Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બહુચર્ચિત રેલ્વે ભરતી કૌભાંડમાં મુખ્ય સુત્રધારોની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૧૯: ચકચારી રેલ્વે ભરતી કૌભાંડના મુખ્ય સુત્રધારોની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે રદ કરી હતી.

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦ વગેરે અંતર્ગત ફરીયાદી ઘનશ્યામસિંહ ચુડાસમાએ આરોપીઓ મુખ્ય સુત્રધારો શૈલેશભાઇ ઉર્ફે સેટીંગ દલસાણીયા રે. ફલ્લા જામનગર, કલ્પેશ પ્રભુદાસ શેઠ રે. અમદાવાદ તથા ઇકબાલ ઉર્ફે મુન્નાભાઇ ખત્રી રે. રાજપીપળા વિરૂધ્ધ એવી ફરીયાદ દાખલ કરેલ કે આ ગુન્હાહીત કાવતરૂ રચી બેરોજગાર યુવાનોને તેમજ તેમના સગાવહાલાઓને સંપર્ક કરી રેલ્વેમાં રૂ. ૧પ,૦૦,૦૦૦/- માં નોકરી આપવાની લાલચ આપી યુવાનોને દિલ્હી ખાતે લઇ જઇ તેઓની કોઇપણ જાતની મૌખિક કે લેખીત પરીક્ષા લીધા વગર ખોટા અને બનાવટી નોકરીના ઓર્ડર આપેલ આમ ફરીયાદીના પુત્ર તથા સગાવહાલાઓને નોકરી અપાવવાના બહાને કુલ રૂ. ૬૮,૦પ,૦૦૦/- મેળવી છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ દાખલ થતા પોલીસ દ્વારા તમામ આરોપીઓની તા. ર૭-૬-ર૧ના અટક કરી મુદત હરોળ કરી કોર્ટ હવાલે કરેલ. ત્યારબાદ તપાસ પૂર્ણ થતા ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ. જેથી આરોપીઓ જેલમાંથી છુટવા માટે જામીન અરજી દાખલ કરેલ હતી.

બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ એડીશનલ સેશન્સ જજ એ. વી. હીરપરા એવા તારણો ઉપર આવેલ કે, અરજદાર આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેસ જણાઇ આવે છે. તેમજ આરોપીઓ વિરૂધ્ધ અગાઉ આવા જ પ્રકારના ગુન્હાની ફરીયાદ દાખલ થયેલ છે. વધુમાં ચાર્જશીટ રજુ થઇ જતા સંજોગો શું બદલાયેલ છે તે અરજદાર આરોપીઓ સ્પષ્ટ રીતે બતાવી શકેલ નથી. તેમજ અરજદાર આરોપીઓ દેશવ્યાપી રેલ્વે ભરતીના કૌભાંડના આરોપીઓ પૈકીના હોય તે સંજોગોમાં અરજદાર આરોપીની જામીન અરજી નામંજુર કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો ન હોય તમામ આરોપીઓની રેગ્યુલર જામીન અરજીઓ નામંજુર કરતો હુકમ કરેલ. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગિયા, મુકેશ જી. પીપળીયા તથા પરાગ એન. શાહ રોકાયેલ હતા.

(3:29 pm IST)