Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ધો. ૯ થી ૧રની ખાનગી શાળાઓને તુરત શરૂ કરવા મંજુરી આપો શાળા સંચાલક મહામંડળનું આવેદન

ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદન અપાયું : ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટ, તા. ૧૯ :  ગુજરાતમાં ધો. ૯ થી ૧રની ખાનગી શાળાઓને તુરત શરૂ કરવા મંજુરી આપવા ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. ટયુશન કલાસીસ, સરકારી સ્કુલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વીમીંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહિત તમામ વાણીજય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજુરી આપવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. આ અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકારશ્રી સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી , રાજયના તમામ જીલ્લા મથકોએ આજરોજ શિક્ષણાધિકારીશ્રીઓને આવેદનપત્ર આપી, અમારી માંગ સરકાશ્રી સુધી પહોંચાડવા આપને અનુરોધ કરીએ છીએ.

આવેદનમાં જણાવ્યા મુજબ આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું માનવું છે કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઇ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પુરતી તકેદારી સાથે એકપણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મંજુરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે ?

પ્રથમ તબક્કામાં સરકારશ્રીએ ધોરણ ૯ થી ૧ર ની શાળાઓને ફરી શરૂ કરવાની ત્વરીત મંજુરી આપવી જોઇએ તેવી અમારી ઉગ્ર માંગણી છે. ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે. તે ઉપરાંત ધો. ૯ થી ૧રના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ ૧.પ વર્ષ જેટલું પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે. તો સરકારશ્રી દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરૂ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.

આવેદન પત્રના અંતમાં જણાવાયુ  છે કે હજુ આ પછી પણ જો સરકારશ્રી અમારી માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલનનાં પણ મંડાણ કરાશે. જો જરૂર જણાશે તો ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે ખચકાશું નહી, જેની સરકારશ્રી ગંભીર નોંધ લે તેવી અમારી માંગણી છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક પ્રમુખ ડી.વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો.ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરિમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદિપભાઇ જલુ અને શ્રી મેહુલભાઇ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ વતી પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, એફ.આર.સી. કમીટીના સભ્ય અજયભાઇ પટેલ તેમજ કોર કમિટી અને કારોબારી સમિતિના તમામ સભ્યો દ્વારા સરકારશ્રી સમક્ષ શાળાઓ શરૂ કરવા દેવા આ આવેદન પત્રના માધ્યમથી ઉગ્ર માંગ કરવામાં આવે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:22 pm IST)