Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

રાજકોટ એસટી તંત્ર હિરાસર એરપોર્ટ તથા ૧૫૦ ફુટનો રીંગ રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ બનાવશેઃ ૨૦ હજાર ચો.મી. જગ્યા

વરસાદી માહોલના કારણે ટ્રાફીકમાં ઘટાડોઃ ૪૦ ટકા ડાઉનઃ આવકમાં તોતીંગ ગાબડુઃ કલેકટર પાસે ર દિ'માં જમીનની દરખાસ્તઃ સોમવારે જડેશ્વરમાં લોકમેળોઃ ૨૦ એકસ્ટ્રા બસો દોડાવાશે

રાજકોટ તા.૧૮: હાલ રાજકોટમાં ૧૫૦ કરોડના ખર્ચે ઢેબર રોડ ઉપર અદ્યતન બસ સ્ટેન્ડ બની રહયું છે, અન્ય મીની બસ સ્ટેન્ડો બનાવાયા છે, અને હવે વધુ ૪ નવા મીની બસ સ્ટેન્ડો બનાવવા રાજકોટ એસટી તંત્ર આગળ વધ્યું છે.

આ અંગે વિગતો આપતા ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ''અકિલા'' ને જણાવ્યું હતું કે, રાજકોટથી ૨૦ કિ.મી. દૂર હિરાસર એરપોર્ટ બની રહયું છે, તેની બાજુમાં જ નવુ મીની અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવા અને કલેકટર પાસે પ હજાર ચો.મી. જગ્યા માંગી રહયા છીએ, આ ઉપરાંત નવા બીજા ૧૫૦ ફુટ રીંગ રોડ સંદર્ભે, જામનગર રોડ, ગોંડલ રોડ તથા કાલાવડ રોડ ચોકડી એમ ત્રણેય સ્થળે પ-પ હજાર ચો.મી.માં પણ ત્રણ નવા બસ સ્ટેન્ડ બનાવાશે, અને આ માટે કલેકટરશ્રી પાસે એકથી ર દિ'માં કુલ ૨૦ હજાર ચો.મી. જમીનની દરખાસ્ત કરવાની કાર્યવાહી કરાઇ રહી છે.

શ્રી જેઠવાએ ઉમેર્યું હતું કે આગામી સોમવારે જડેશ્વરરનો લોકમેળો છે, આ સંદર્ભે વાંકાનેર-મોરબી-રાજકોટથી ૨૦ એકસ્ટ્રા બસો દોડાવાશે.

હાલ ટ્રાફીક અંગે તેમણે ઉમેર્યું હતું કે શ્રાવણ મહિનો છે, પહેલા ટ્રાફીક સારો હતો, પણ બે દિ'થી વરસાદી માહોલ સર્જાતા ટ્રાફીકમાં ભારે ઘટાડો થયો છે, ૪૦ ટકા ડાઉન છે, આવકમાં પણ ગાબડુ પડયું છે.(૧.૬)

 

(11:17 am IST)