Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગઢકામાં અનિલ ઠુમ્મર અને હિરેન કોઠારી વચ્ચે શેઢા મામલે ધબધબાટીઃ પાંચ ઘવાયાઃ ફાયરીંગ થયાની ચર્ચા

રાજકોટના અનિલ ઠુમ્મર પોતાની જમીન બીનખેતી કરાવી કારખાનુ બનાવી રહ્યા છેઃ માપણીમાં પોતાની દસ ફુટ જમીન દબાતી હોવાની વાત સાથે હિરેને ડખ્ખો કર્યાની ફરિયાદ આવતાં આજીડેમ પોલીસનો કાફલો પહોંચ્યોઃ બીજી તરફ હિરેન કોઠારી, પ્રવિણ કોઠારી અને દિવ્યેશ કોઠારી પોતાના પર લોખંડના સળીયાથી હુમલો થયાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા

ગઢકામાં જ્યાં ડખ્ખો થયો ત્યાં આજીડેમ પોલીસે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્રંબાથી જી.એન. જાદવે તસ્વીર મોકલી હતી

રાજકોટ તા. ૧૯: રાજકોટ-ભાવનગર હાઇવે પર આર. કે. કોલેજ પાછળ ગઢકા ગામની સીમમાં જમીનના શેઢા બાબતે રાજકોટના બે પટેલ વ્યકિતના જુથ વચ્ચે માથાકુટ થતાં અને લોખંડના સળીયા-ધોકાથી મારામારી કરવામાં આવતાં પાંચને ઇજા થઇ છે. જેમાં એક જૂથ તરફથી હવામાં ફાયરીંગ કરવામાં આવ્યાની વાત મળતાં આજીડેમ પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. રાજકોટના પટેલ કારખાનેદાર દ્વારા પોતાની જમીનમાં કારખાનુ બનાવવામાં આવી રહ્યું હોઇ તેની માપણી વખતે બાજુમાં આવેલા પટેલના ખેતરની જમીન દસેક ફુટ દબાતી હોવાની વાતે માથાકુટ થયાનું ચર્ચાય છે. મારામારીમાં ઘાયલ થયેલા ત્રણને ખાનગી હોસ્પિટલમાં  ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ રહેતાં અને ગઢકામાં જમીન ધરાવતાં અનિલભાઇ લાલજીભાઇ ઠુમ્મર પોતાની જમીન બીનખેતી કરાવી ત્યાં કારખાનુ ઉભુ કરાવી રહ્યા છે. આ જમીનની માપણી વખતે બાજુમાં ખેતર ધરાવતાં રાજકોટના હિેરનભાઇ કોઠારીને પોતાની જમીન દસેક ફુટ દબાઇ ગયાનું જણાતાં તેણે આ અંગે અનિલભાઇ સાથે ચર્ચા કરી હતી. દરમિયાન આજે આ જ મુદ્દે ફરીથી બંને વચ્ચે ચડભડ થતાં વાત વણસી હતી. જેમાં સળીયા-ધોકાથી મારામારી થતાં અનિલભાઇ ઠુમ્મર તથા તેના પિતા લાલજીભાઇ ઠુમ્મરને હાથમાં ઇજા થઇ હતી. તેમજ તેના મજુરોને પણ માર મારવામાં આવ્યો હતો. સામેના જુથ તરફથી હવામાં ફાયરીંગ થયાનો આક્ષેપ ઠુમ્મર જુથ તરફથી કરવામાં આવતાં આજીડેમના ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડ, પીએસઆઇ કડછા, કાળુભાઇ ગામેતી, મહાવીરસિંહ, જનકસિંહ, વિક્રમભાઇ, જયેન્દ્રભાઇ સહિતનો કાફલો પહોંચ્યો હતો.

ઇન્ચાર્જ એમ. જે. રાઠોડના કહેવા મુજબ જમીનના શેઢાની તકરાર છે. ફાયરીંગ થયાની વાત જણાવાઇ હોઇ અમે એફએસએલની મદદ લઇ તપાસ કરી રહ્યા છીએ.

બીજી તરફ હિરેન વિનોદભાઇ કોઠારી (ઉ.૨૬-રહે. રાજ રેસિડેન્સી, નાના મવા સર્કલ શેરી નં. ૨), પ્રવિણભાઇ કરસનભાઇ કોઠારી (ઉ.૩૨-રહે. ગુરૂકૃપા સોસાયટી-૨, નહેરૂનગર ૮૦ ફુટ રોડ) તથા દિવ્યેશ રણછોડભાઇ કોઠારી (ઉ.૨૨-રહે. લાલ પાર્ક-૩, બોલબાલા માર્ગ) કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલમાં દાખલ થયા છે. તેણે ગઢકા રોડ પર આર. કે. કોલેજ પાસે હતાં ત્યારે પોતાના પર સળીયાથી હુમલો થયાનું જણાવતાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયા છે. આ અંગે આજીડમ પોલીસને જાણ કરવામાં આવી છે.

(4:17 pm IST)