Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બસ નહોતી, બોગસ આરસી બૂકો ઉભી કરી કોભાંડ આચર્યુ : રાજકોટ ટ્રાવેલ્સ સંચાલકે સુરતના પઠાણ સાથે મળી રૂ. ૪.૬ કરોડની ૨૮ લોન લઇ 'ધૂંબો' મારી દીધો!

રાજકોટ-અમદાવાદ-વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓને છેતરવાનું જબરૂ કારસ્તાન ઉઘાડુ પાડતી રાજકોટ શહેર એસઓજી : એચડીએફસી બેંકના મેનેજર જાગીર કારીયાની ફરિયાદ પરથી નારાયણનગરના ખોડિયાર ટ્રાવેલ્સવાળા ભોલુગીરી ગોસ્વામીની ધરપકડઃ સાથી કોૈભાંડકાર સુરતના ઇર્શાદ પઠાણનો જેલમાંથી કબ્જો મેળવવા તજવીજઃ ત્રીજા ભેજાબાજ બેંકના વેલ્યુઅર સુરતના હોશાંગ વાય. ભગવાકરને પકડી લેવા ટીમ સુરત પહોંચીઃ નકલી આરસી બૂકો ઇર્શાદે બનાવ્યાનું ભોલુગીરીનું રટણઃ રિમાન્ડની તજવીજ : પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, ભાનુભાઇ મિંયાત્રા, સુભાષભાઇ સહિતની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: શહેરના ઢેબર રોડ નારાયણનગર-૧૨માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સહિતની સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જીન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી અધધધ રૂ. ૪ કરોડ ૬ લાખ ૨૦ હજારની ૨૮ લોનો લઇ બાદમાં બેંકોને ધૂંબો મારી દીધાના કોૈભાંડનો પર્દાફાશ શહેર એસઓજીની ટીમે કરી ભોલુગીરીને ઝડપી લીધો છે. જ્યારે સુરતના એક શખ્સનો જેલમાંથી કબ્જો મેળવવા તથા બીજાને ઝડપી લેાવ રાજકોટથી ટીમ સુરત રવાના થઇ છે.

જબરા કોૈભાંડમાં પ્રારંભે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ સંતોષ પાર્ક પદ્માવતિ ફલેટ નાણાવટી ચોક ખાતે રહેતાં અને વિજય પેલટ-૧૦માં આકાંક્ષા બિલ્ડીંગમાં આવેલી એચડીએફસી બેંકમાં સોૈરાષ્ટ્ર કચ્છના સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતાં જાગીર જયકરભાઇ કારીયા (ઉ.વ.૪૧)એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦-બી મુજબ એચડીએફસી બેંક સાથે રૂ. ૫૩,૬૨,૪૨૮ની ઠગાઇ કરવા અંગે રાજકોટના ભોલુગીરી ગોસ્વામી, સુરતના ઇર્શાદ પઠાણ અને હોશાંગ ભગવાગર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જાગીર કારીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી બેંક દ્વારા ગ્રાહકોને બેન્કીંગ અને ફાયનાન્સીયલ સર્વિસ પુરી પડાય છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ લોન બેંકના ધારાધોરણ મુજબ અપાય છે. ધંધાકીય વાહનો જેમ કે લકઝરી બસ, અશોક લેલન્ડ કંપની, ટાટા કંપની સહિતના મોટા વાહનો માટેની લોન પણ અપાય છે. આ માટે જે તે ગ્રાહકે કેવાયસી ડોકયુમેન્ટ, વાહનના ડોકયુમેન્ટ જેમ કે આરસી બૂક, વીમાના કાગળો, આઇટી રિટર્ન સહિતના દસ્તાવેજો અરજી સાથે બેંકમાં સબમીટ કરવા પડે છે.  તમામ પ્રોસીઝર પછી બેં કતરફથી લોન મંજુર થાય છે.

આ રીતે અમારી બેંકમાં ડીસેમ્બર ૨૦૧૭માં ગ્રાહક ભોલુગીરી ગોસ્વામી (રહે. નારાયણનગર રાજકોટ)એ અશોક લેલન્ડ બસની ત્રણ અલગ અલગ આરસી બૂકો રજૂ કરી હતી. આ ત્રણેય સુરતના વિજય મકોડભાઇ ઢોલીયાના નામની હતી. તેની સાથે વિમા પોલીસી સહિતના દસ્તાવેજો પણ રજૂ કરાયા હતાં. તેણે આ ત્રણેય બસો પર રૂ. ૧૪,૫૦,૦૦૦, રૂ. ૧૪,૫૦,૦૦૦ તથા રૂ. ૧૬ લાખની લોન માટે અરજી કરી હતી. કુલ ૪૫ લાખની લોન મેળવી લીધા બાદ ૨૦૧૯થી લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આથી બેંક દ્વારા ભોલુગીરીનો સંપર્ક કરી હપ્તા ભરવા જણાવાયું હતું. પરંતુ તેણે હપ્તા ભર્યા નહોતાં. એ પછી બેંક દ્વારા ત્રણેય વ્હીકલ (બસો)નું રૂબરૂ પરિક્ષણ કરવાનું કહી તેને બસો હાજર રાખવા નોટીસ અપાઇ હતી. પરંતુ તેણે કોઇ બસ હાજર કરી નહોતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે સુરતનો ઇર્શાદ પઠાણ નામનો શખ્સ નકલી આરસી બૂક બનાવી બેંકોમાંથી લોનો મેળવી ઠગાઇ કરે છે અને સુરતમાં પકડાયો છે.

જેથી ભોલુગીરી પર અમને શંકા ઉપજતાં અમે તેણે રજૂ કરેલી વીમા પોલીસી, આરસી બૂક સહિતના દસ્તાવેજો તપાસતાં તે નકલી હોવાનું જણાયું હતું. તેણે જે એન્જીન-ચેસીસ નંબરોની આરસી બૂકો આપી હતી. તે નંબરોની બસોનું ઉત્પાદન જ થયું નહિ હોવાનું જણાયું હતું. દરમિયાન રાજકોટ શહેર એસઓજીએ હામાં અમારી પાસેથી આ ત્રણેય વાહનોની માહિતી માંગી હતી. જેથી અમને ખબર પડી હતી કે નકલી આરસી બૂકોને આધારે લોન લઇ ઠગાઇ કરવામાં આવી છે.

ભોલુગીરી અને ઇર્શાદ પઠાણે મળી સમગ્ર કોૈભાંડ આચર્યાનું અને એચડીએફસી બેંકના સુરતના વેલ્યુઅર હોશાંગ વાય ભગવાગરે પણ આર્થિક લાભ મેળવવા આ બંનેના કાવત્રામાં ભાગ ભજવ્યો હોઇ ત્રણેય સામે અમે ફરિયાદ નોંધાવી છે. હોશાંગ ભગવાગરને દસ્તાવેજો ચકાસવાના હતાં તેને ખબર હતી કે જે આરસી બૂકો રજૂ કરવામાં આવી છે તે વાહનોની હયાતી જ નથી. આમ છતાં તેણે પણ કાવત્રામાં ભાગ ભજવ્યો હતો.

એસઓજીની ટીમે હાલ તુર્ત રાજકોટના ભોલુગીરી ગોસ્વામીને દબોચી લઇ વિસ્તૃત તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જ્યારે ઇર્શાદ પઠાણ સુરત જેલમાં હોઇ ત્યાંથી કબ્જો મેળવવા તેમજ બેંકના વેલ્યુઅર હોશાંગ ભગવાગરને ઝડપી લેવા ટીમો સુરત રવાના થઇ છે.

એસઓજીની પ્રાથમિક પુછતાછમાં ભોલુગીરીએ કબુલ્યું છે કે પોતે સાડા ચારેક વર્ષ પહેલા પોતાની બસ ખરાબ થઇ હોઇ સુરતમાં રિપેરીંગના કામ સાથે સંકળાયેલા ઇર્શાદ પઠાણને મળ્યો હતો. તે વખતે ઇર્શાદે નકલી આરસી બૂકોને આધારે લોન લેવાના કાવત્રાની વાત કરી હતી અને પોતાને પૈસાની જરૂર હોઇ તેમાં સામેલ થયો હતો.

ઇર્શાદ સાથે મળી ભોલુગીરીએ ૨૦૧૭થી ૨૦૧૯ સુધીમાં રાજકોટની એચડીએફસી બેંકમાંથી ત્રણ આરસી બૂકને આધારે રૂ. ૪૫ લાખની ત્રણ લોન, લીમડા ચોકના આઇ. કે. ફાયનાન્સમાંથી પાંચ નકલી આરસી બૂકોને આધારે ૯૭ લાખની લોનો, ઓરિકસ ફાયનાન્સમાંથી ૧૦ નકલી આરસી બૂકોને આધારે ૧ કરોડ ૪૭ લાખની લોનો,  રાજકોટના ટાટા ફાયનાન્સમાંથી ત્રણ બૂકોને આધારે ૫૩ લાખની અને રાજકોટના આઇએફએલ ફાયનાન્સમાંથી સાત નકલી આરસી બૂકોને આધારે ૯૭ લાખની મળી કુલ ૨૮ નકલી આરસી બૂકોને આધારે રૂ. ૪,૦૬,૨૦,૦૦૦ની લોનો લઇ છેતરપીંડી આચર્યાનું સામે આવ્યું છે. વિશેષ તપાસમાં વધુ કોૈભાંડો ખુલવાની શકયતા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, મોહિતસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, રણછોડભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(4:20 pm IST)