Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે રાજકોટમાં 'રઢિયાળી રાત'ના પ્રાચીન લોકગીતો ગુંજ્યા

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ, નીલેશ પંડયા અને પંકજ ભટ્ટે ઝવેરચંદ મેઘાણી સંશોધિત - સંપાદિત પ્રાચીન લોકગીતોની રમઝટ બોલાવી : વિશ્વભરમાં વસતા ૨૬ લાખથી વધુ ભાવિકોએ આ ઓનલાઇન કાર્યક્રમને ઇન્ટરનેટ પર જીવંત માણ્યો : રાજકોટ જિલ્લા પુસ્તકાલય ખાતે 'મેઘાણી સાહિત્ય' કોર્નરનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ તા. ૧૯ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે — એમની બાલ્યાવસ્થાની લીલાભૂમિ  ખાતે — રઢિયાળી રાત (પ્રાચીન લોકગીતો)નો ઓન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો. ઈન્ટરનેટ www.eevents.tv/meghani પર વિશ્વભરમાં વસતાં ૨૬ લાખથી વધુ ભાવિકોએ જીવંત માણ્યો. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, ઐતિહાસિક અમદાવાદ-સાબરમતી જેલના નિવૃત્ત્। નાયબ અધિક્ષક પી.બી. સાપરા, ભારતીય સેનાના સેવા-નિવૃત્ત અધિકારીઓ કર્નલ સંજયભાઈ ઢઢાણીયા, કેપ્ટન જયદેવભાઈ જોશી અને સુરશભાઈ અમીપરા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઈ ગોડા, વલ્લ્ભભાઈ લાખાણી અને રાજુલભાઈ દવે, સેલ્સ ટેકસના નિવૃત્ત આસી. કમિશ્નર અને ચારણ-ગઢવી સમાજના અગ્રણી રામભાઈ જામંગ, રાજકોટ વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, રાજકોટ જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ રમાબેન રાણા, મદદનીશ ગ્રંથપાલ અનિષાબેન સુમરા, ચોટીલા મદદનીશ ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી, શિક્ષણ-જગતમાંથી એચ. કે. દવે, ડો. સી. બી. બાલસ, કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલ, યુવા લોકગાયક આદિત્યસિંહ રાઠોડ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, તુષારભાઈ ભટ્ટ, ગીતા ભટ્ટ, મેઘાણી સાહિત્ય કોર્નરના શિલ્પી વાલજીભાઈ પિત્રોડા, અમૃતભાઈ પરમાર, નયનાબેન–દિપકભાઈ જોશી, કૃષ્ણા ગોહેલ, મુકુંદભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતોની રમઝટ બોલવી હતી. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. રાજુભાઈ ધ્રુવ અને કેપ્ટન જયદેવભાઈ જોશીએ પ્રેરક વકતવ્ય આપ્યું હતું. વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), કુલદીપ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. સાઉન્ડ સિસ્ટમ પિન્ટુભાઈ દાણીધારીયા – નકલંક સાઉન્ડ (રાજકોટ)ની હતી. 

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા રાજકોટ જિલ્લા પુસ્તકાલય (માલવિયા ચોક પાસે) ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત–પ્રેરિત થાય તે હેતુથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવાં વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં રખાયાં છે.

આ પ્રેરક આયોજનો બદલ ગુજરત રાજયના શિક્ષણ મંત્રી, રાજકોટના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારની રાજયકક્ષાની ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી સમિતિના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પિનાકી મેઘાણીને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:43 am IST)