Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સોમવારે શ્રી વલ્લભ ભટ્ટ રચિત ''માં બહુચરમાના'' આનંદના ગરબા ગુંજશે

રાષ્ટ્રિય શાળાના મધ્યસ્થ ખંડમાં સ્વ. વિશ્વનાથભાઇ હરગોવિંદભાઇ જોષીની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે ભવ્ય આયોજન

રાજકોટ તા.૧૯ : રાષ્ટ્રિયશાળાના પૂર્વ આચાર્ય શ્રી નવીનચંદ્ર હરગોવિંદભાઇ જોષી (મો.૯૪૨૮૨૫૫૫૦૫) જણાવે છે કે તેમના મોટાભાઇ સ્વ. વિશ્વનાથ હરગોવિંદ જોષીની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે  શ્રી વલ્લભ ભટ્ટ રચિત ''માં બહુચરમાના આનંદના ગરબા'' નું તા. ૨૨ જૂલાઇને સોમવારે આયોજન કર્યુ છે. રાષ્ટ્રિયશાળા  મધ્યસ્થ ખંડ , રાજકોટ ખાતે રાત્રે ૮ થી મોડે સુધી ચાલનારા આ કાર્યક્રમનો  રાજકોટ - સૌરાષ્ટ્રના ભાવિકોને લાભ લેવા  શ્રી નવીનચંદ્ર જોષી , પ્રફુલચંદ્ર  હરગોવિંદ જોષી (આંકોલવાડી ગીર), મહેતા મધુસુદન જોષી (અંજાર) સહિત જોષી પરીવારે જાહેર આમંત્રણ આપ્યુ છે.  

શ્રી વલ્લભ ભટ્ટ રચિત મા બહુચરમાના આનંદના ગરબાનુ મહાત્મ્ય શું છે? તેમના નવમ પ્રપૌત્ર કલ્પેશ ભટ્ટ શુ કહે છે. ?

શ્રી જગદંબાના ઉપાસક , મા ના લાડીલા ભકત ગુરૂદેવ પં.પૂ. શ્રી ભટ્ટ વલ્લભ-ધોળાનો જન્મ વિક્રમ સંવત ૧૬૯૬  આસો સુદ -૮ના (નવરાત્રીની દુર્ગાષ્ટમી)ના શુભ દિને અમદાવાદમાં થયેલ. તેઓના પિતાનુ નામ શ્રી હરિરામ  તથા માતાનુ નામ શ્રી ફુલકોરબા હતુ.

આનંદના ગરબાનુ પ્રાગટ્ય

શ્રી હરિભટ્ટજીએ વસંત પંચમીના શુભ દિને બ્રહ્મચારીશ્રી પરમાનંદ સ્વરૂપ મહારાજ પાસે વિદ્યાભ્યાસ અર્થે ઉભય પુત્રોને વિદાય કર્યા. બ્રહ્મચારીના આશ્રમમાં ગુરૂજી જે શબ્દો બોલે તે પર લક્ષ ન આપતા જય શંકર, જય અંબે, જય બહુચર એમ શિવ શકિતનુ નામ જપતા. આથી ગુરૂજીએ  બંન્ને ભાઇઓને હાથ ઝાલીને પોતાની પાસે બેસાડ્યા અને  શ્રી માતાજીનો બીજમંત્ર  તેમના કાનમાં ફુકયો અને શિક્ષામ પ્રવક્ષ્યામી પાણિનીમ  ... સુત્ર ભણાવવા માંડ્યુ. તુરતા તુરત જ શ્રી વલ્લભ - ધોળા સ્પષ્ટ ઉચ્ચારે બોલી જવા લાગ્યા. આથી શ્રી પરમાનંદજી અતિ  પ્રસન્ન થયા. મંગલ આશીર્વચન કહીને ઉભય શિષ્યોની સાથે શ્રી હરિભટ્ટજીના નિવાસસ્થાને પધાર્યા. હરિભટ્ટજીને જણાવ્યુ ''આપના પુત્રર્ત્ન સામાન્ય કોટીના બાળક નથી. આ વલ્લભ-ધોળા આપના આરાધ્ય દેવ - દેવી શ્રી શિવશકિત સિવાય કોઇની પણ પરવા કરશે નહી.  આપને જે દેવીએ આ અમૂલ્ય પુત્ર પ્રસાદી આપી છે. તેની સાથે જ પુરેપુરી સગાઇ રાખશે.

બાદમાં ઉભયભાઇઓ ગુરૂવે  આપેલ બીજાક્ષર જપતા જપતા મસ્ત ચિત્તથી પોતાના નિવાસસ્થાનમાં રહેવા લાગ્યા. માયાબીજાદી મંત્રાક્ષરના જાપથી પાંચ વર્ષ પાંચ માસ અને પચીસ દિવસની સતત પ્રેમી ઉર્મીઓના પ્રતાપે એક ગેબી અવાજ વલ્લભ - ધોળાના કાને આવવા લાગ્યો એટલે તેઓ આશ્ચર્ય સાથે અવાજથી દિશા ભણી જોવા લાગ્યા. દરમિયાન સાક્ષાત ઈશ્વરની માયારૂપ જગદંબા બાળા સ્વરૂપે પ્રગટ થયા. પરંતુ તેમના અપાર તેજ પ્રતાપથી તેઓ બેઉ ભાઇઓના  ચર્મ ચક્ષુઓ મિંચાઇ જતા નીચુ માથુ નમાવી ચરણનું ધ્યાન ધરી રહ્યા. એ જોઇ જગજનનીએ ફરમાવ્યુ કે ''મારા સાક્ષાત દર્શન કરી લો. હુ પ્રસન્ન  થઇ દર્શન દેવા જ પ્રગટી છુ. માટે નેત્રો ઉઘાડી દર્શનનો આનંદ મેળવો.''

વલ્લભે કહ્યુ.:- માજી આપનુ તેજ ખમી શકવા અશકત છીએ.

માજીએ ફરમાવ્યુ :- હું શકિત વિદ્યમાન છતા અશિકતના પ્રાદુર્ભાવ(હાજરી)નો ભય હોય જ નહી માટે નેત્ર ઉઘાડી જુઓ.

આ પ્રમાણે હુકમ થતા બે ઉ ભાઇઓએ દિવ્ય લોચન વડે માજીના સાક્ષાત દર્શન કર્યા માજીએ કહ્યુ કે મારા દર્શન અમોઘ  (ખાલી ન જાય તેવા) હોવાથી જે ઈચ્છા હોય તે માંગી  લ્યો

વલ્લભ - ધોળાએ જણાવ્યુ કે, ''માજીના દર્શન સિવાય અમોને કશાની જરૂર નથી એટલે પછી માગવાનું શુ રહ્યુ?''

માજીએ દર્શાવ્યુ કે , દર્શનથી શુ લાભ થવાનો છે? બીજુ કઇ માંગો કે જેથી ઈચ્છિત સિધ્ધી પ્રાપ્ત થાય.

ઉભય સેવકો બોલ્યા - માડી ઈચ્છિત સિદ્ધિ માત્ર દર્શનમાં જ સમાયેલી હોવાથી રાતદિન આનંદમાં રસબસ રહેવાય , તો પછી બીજા જગતના ક્ષણિક પદાર્થો શુ અખંડાનંદ આપવા સમર્થ છે?

માતૃશ્રીએ આજ્ઞા કરી કે - જ્યારે તમને આનંદની જ ઈચ્છા છે ત્યારે આ આનંદની અખિલ ભાન, કે નથી વ્યવહાર વિચારનું વિધાન તો પછી આનંદનો ગરબો કેવી રીતે ગાઇએ?

માજીએ ફરમાવ્યુ કે , ભલે તમે કશુ ભણ્યા નથી. પણ હુ તમારી જીભના અગ્રભાગે વાણીરૂપે બિરાજીત છુ માટે નિઃશંકપણે જ વાણીનો પ્રવાહ વહન થાય તે વ્યવહારમાં લાવો તમે મહાન સાક્ષરને  પણ ચમત્કૃતિ પમાડો તેવી વાણીના પ્રકાશક આજથી થયા છો. એમ જ માની લ્યો.

આ પ્રમાણે માજીનુ વરદાન મળવાથી તુરત વલ્લભ - ધોળાએ આનંદના ગરબાનુ પદ શરૂ કર્યુ. વલ્લભ - આજ મને આનંદ વાધ્યો અતિ ઘણો મા.

ધોળા - ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા.

ઈત્યાદિ ૧૧૮ છંદ સમૂહ સંકલિત ગરબો ગાયો . એટલે કે વિક્રમ સંવત ૧૭૦૯ ના ફાગણ સુદ-૩ને બુધવારના દિવસે આનંદના ગરબાનુ પ્રાગટ્ય થયુ. ખુદ માજીની પ્રેરણાથી રચાયો અને માની પરમકૃપારૂપ તેમા અચિંત્ય શકિત રસબસ રહેવા પામી. આ આનંદના બનાવ સમયે વલ્લભ - ધોળાની ઉંમર તેર વર્ષની હતી. તેઓ અભણ હોવા છતા લાંબા અને ટુંકા એવા ઘણા ગરબા લખ્યા છે. શ્રી વલ્લભના ગરબાઓને લોકકંઠે રમતા રાખવામાં એમાના રાગ , તાલ, લય, અને ચાલતો ફાળો ઘણો મોટો છે. લાંબા ગરબાઓમાં  શણગારનો , રંગનો, ધનુષધારીનો , આનંદનો  શ્રી ચક્રનો, ખૂબ જાણીતો છે. આ ગરબા શ્રી બહુચરીનો પ્રાચીન ઈતિહાસ જાણવામાં કિંમતી  પુરવાર થયા છે. માતાજીની પૂજા- પ્રાર્થના ઉપરાંત રાધાકૃષ્ણ સંબંધી અને સામાજીક વિષયના ગરબા પણ તેમણે રચ્યા છે. શ્રી બાલા તિર્પુરા - બહુચરાજીના પીઠસ્થાન તથા શ્રી માતાજીના ચમત્કારોને ઘેર ઘેર  ગવાતા કરવામાં શ્રી વલ્લભ ભટ્ટ ગુજરાતના શકિત સંપ્રદાયના માર્ગસુચક સ્તંભ સમાન છે.

આનંદનો ગરબો ઉત્તમ સાધના

'આનંદનો ગરબો ' સ્વયં આનંદ પ્રગટ કરનારી છે. 'માં' એ સરસ્વતીરૂપે જીહ્વાગ્રે બેસી ગરબો રચવાની પ્રેરણા આપી . આ વાણીના સ્પર્શથી દિવ્યભાવોની પ્રાપ્તી થાય છે. આનંદનો ગરબો એટલે શાકતોનુ ઘરેણુ (શાકત એટલે શકિતના ઉપાસકો) આ ગરબામાં ભકતશ્રીને શકિતના સ્વરૂપનો અવિર્ભાવ થતા જે આનંદ ઉદભવ્યો  તે તેમણે વાણીમાં વર્ણવ્યો છે.

આ ગરબો કલ્પવૃક્ષ સમાન ફળ આપે છે. વારંવાર અને મનનપુર્વક કરેલોપાઠ દિવ્ય ઔષધિ બની રહેશે. એકાગ્ર મનથી રટણ કરવાથી હ્રદયમાં આનંદની હેલી અને આત્માનંદ પ્રાપ્ત થશે. સાધના પથ પર પગરણ માંડનાર માટે 'આનંદનો ગરબો ' ઉત્તમ સાધન છે.

બહુચરાજી ખાતે ચુંવાળ ચાચર સમીપ માનાજી ગાયકવાડના બંધાયેલા ભવ્ય દેવાલય મનસુખ વલ્લભ - ધોળાના નિવાસ સ્થાનમાં તેઓના મહિમાવંત હાથથી સ્થાપિત શ્રી બાલા બહુચરાના અચલ યંત્ર અને ગોખની સ્થાપના કરેલ છે. શ્રી માતાજીની અખંડ જ્યોત તથા પ.પૂ. ભટ્ટજીની ગાદી પણ સ્થાપનમાં મોજુદ છે. જેઓના સબળ સંકલ્પ બળની પ્રાણપ્રતિષ્ઠા પ્રતાપ વડે સાચા આસ્તિક ભકતોને પોતાની  ભકિતના પ્રમાણમાં  પરચા મળ્યા કરે છે. એ મકાનનું બાંધકામ એ રીતનું (મંદિર સામેજ) છે કે એમના ઘરમાં બેઠાં બેઠા  પણ શ્રી માતાજીના સનમુખ દર્શન થઇ શકે.

પ.પૂ. શ્રી ભટ્ટ વલ્લભ-ધોળાએ 'માં'એ સા્ક્ષાત દર્શનના પરિણામ સ્વરૂપ આજે પણ યજ્ઞની પૂર્ણાહુતિના પ્રસંગે અને શ્રી માતાજીના મંદિરોમાં આરતી પછી માના લાડીલા ભકતરાજક શ્રી વલ્લભ-ધોળાની જય બોલાય છે. -કલ્પેશભાઇ મહેન્દ્રભાઇ ભટ્ટ જેઓ ભટ્ટ વલ્લભ - ધોળા પરિવારના નવમ પ્રપોૈત્ર છે, તેઓ શ્રી રાજકોટ ખાતે આ કાર્યક્રમમાં .ખાસ હાજર રહેવાના છે.

(4:26 pm IST)