Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સ્વાધ્યાય પરિવારમાં ન જોડાતાં વૈશાલી ગઢીયા પર અનહદ ત્રાસઃ દેહશુધ્ધ કરવા ગરમ ઘી અને સિંધાલુણ પીવડાવ્યા!

બીસીએ સુધીનો અભ્યાસ કરેલી પટેલ પરિણીતાને ધાર્મિકતા પસંદ ન હોઇ તેને સંસ્કાર વગરની કહી સતત મેણાટોણા માર્યા : ટીવી જોવા બેઠી હોય તો દિયર ટીવી બંધ કરી સ્વાધ્યાયના પુસ્તકો વાંચવા દબાણ કરતોઃ તેણીના માતા-પિતાને પણ સ્વાધ્યાયમાં જોડાવા, સેવા આપવા સાસરિયા દબાણ કરતાં...વૃક્ષ મંદિરે જવાની ના પાડતાં કાઢી મુકી! : હાલ બેડીપરામાં માવતરે રહેતી પરિણીતાની કુવાડવા રોડ રઘુવીર પાર્કમાં રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ચોંકાવનારી ફરિયાદ

રાજકોટ તા. ૧૯: બેડીપરામાં માવતર ધરાવતી અને કુવાડવા રોડ પર સાસરૂ ધરાવતી તેમજ બીસીએનો અભ્યાસ કરી ચુકેલી લેઉવા પટેલ યુવતિએ લગ્ન બાદ સાસરિયાની સ્વાધ્યાય પ્રવૃતિમાં સામેલ ન થતાં તેણીને સંસ્કાર વગરની કહી ત્રાસ ગુજારી તેમજ જમીનનો પ્લોટ લઇ દેવા પિતાને જણાવવાનું કહી દહેજ માંગવામાં આવતાં અને છેલ્લે એક વર્ષ પહેલા સ્વાધ્યાય પ્રવૃતિમાં વૃક્ષ મંદિરે જવાની ના પાડતાં તેણીને કાઢી મુકવામાં આવતાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે મહિલા પોલીસે હાલમાં એકાદ વર્ષથી બેડીપરા ચોરા સામે સિતારામ રોડ પર હિન્દુસ્તાન ઓટો સર્વિસ સામે પિતાના ઘરે રહેતી પટેલ પરિણીતા વૈશાલીબેન અભિષેક ગઢીયા (ઉ.૨૫)ની ફરિયાદ પરથી  કુવાડવા રોડ અલ્કા પાર્ક-૨ની સામે રઘુવીર પાર્ક-૨ બંધ શેરીમાં રહેતાં તેણીના પતિ અભિષેક, સસરા દિનેશભાઇ માવજીભાઇ ગઢીયા, સાસુ દયાબેન, દિયર પાર્થ અને નણંદ કંચન નિલેષ ખુંટ સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૧૧૪ તથા દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

વૈશાલીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા અભિષેક સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. મારે સંતાન નથી. મેં બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. મારા પિતાનું નામ લલીતભાઇ ગજેરા છે. લગ્ન બાદ મને આઠેક મહિના સારી રીતે રાખવામાં આવી હતી. મારા પતિ તથા બીજા બધા પરિવારજનો એકદમ ધાર્મિક છે અને આ બધા સ્વાધ્યાય પરિવારમાં માને છે. તેઓ મને પણ પરાણે સ્વાધ્યાય પરિવારમાં સાથે  લઇ જવા દબાણ કરતાં હતાં. મને આવી ધાર્મિકતા ગમતી ન હોઇ હું ના પાડુ તો મને 'તું સાવ સંસ્કાર વગરની છો, તારી માએ તને સંસ્કાર આપ્યા જ નથી' તેમ કહી મેણાટોણા મારી ઉતારી પાડતાં હતાં. હું ટીવી જોવા બેઠી હોઉ તો મારો દિયર પાર્થ ટીવી બંધ કરી દેતો અને મને સ્વાધ્યાયના પુસ્તકો વાંચવા દબાણ કરતો હતો. સાસુ-સસરા એટલા ધાર્મિક હતાં કે મારા મમ્મી-પપ્પાને પણ પરાણે સ્વાધ્યામમાં આવવા અને સેવા આપવા દબાણ કરતાં હતાં.

વૈશાલીબેને આગળ જણાવ્યું છે કે કયારેક મારી તબિયત ખરાબ હોય તો પણ પતિ સંભાળ લેતા નહિ. હું બધુ સહન કરતી. એક દિવસ આ બધાએ 'આ સંસ્કાર વગરની છે, આનો દેહ શુધ્ધ કરવો પડશે' તેમ કહી ગરમ ઘીમાં સિંધાલુણ નમક ભેળવીને પરાણે પીવડાવી દીધું હતું. જેથી મને ઝાડા-ઉલ્ટી થઇ જતાં મને દવાખાનામાં દાખલ કરી એ બધા સ્વાધ્યાયમાં જતા રહ્યા હતાં. ઘરકામમાં પણ તું નમાલી છો, તારી માએ કામ શીખવ્યું નથી...તેમ કહી સાસુ વારંવાર ઉતારી પાડતાં હતાં. તેમજ તારા મા-બાપે મિકસચર, બ્લેન્ડર જેવી વસ્તુઓ આપી નથી...તારો બાપ બહુ પ્લોટો પાડે છે, તેને કે એકાદ પ્લોટ આપણને આપે...તેમ કહી પ્લોટની માંગણી કરતાં હતાં. મારા ભેગા થયેલા પૈસા મારા પતિ વાપરી નાંખતો હતો. આ કારણે ઘરમાં વાતાવરણ તંગ રહેતું હતું.

આગળ જણાવ્યું છે કે મારી માસીજીની દિકરી કંચનબેન અવાર-નવાર ઘરે આવી મને મેણાટોણા મારીને કહેતી કે તું ઘરને લાયક નથી, તને તો દારૂડીયો પતિ મળ્યો હોત તો સારુ હતું. આમ સતત ત્રાસ હતો. આજથી એક વર્ષ પહેલા મને સ્વાધ્યાય પરિવારમાં બધાએ પરાણે વૃક્ષ મંદિરે લઇ જવાનું કહેતાં મેં ના પાડતાં મને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારથી હું મારા માવતરને ત્યાં રહુ છું. અમે સમાધાનના પ્રયાસ કર્યા પરંતુ તેડવા આવતાં ન હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ અંતમાં વૈશાલીબેને એફઆઇઆરમાં જણાવતાં પી.આઇ. મેડમ એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ મેડમ એન. બી. ડોડીયાએ તપાસ શરૂ કરી છે.

(1:14 pm IST)