Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઇન્ટરનેશનલ પોલીસ એકસપોમાં રાજકોટ પોલીસની 'સુરક્ષા કવચ' એપ્લીકેશનને એકસીલેન્સ એવોર્ડ

રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તારના હિસ્ટ્રીશીટર, ટપોરી, બૂટલેગર સહિતના ગુનેગારોની માહિતી પોલીસને ફિંગરટીપ ઉપર મોબાઇલમાં સરળતાથી મળતી કરવામાં ઉપયોગી રાજકોટ પોલીસની સુરક્ષા કવચ એપ્લીકેશનને પોલીસ એકસીલેન્સ એવોર્ડ-૨૦૧૯થી નવાજવામાં આવી છે. ઇન્ટરનેશનલ પોલીસ એકસ્પોમાં આ એવોર્ડ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્વીકાર્યો હતો.

આ એપ્લીકેશનના ઉપયોગથી મિલ્કત સંબંધી ગુનાઓ અને શરીર સંબંધી ગુનાઓમાં   સંડોવાયેલા માથાભારે શખ્સો અને ચોર-ચપાટીયાઓને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે.

'આંતરરાષ્ટ્રીય પોલીસ એકસ્પો' એ એવું પ્લેટફોર્મ છે જેમાં જુદા-જુદા દેશની પોલીસ અને આર્મ્ડ ફોર્સના પ્રતિનિધિઓ તેમના ક્ષેત્રમાં થયેલા સંશોધનો, ટેકનોલોજીના સુધારાઓ અને આધુનિક સાધન સામગ્રી વિશે માહિતીની આપ-લે કરે છે.

સુરક્ષા કવચ એપ્લીકેશનની મદદથી લિસ્ટેડ ગુનેગારોને સતત પોલીસ તપાસતી રહેતી હોવાથી પાછલા વર્ષોની સરખામણીએ ઘરફોડ ચોરીના અને શરીર સંબંધી ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આ એપ્લીકેશનનો આરોપીઓને ચકાસવા ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રાજકોટ પોલીસને સોૈ પ્રથમ ટેકનિકલ ક્ષેત્રનો આ એવોર્ડ મળ્યો છે.

(3:32 pm IST)