Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

GSTના રૂ.૧૦૧.૧૨ કરોડના બોગસ બિલીંગ કૌભાંડમાં મોરબીના વેપારીના આગોતરા જામીન મંજુર

વકીલ અપૂર્વ એન. મહેતાની દલીલો સફળ રહી : રાજકોટ સેસન્સ કોર્ટનો ચુકાદો.

રાજકોટ, તા. ૧૯ : D.G.G.I. રાજકોટ યુનિટ દ્વારા મોરબી-વાંકાનેર પંથકમાં માલની ખરેખર હેરફેર વગર ફકત બિલોની આપલે કરી, ખોટી વેરાશાખ મેળવી, કરચોરી કરાતી હોવાની માહિતી મળતા જાન્યુઆરી - ફેબ્રુઆરી માસમાં અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. તપાસના અંતે થોકબંધ સાહિત્ય તેમજ મોબાઈલ, લેપટોપ, હાર્ડડિસ્ક વિગેરે જપ્ત કરવામાં આવેલ. જેના આધારે રૂ।.૧૦૧.૧૨ કરોડનું બોગસ બિલીંગ અને ર।.૧૮.૦૪ કરોડની કરચોરી ધ્યાને આવેલ. જેના આનુસંધાને આવા બીલો આપનાર મુખ્ય સુત્રધાર વિરાટ ભાટિયા તેમજ બીલો લેનાર હિમત પટેલ, યોગેશ કાસુન્દ્રા તથા તુષાર પનારાની જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩૨(૧)(બી) અને ૧૩૨(૧)(સી) હેઠળના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ. ધરપકડ દરમ્યાન D.G.G.I.  દ્વારા રૂ.૧ કરોડ જેવી માતબર રોકડ રકમ પણજપ્ત કરવામાં આવેલ.

ત્યારબાદ મોરબીના અન્ય વેપારી રાજન પટેલને ઉપરોકત કૌભાંડની તપાસ અર્થે જી.એસ.ટી. કાયદાની કલમ ૭૦ હેઠળ વારંવાર સમન્સ આપવામાં આવેલ. ઉકત હકીકતે આ વેપારીને પણ તેની ધરપકડની દહેશત હોય જેથી તેમણે પોતાના વકીલ શ્રી અપૂર્વ એન. મહેતા મારફત સી.આર.પી.સી.ની કલમ ૪૩૮ હેઠળ આગોતરા

જામીન મેળવવા માટે નામદાર સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરેલ. જે અરજીનો D.G.G.I. દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ. પરંતુ વેપારીના વકીલ અપૂર્વ  મહેતાની તર્ક-સંગત દલીલો તેમજ અલગ અલગ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ નામદાર સેસન્સ જજ પ્રશાંત જૈન દ્વારા આગોતરા જામીન મંજુર કરતો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં મોરબીના વેપારી વતી ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા રાજકોટના યુવા અડવોકેટ જયદીપ એમ. કુકડીયા તથા દર્શીલ કે. માઝની રોકાયેલા હતા.

(3:25 pm IST)