Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટકનું ઓચિંતુ રાજીનામું: બનારસથી આવ્યાના થોડા કલાકોમાં જાહેરાતથી રઘુવંશીઓમાં હલચલ

રાજકોટ, તા., ૧૮:  શ્રી લોહાણા મહા પરિષદના પ્રમુખ પ્રવિણભાઇ ટી. કોટકે પોતાના પદ ઉપરથી ઓચિંતુ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનુ લેખીત રાજીનામું આપ્યા બાદ લોહાણા સમાજની જુદી-જુદી સંસ્થાઓને રાજીનામની નકલ ફોરવર્ડ કરી છે.

છેલ્લા ૮ દિવસથી સહપરિવાર બનારસ-કાશી તેઓ ગયા હતા. જયાંથી પરત આવ્યાના થોડા કલાકોમાં જ તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે લેખીતમાં પોતાની આડકતરી મનોવ્યથા ઠાલવી છે.

શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ તરીકેના પદભાર સમયે લીધેલા તમામ સંકલ્પોને પરીપુર્ણ કરવા સતત પોતે અને તેમનો પરીવાર સક્રિય રહયો છે. દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ અને મારા વડપણ હેઠળના સર્વે પદાધિકારીઓ અને કારોબારી સમીતીએ મને ખુબ સાથ આપ્યો છે. લોહાણા મહાપરીષદની ધુરા સંભાળ્યા બાદ ટીમની મહેનતથી સંસ્થા સફળતાના શિખરને આંબતી હોય ત્યારે ઇર્ષા થવી, રાગદ્રેષ થવો, ભુલો કાઢવી, ટીકાઓ કરવી સ્વભાવીક હોવાનું જણાવી તેમણે તેમની આડકતરી મનોવ્યથા ઠાલવી છે.

૧પ મી ઓગષ્ટે મારા પદ પરથી આઝાદ થવા ઇચ્છુ છું. આ આઝાદી બંન્ને તરફની રહેશે. એનો જ આનંદ મને અને મારા શુભેચ્છક મિત્રોને અને બહોળા પરિવારને રહેશે તેવું જણાવી અંતમાં પોતાની અને પોતાના પરીવારની જરૂર જયારે જયારે ઉભી થાય ત્યારે મારા માતાશ્રી સરસ્વતી બહેન અને પિતાશ્રી તલકશીભાઇએ આપેલી સંસ્કારીકા મુજબ પુરી કરવા તત્પર રહીશ તેવુ તેમણે જણાવ્યું છે. અગાઉ તેમણે પાટણ સભામાં પણ રાજીનામાની જાહેરાત કરી ત્યારે સમાજ માટે સમય-પૈસા વાપરૂ છું છતાં થતા આક્ષેપો અંગે ઇશારો કર્યો હતો. (૪.૧૫)

 

(3:31 pm IST)