Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બરતરફ પોલીસમેનના કેસમાં પોલીસ કમિશ્નર સામે જંગમ મિલ્કત જપ્તી અંગે થયેલ હુકમને યોગ્ય ઠરાવાયો

પોલીસમેન સામે ખાતાકીય તપાસ અને વોરંટ મોકુફ રાખવાની માંગણી હાઈકોર્ટે ફગાવી

રાજકોટ, તા. ૧૯ :. પોલીસ કમિશ્નર સામે જંગમ મિલ્કત જપ્તિ વસુલાત કરવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વ્યાજબી ઠરાવતો હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં પૂર્વ પોલીસ કર્મચારી મહમદહનીફ અબ્દુલ સીંધીને નાયબ પોલીસ કમિશ્નર ટી.એસ. બીસ્ટ દ્વારા ખાતાકીય તપાસ કર્યા વગર નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ.

આ પોલીસ કર્મચારીએ બરતરફનો હુકમ ગેરકાયદેસર હોય જેથી સીવીલ અદાલતમાં દાવો કરેલ જે દાવો મંજુર કરવામાં આવેલ અને પોલીસ ખાતાને એવો હુકમ ફરમાવેલ કે આ કર્મચારી સામે ખાતાકીય તપાસ કરવા માંગતા હોય તો ત્રણ માસની અંદર તપાસ કરવી.

સરકારશ્રીએ નીચેની અદાલતના હુકમ સામે ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરેલ જે સને ૨૦૦૭ અપીલ રદ કરીને નીચેની અદાલતનો હુકમ કાયમ રાખવામાં આવેલ. સરકારશ્રીએ સેકન્ડ અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ જે સેકન્ડ અપીલ જાન્યુઆરી-૨૦૧૯માં રદ કરવામાં આવેલ હતી.

સરકારશ્રીએ અદાલતના ત્રણે હુકમોનં પાલન કરેલ નહી જેથી દરખાસ્તની કાર્યવાહી કરીને તેઓનો ચડત પગાર તથા અન્ય લાભો વસુલ કરવા માટે કાર્યવાહી કરેલ જેમા નામ. સીવીલ અદાલતે કર્મચારીનો ચડત પગાર તથા લાભો પોલીસ કમિશ્નર કચેરીની જંગમ મિલ્કતો દ્વારા વસુલ કરવા માટે જંગમ વોરંટ કાઢી આપવામાં આવેલ.

સરકારશ્રીએ ગુજરાત હાઈકોર્ટમાં ખાતાકીય તપાસ કરવા માટેની પરવાનગી અરજી તથા જંગમ વોરંટ મોકુફ રાખવા માટેની કાર્યવાહી કરેલ જે બન્ને પક્ષકારોને સાંભળીને સરકારશ્રીની માંગણી નામંજુર કરવામાં આવેલ છે. આ કર્મચારી કાનૂની પ્રક્રિયામાં ઘણો લાંબો સમય પસાર થયેલ હોય તેમજ તેઓની નિવૃતિની વય થઈ ગયેલ હોય જેથી ખાતાકીય તપાસની પરવાનગી આપી શકાય નહી તેમજ નીચેની અદાલતે ખાતાકીય તપાસની પરવાનગી આપેલ જે સંબંધે સને ૨૦૦૬થી ૨૦૧૯ સુધી કોઈ કાર્યવાહી કરેલ ન હોય જેથી આ પ્રકારની માંગણી જ્યારે અપીલના તબક્કે માંગેલ ન હોય ત્યારે ખાતાકીય તપાસની પરવાનગી આપી શકાય નહીં જેથી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી બી.કે. કારીયાએ જંગમ વોરંટ મોકુફ રાખવાથી માંગણી નામંજુર કરેલ તેમજ ખાતાકીય તપાસ કરવા માટેની પરવાનગી પણ રદ કરવામાં આવેલ છે.

આ પોલીસ કર્મચારી તરફે એડવોકેટ દરજ્જે લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી રોકાયેલા હતા.

(3:33 pm IST)