Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રૈયાધારમાં સંડાસની કૂંડી સાફ કરવા ગયેલા રૈયાના રાહુલ બારૈયા પર છરીથી હુમલોઃ ઢીકાપાટુ પણ માર્યા

મિત્ર ભૂપત જુંજાની કૂંડી સાફ કરવા ગયો હતોઃ ભૂપતને ચાલતાં મનદુઃખનો ખાર રાખી ચાર ભરવાડ શખ્સો બુધા, સોમા, બીજલ અને દેવશી તૂટી પડ્યાઃ એટ્રોસીટી હેઠળ ગુનો

રાજકોટ તા. ૧૯: રૈયા ગામમાં રહેતો મુળ આટકોટનો યુવાન રૈયાધારમાં મિત્રને ત્યાં સંડાસની કૂંડી સાફ કરવા ગયો ત્યારે મિત્ર ભરવાડ યુવાનને રૈયાધારના બીજા ભરવાડ લોકો સાથે માથાકુટ ચાલતી હોઇ તેનો ખાર રાખી આ યુવાન પર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી છરીના બે ઘા ઝીંકી દઇ તેમજ ઢીકાપાટુનો માર મારતાં એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો છે.

આ બનવામાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ ખોડિયાર માતાના મંદિર સામે ડો. આંબેડકરજીની પ્રતિમા સામેની શેરીમાં રહેતાં અને સફાઇ કામની મજૂરી કરતાં મુળ આટકોટના રાહુલ કિશોરભાઇ બારૈયા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી રૈયાધારના બુધા ભરવાડ, સોમા ભરવાડ, બીજલ ભરવાડ અને દેવશી ભરવાડ વિરૂધ્ધ આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫, એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાહુલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું અપરિણીત છું અને પરિવાર સાથે રહી સફાઇ કામ કરી ગુજરાન ચલાવુ છું. રવિવારે સાંજે આઠેક વાગ્યે મને મારા મિત્ર ભૂપત તેજાભાઇ જૂંજાએ તેની સંડાસની કુંડી સાફ કરવાની હોઇ બોલાવતાં ત્યાં ગયો હતો. ભૂપતભાઇના પ્લોટ પાછળની સાઇડમાં જુનુ સંડાસ છે ત્યાં તેની લાઇન રોકવા ગયો હતો. એ વખતે ભૂપતભાઇના સગા સોમા, બીજલ, દેવશી, બુધા સહિતના આવી ગયા હતાં. આ બધા રૈયાધારે જ રહે છે અને હું તેને જોયે ઓળખુ છું.

આ બધાને ભૂપતભાઇ જુંજા સાથે અગાઉ ઝઘડો થયો હોઇ તેનું મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી મારા પર હુમલો કર્યો હતો. જેમાં બીજલે છરી કાઢી છાતીમાં ડાબી બાજુ અને પીઠ પાછળ જમણી બાજુ ઘા મારી દીધા હતાં. બુધા, સોમા અને બીજલે ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. હું દોડીને ભૂપતભાઇના ઘરમાં જતો રહેતાં તે જમવા બેઠા હોઇ તે મને બચાવવા આવ્યા હતાં. ત્યાં ચારેય હુમલો કરનારા ભાગી ગયા હતાં. મને ભૂપતભાઇએ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ચારેયએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યો હોઇ ફરિયાદ નોંધાવી છે.

પીએસઆઇ બી. જી. ડાંગર સહિતે ગુનો નોંધતા આગળની તપાસ એસસીએસટી સેલને સોંપવામાં આવી છે.

(1:00 pm IST)