Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કાલે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં 'શિક્ષા હી ધર્મ' કાર્યક્રમ

બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે ૩૦૦૦ શિક્ષકો-શાળા સંચાલકોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી ૨૦ને શનિવારના સાંજે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં 'શિક્ષા હી ધર્મ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમમાં રાજકોટ શહેર અને જિલ્લાના સ્વનિર્ભર શાળાના ૩૦૦૦ જેટલા શિક્ષક ભાઈ, બહેનો, સંચાલકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પ્રારંભે 'ટ્રેઈન ધ ટ્રેઈનર' વિષય પર બીએપીએસ મંદિરના અપૂર્વમુનિ સ્વામી દ્વારા શિક્ષકોને ઉપયોગી માર્ગદર્શન... સમસ્યા નિવારણ અને હુંફાળુ વાતાવરણ ખડુ કરવા માટેની ટીપ્સ આપશે.

જાણીતા કલાકાર સાંઈરામ દવે દ્વારા 'ભાષાનું ભાવિ' વિષય પર ગુજરાતી ભાષાનું મહત્વ અને ગુજરાતી ભાષાને ગૌરવ મળે તે માટે શિક્ષકો માટે વકતવ્ય આપશે.

વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ શહેરના ચાર કેળવણીકારોનું સન્માન થશે. જેમાં ગીજુભાઈ ભરાડ, ગુલાબભાઈ જાની, ડી.પી. પટેલ અને ભાયલાલભાઈ પરડવા મુખ્ય છે. શિક્ષણ શ્રેષ્ઠીઓ આશરે ૫૦ વર્ષથી શિક્ષણકાર્ય દ્વારા લાખો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરી રહ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સ્વામીનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીનું સમાજ ઉપયોગી સેવા કાર્ય બદલ વિશેષ સન્માન કરવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતી ભાષાને બચાવવા અને ગૌરવ અપાવવા માટે ગુજરાતીને ફરજીયાત બનાવી બહુ મોટી સેવા કરી છે. તે બદલ રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અજયભાઈ પટેલ, મહામંત્રી અવધેશભાઈ કાનગડ તથા કારોબારી સમિતિ, કોરકમિટી, મહામંડળના હોદેદારો, ઝોન સમિતિઓ તડામાર તૈયારી કરી રહ્યા છે તેમ સંસ્થાના પ્રવકતા દિલીપભાઈ પંચોલીની યાદીમાં જણાવાયુ છે.

(4:30 pm IST)