Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ડાયાબીટીસના બાળ દર્દીઓ માટે રાજકોટમાં યોજાયો મેગા કેમ્પ

ઓલ બોડી તપાસ અને સારવાર નિઃશુલ્ક : જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા તમામ બાળકોને રૂ.૧૨૦૦ ના મુલ્યની કીટ અર્પણ : વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા પણ અનુદાન

રાજકોટ તા. ૧૯ : જુવેનાઇલ ડાયાબીટસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા તાજેતરમાં બે દિવસીય મેગા નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. જેમાં ડાયાબીટીસના સંપૂર્ણ ચેકઅપથી લઇને ઉપયોગી સીરીન્જ, પેન નીડલ, ગ્લુકોમીટર, સ્ટ્રીપ, ઇન્સ્યુલીનનું વિતરણ કરાયુ હતુ.

ઉલ્લેખનીય છે કે જુવેનાઇલ ડાયાબીસ  ફાઉન્ડેશન એ નાની ઉંમરના બાળકો કે જેઓને ટાઇપ-૧ ડાયાબીટીસ હોય તેમના માટે કામ કરતી સંસ્થા છે. આજથી ૧૫ વર્ષ પહેલા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અપુલ દોશીના ૪ વર્ષના પૂત્ર ઋત્વીકને ડાયાબીટીસનું નિદાન થતા તેની પીડા અને વેદનાથી દ્રવીત થઇને આ સંસ્થાના બીજ રોપવામાં આવેલ. પ ડાયાબીટીક બાળકોની શરૂ થયેલ આ સંસ્થામાં આજે ૧૨૦૦ થી વધુ સભ્ય સંખ્યા છે.

સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન આંખ, દાત, કીડનીના ચેકઅપ અને સારવાર તેમજ અવેરનેશ કેમ્પ તેમજ સમયાંતરે પીકનીક, સંગીત સંધ્યા, જાદુના શોનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે તાજેતરમાં બે દિવસીય મેગા ચેકઅપ કેમ્પ શ્રી ધર્મજીવનદાસજી ગુરૂકુળ હોસ્પિટલના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ૨૫૦ જેટલા ડાયાબીટીસથી પીડાતા બાળકોનું ઓલ બોડી ચેકઅપ અને સારવાર કરવામાં આવેલ. જયારે બીજા દિવસે સવારથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ૩૦૦ જેટલા ડાયાબીટીક બાળકોને સારવાર અપાઇ હતી.

રાજકોટના એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. નિલેશ દેત્રોજા (હાર્મની હોસ્પિટલ) અને ડો. પંકજ પટેલ (એપેક્ષ હોસ્પિટલ) તેમજ પીડીયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. ઝલક ઉપાધ્યાય તથા અન્ય તબીબોની ટીમે બન્ને દિવસ તપાસ સારવારની સેવા આપેલ.

કાર્યક્રમમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી રાધારમણ સ્વામી, વિવેક સ્વામીએ આશીર્વચનો આપી કેમ્પ ખુલ્લો મુકયો હતો. જાણીત ક્રિકેટર જયદેવ ઉનડકટે ડાયાબીટીક બાળકો પ્રત્યે સંવેદના વ્યકત કરી માતબર રકમનું અનુદાન જાહેર કર્યુ હતુ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરીના ડો. જે. પી. ભટ્ટે પણ રસાળ શૈલીમાં વકતવ્યા આપી બાળકો અને તેમના વાલીઓને બીરદાવ્યા હતા. આ તકે અશોક ગોંધીયા મેમો.ટ્રસ્ટ દ્વારા પણ અનુદાન જાહેર કરાયુ હતુ.

સેલ્ફ ફાઇનાન્સ સ્કુલના ઓનર અજયભાઇ પયટેલ (ન્યુએરા સ્કુલ), જતીનભાઇ ભરાડ (ભરાડ સ્કુલ), મનવીરભાઇ કુગશીયા (સત્યપ્રકાશ હાઇસ્કુલ), દીલીપભાઇ સિંહાર (સિંહાર સ્કુલ) એ ઉપસ્થિત રહી સમગ્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસોસીએશન તરફથી શહેરની ૩૫૦ જેટલી શાળાનોનો આવા કાર્યક્રમ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. બાલાજી વેફર દ્વારા ૧ લાખનું અનુદાન જાહેર કરાયુ હતુ.

કેમ્પમાં બાળદર્દીઓને પ્રોત્સાહીત કરવા રમેશભાઇ રાચ્છ, પ્રફુલભાઇ રવાણી, ડો. વિભાકર વચ્છરાજાની, ભરતભાઇ સોનપાલ, મનોજભાઇ ડેલીવાળા, જીતુભાઇ દોશી, પુજાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભે સ્વાગત પ્રવચન સંસ્થાના ટ્રસ્ટી અપુલ દોશીએ કરેલ અને સંસ્થાનો પરીચય રજુ કર્યો હતો. કેમ્પના બન્ને દિવસ માટે સંસ્થા દ્વારા નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સંસ્થા તરફથી દરેક બાળકને રૂ.૧૨૦૦ ના મુલ્યની ડાયાબીટીસમાં ઉપયોગી સીરીન્જ, પેન નીડલ, સ્ટ્રીપ, લાન્સેટ વગેરેનું વિતરણ કરાયુ હતુ. છેલ્લે ઉપસ્થિત તમામને વ્યસન મુકિતના સપણ લેવડાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.

(1:14 pm IST)