Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

શહેર પોલીસે વ્રતધારી બહેનોને સુરક્ષીત જાગરણ કરાવ્યું...વગર કારણે ઉજાગરા કરવા નીકળી પડેલા બાબુડીયાઓને પદાર્થ પાઠ

ગુરૂવારે રાતે જયાપાર્વતીના જાગરણ નિમીતે શહેર પોલીસે રેસકોર્ષ રીંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ રીંગ રોડ સહિતના સ્થળો પર સજ્જડ બંદોબસ્ત ગોઠવી વ્રતધારી બહેનોને સુરક્ષા પુરી પાડી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના મુજબ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા પોતે જ ટીમ લઇને ખાસ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં અને એન્ટી રોમિયો ડ્રાઇવ યોજી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વ્રતધારી બહેનોએ સવાર સુધી જાગરણ કર્યુ હતું. ખાસ કરીને રેસકોર્ષ રીંગ રોડ પર જાણે રાત્રે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. પોલીસે સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ચાલુ રાખ્યું હતું. પહેલેથી જ ચેતવણી અપાઇ હતી કે વગર કારણે ઉજાગરા કરવા નીકળનારા સામે પગલા લેવામાં આવશે. આમ છતાં અમુક યુવાન બાબુડીયાઓ સમજ્યા નહોતાં અને જાગરણ સાથે કંઇ લેવા દેવા ન હોવા છતાં બાઇક લઇને નીકળી પડ્યા હતાં. આવા કેટલાક યુવાનો ઝપટે ચડી જતાં તેને ઉઠક-બેઠક કરાવી પદાર્થ પાઠ ભણાવી ઘરે જઇ સુઇ જવા સાનમાં સમજાવાયા હતાં. પોલીસે વાહન ચેકીંગ તેમજ એકલા નીકળનારા યુવાનોને અટકાવી બ્રેથ એનલાઇઝરથી તેણે નશો કર્યો છે કે નહિ? તેની પણ તપાસ કરી હતી. વ્રતધારી બહેનો અને તેમના પરિવારજનોએ પોલીસની કામગીરીને વખાણી હતી. તસ્વીરમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા તેમની ટીમો જોઇ શકાય છે. વાહન ચેકીંગ તથા બ્રેથ એનલાઇઝર ટેસ્ટ અને વગર કારણે ઉજાગરા કરવા નીકળી પડેલા યુવાનોને ઉઠક બેઠક કરાવાઇ હતી તે દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:13 pm IST)