Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મોટામવાની જમીન પચાવી પાડવા અંગેના લેન્ડ ગ્રેબીંગ એકટના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ૧૯ :.. ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) ર૦ર૦ના ગુન્હામાં કોમ્પ્યુટરમાં ખોટા દસ્તાવેજો બનાવનાર વ્યકિતને જામીન મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી કે. એમ. કથીરિયા દ્વારા તા. ૧૭-૧-ર૦ર૧ ના રોજ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) બહાદુરસિંહ માનસીંહ ચૌહાણ રહે. અમરનગર શેરી નં. ર, મવડી, રાજકોટ તથા (ર) કેતનભાઇ વોરા રહે. સંસ્કાર સીટી મવડી પાળ રોડ વિરૂધ્ધ તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) ના કાયદાનો કલમ ૪ (૧), ૪(ર), તથા પ (સી) મુજબની એ મતલબની ફરીયાદ કરેલ કે અશ્વીનભાઇ ધીરૂભાઇ પરસાણા વિગેરેના મોટામવા ગામના સર્વે નં. ૧૩પ/૧ ની જમીન એ. ૦પ-૦૯ ગુઠા જમીનને લાગુ આવેલ સરકારી ખરાબાની સર્વે નં. ૧૮૦ પૈકીની જમીન આવેલ જેમાં આરોપીઓએ સરકારી માલીકીની જમીન જેના ઉપર આરોપીઓનો કોઇ માલીકી હકક, પ્રત્યક્ષ કબ્જો ન હોય અને કાયદેસરના અધિકાર વગર સરકારશ્રીના નામે મહેસુલ વિગભાના કલેકટરશ્રી, મામલતદારશ્રી તથા એન. આઇ. સી. ના નામે ખોટા આધારો ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદા સાથે સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી સાહેદ અશ્વીનભાઇ પાસે અસલ તરીકે રજૂ કરી વિશ્વાસમાં લઇ સાહેદ અશ્વિનભાઇ પાસેથી રૂ. ૭૩,૦૦,૦૦૦ જેટલી માતબર રકમ છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી મેળવી ગુન્હો આચરેલ હતો.

સદર શ્રી સરકાર તરફે તાલુકા મામલતદારશ્રી દ્વારા નોંધાવવામાં આવેલ ફરીયાદના કામે તપાસનીશ અધિકારીશ્રી દ્વારા તપાસના કામે મહેસુલ વિભાગ તથા અન્ય સરકારી કચેરીના બોગસ દસ્તાવેજ બનાવનાર તરીકે જયેશભાઇ નાગજીભાઇ ડાભી રહે. આર. એમ. સી. કવાર્ટર, કર્વાટર નં. અ/૧૬૮, કોઠારીયા રોડ, રાજકોટ વાળાની અટક કરવામાં આવેલ હતી, તેમજ તપાસના અંતે તપાસનીશ અધિકારીશ્રી દ્વારા (૧) બહાદુરસિંહ ચૌહાણ, (ર) કેતનભાઇ વોરા, (૩) જયેશભાઇ ડાભી તથા (૪) અમિતસિંહ ચૌહાણ વિરૂધ્ધ ચાર્જશીટ પણ રજુ કરવામાં આવેલ હતું.

ચાર્જશીટ થયા બાદ જયેશભાઇ નાગજીભાઇ ડાભી દ્વારા સેશન્સ અદાલત સમક્ષ જામીન મુકત થવા માટે કાર્યવાહીઓ કરતા સેશન્સ અદાલત દ્વારા જામીન અરજી નામંજૂર કરેલ હતી, જેથી તહોમતદારે જામીન મુકત થવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કાર્યવાહીઓ કરી હતી.બન્ને પક્ષોની રજૂઆતો, ચાર્જશીટ તથા પોલીસ પેપર્સ, કાયદાકીય આધારો વિગેરેને ધ્યાને લઇ નામ. ગુજરાત હાઇકોર્ટના માન. ન્યાયમૂર્તિશ્રી એસ. એચ. વોરા એવા મંત્વય પર આવેલ હતા કે ચાર્જશીટ રજૂ થઇ ગયેલ છે, તેમજ ત્હોમતદાર પાસેથી કબ્જે થયેલ સી. પી. યુ. ફોરેન્સીક સાયન્સ જોગવાઇઓ તથા કોઇ ગુન્હાહીત ભુતકાળ ન હોય જેથી તહોમતદારને જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.આ કામમાં તહોમતદાર જયેશભાઇ નાગજીભાઇ ડાભી તરફે ગુજરાત હાઇકોર્ટના સીનીયર કાઉન્સેલ શ્રી કીશોરભાઇ આણંદજીવાળા તેમજ એડવોકેટ શ્રી કૃણાલ એલ. શાહી તથા રાજકોટના એડવોકેટ શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, તથા દેવેન ગઢવી રોકાયેલ હતાં.

(3:28 pm IST)