેકઅપ કરાવવું જરૂરી છે. ૫૦ વર્ષ બાદ દર ત્રણ વર્ષે અને ૬૦ વર્ષ બાદ દર બે વર્ષે તથા ૭૦ વર્ષ બાદ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. આરોગ્ય બાબતે જાગૃત રહેવાથી વ્યકિત સ્વસ્થ રહી શકે છે. આરોગ્યની નાની-મોટી સમસ્યાઓનો પ્રારંભે જ ખ્યાલ આવી જાય તો તેની સારવાર સરળતાથી થઇ જાય છે.

ડો. ખખ્ખર લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત છે. ૧૦૦૦ સર્જરીઓ કરી છે. તેઓ કહે છે કે- ૯૦ ટકા જેટલી મોટી સફળતા પ્રાપ્ત થાય છે. અન્ય દેશોની તુલનાએ ભારતમાં આ સર્જરી ખુબ સસ્તી છે. સિંગાપુરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ રૂ. ૧ કરોડ થાય છે, યુ.એસ.એમાં રૂ. અઢી કરોડનો ખર્ચ થાય છે, જયારે ભારતમાં રૂ. રપ લાખ જેટલા ખર્ચે આ સર્જરી થઇ શકે છે આ ખર્ચમાં પણ ગુજરાત સરકાર-ભારત સરકારની યોજના પ્રમાણે જરૂરિયાતમંદ દર્દીને નોંધપાત્ર રકમ પ્રાપ્ત થાય છે. ભારતીયોમાં આરોગ્ય અંગે જાગૃતિના અભાવથી રોગ ગંભીર બને ત્યારે સારવાર માટે આવે છે. આરોગ્ય ચેકઅપ નિયમિત કરાવવું જરૂરી છે.

હવે બાળકોને જન્મ વખતે જ હેપીટાઇટીસ-બી વેકસીન આપવામાં આવે છે, જે લીવર માટે ઉત્તમ છે. બાળપણમાં ન લેવાયું હોય તો ૪૦ વર્ષ બાદ આ વેકસીન લઇ લેવું જોઇએ. ડો. ખખ્ખરે જણાવ્યું હતું કે ભારતમાં લીવર માટે એક ટેબ્લેટ ખુબ વપરાય છે, તે '' લીવ-૫૨'' છે. ભારતમાં આ ટેબ્લેટને લીવર સાથે કંઇ લેવા દેવા નથી. જો કે આ ટેબ્લેટની કોઇ આડઅસર નથી. પરંતુ ડેમેજ થતા લીવરને તે અટકાવતી નથી.

ડો. ખખ્ખરે વિશેષ માહિતી આપતા કહયું હતું કે, શરીરમાં લીવરનો રોલ જુદા પ્રકારનો છે. લીવર સારું તો બધુ જ સારું. શરીરમાંં ડેમેજ થતા અન્ય અંગને પણ લીવર સારા કરે છે. લીવર પોતે પણ ખુદને સ્વસ્થ રાખવા સક્ષમ છે.

લીવર માટે કોઇ દવાની જરૂર નથી. લીવર બગડે તેવું બંધ કરો તો લીવર સારું રહેશે અને અન્ય અંગોને પણ ટનાટન રાખશે. લીવર ખુદ જનરેટ થાય છે.

ડો. આનંદ ખખ્ખરે રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યોં છે. સ્કૂલમાં તેઓ માતુશ્રીની સાયકલ લઇને જતા હતા. MBBS માં નવી સાયકલ ખરીદી હતી. તેઓ કહે છે કે, સેન્ટમેરી સ્કૂલની બારીમાંથી યુનિવર્સિટી દેખાતી. વચ્ચે કંઇ ન હતું. રાજકોટનું લોક જીવન તનાવ મુકત છે. લોકો દેખાડો કરતા નથી. માત્ર મસ્તીથી મહાલવા નીકળી પડે છે. રાજકોટે મને પ્રેરણા આપી. છે.

રાજકોટનું ગૌરવ ડો. આનંદ ખખ્ખરઃ કાલે રાજકોટના IMAના તબીબોને સંબોધન કરશે

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્ટ્ર યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગ ના ભૂતપૂર્વ વડા ડો. કે. કે. ખખ્ખરના પુત્ર ડો. આનંદ ખખ્ખર રાજકોટ સેન્ટ મેરીઙ્ગ સ્કુલ, ત્યાર બાદ એમ.પી.શાહ મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને ત્યાર બાદ આગળ નો અભ્યાસ કરી દેશના શ્રેષ્ઠ સર્જનોમાં સ્થાન ધરાવે છે.દેશમાં કુલ કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટના ૫૦ ટકા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે મેડીકલ ક્ષેત્રે સિવિલિયનને અપાતા શ્રેષ્ઠ ડો. બી.સી. રોય એવોર્ડથી ૨૦૧૭માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે સન્માનિત સીનીયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. આનંદ ખખ્ખર અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છે. જામનગર એમ.પી. શાહ મેડીકલ કોલેજ ખાતેથી એમ.બી.બી.એસ. કરનાર ડો. આનંદ ખખ્ખરને સમગ્ર દેશમાં સૌ પ્રથમ વાર લીવર- પેન્ક્રીયાસ અને કીડની પેન્ક્રીયાસ ની સર્જરી અને હાર્ટ અને લીવર ની એક સાથે સર્જરી શરુ કરવાનું શ્રેય જાય છે.

ડો. આનંદ ખખ્ખર આવતી કાલે યાગ્નિક રોડ પર આવેલ અનીષ કીડની ઇન્સ્ટીટયુટ ખાતે લીવરના રોગોથી પીડાતા દર્દીઓને સવારે ૧૧ થી ૩ સુધી તપાસશે અને રવિવારે સવારે ઈમ્પીરીયલ હોટેલ ખાતે ઇન્ડિયન મેડીકલ એસો દ્વારા આયોજિત સેમીનારમાં સૌરાષ્ટ્રના ડોકટરોને સંબોધન કરશે.(૨૧.૨૨)

(3:34 pm IST)