Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગાંધીગ્રામમાં શિવપરાના આકાશ ભીલને ૪ શખ્સોએ રહેંસી નાંખ્યો હત્યા કરનારા તમામ રૈયાના વતનીઃ ઘરેથી ફરારઃ તેના પરિવારજનોની પુછતાછ

જાગરણની રાતે લોથ ઢળીઃ નાણાવટી ચોકમાં ઉભેલા શિવપરાના યુવાન સાથે રૈયાના મુસ્લિમ શખ્સનું એકટીવા અથડાયા બાદ શરૂ થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી :આશિષ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૨૫) જાસલ કોમ્પલેક્ષ પાસે ઉભો'તો ત્યારે શહેજાદ ઉર્ફ નવાબ અને વિનયનું એકટીવા તેની સાથે અથડાતાં તે પડી ગયોઃ ઝઘડો થતાં શહેજાદે ફોન કરી ફૈઝલ અને અંકિતને બોલાવ્યાઃ એ પછી ફૈઝલ, વિનય અને અંકિતે આકાશને પકડી રાખ્યો અને શહેજાદે પીઠ, છાતી, બેઠક તેમજ માથામાં ખચાખચ :છરીના ઘા ઝીંકી દીધાઃ હોસ્પિટલે મૃતદેહ જ પહોંચ્યો

જ્યાં ભીલ યુવાન આકાશ રાઠોડની હત્યા થઇ તે નાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષ પાસેની જગ્યા, આકાશનો નિષ્પ્રાણ દેહ તથા તેનો ફાઇલ ફોટો તેમજ નીચેની તસ્વીરમાં શિવપરામાં આવેલું તેનું રહેણાંક અને વિગતો જણાવતાં તેના મોટા ભાઇ આશિષભાઇ રાઠોડ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક શિવપરામાં રહેતાં ૨૫ વર્ષના ભીલ યુવાનની મોડી રાત્રે એકાદ વાગ્યે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં વાહન અથડાવા જેવી બાબતમાં ચાર શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. હત્યાનો ભોગ બનનાર યુવાન પણ અગાઉ હત્યા, લૂંટ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હતો. રાત્રીના તે નાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષ પાસે ઉભો હતો ત્યારે તેની સાથે ડબલ સવારીવાળુ એકટીવા અથડાતાં તેના ચાલક મુસ્લિમ શખ્સને ધ્યાન રાખવાનું કહેતાં બોલાચાલી થઇ હતી અને મુસ્લિમ શખ્સે બીજા મિત્રોને બોલાવી હુમલો કરી લોથ ઢાળી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક જલારામ પ્રોવિઝન સ્ટોર વાળી શેરી નં. ૨માં રહેતાં આકાશ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૨૫) નામના ભીલ યુવાન પર મોડી રાત્રે નાણાવટી ચોકમાં ચારેક શખ્સોએ છરીના ઘા કરતાં મિત્રોએ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

હત્યાના બનાવની જાણ થતાં જ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘૂઘલ, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે હત્યાનો ભોગ બનેલા આકાશના મોટા ભાઇ આશિષ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૨૮)ની ફરિયાદ પરથી શહેજાદ ઉર્ફ નવાબ, ફૈઝલ, અંકિત મુસલમાન અને વિનય નામના ચાર શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૧૩૫ (૧) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ચારેય રૈયા તરફ રહે છે. આશિષે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે શિવપરા-૨માં રહુ છું અને છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવું છું. મારા ીપતાનું એકવીસ વર્ષ પહેલા અવસાન થયું હતું. માતાનું નામ હંસાબેન છે. અમે બે ભાઇ અને એક બહેનમાં આકાશ સોૈથી નાનો અને કુંવારો હતો. બહેન કોમલબેન સાસરે છે. મારા પત્નિનું નામ પારૂલ છે અને મારે સંતાનમાં એક દિકરી છે.

ગુરૂવારે જાગરણની રાતે દોઢેક વાગ્યે હું, મારા બહેન, બનેવી નવીનભાઇ રાજેન્દ્રભાઇ તથા માતા અને પત્નિ ઘરે હતા, અને જાગરણ હોવાથી જાગતા હતાં. ત્યારે આકાશનો મિત્ર સદામ અમારા ઘરે આવ્યો હતો અનેે મને કહ્યું હતું કે આકાશને નાણાવટી ચોકમાં ઝઘડો થયો છે અને તેને છરી લાગી જતાં મિત્ર અંકિત તેને ઓટો રિક્ષામાં સરકારી દવાખાને લઇ ગયો છે. આથી હું તથા મારા બનેવી હોસ્પિટલે પહોંચ્યા હતાં અને કેસ કઢાવી આકાશને ઇમર્જન્સી વિભાગમાં લઇ ગયા હતાં. પરંતુ થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યો હોવાનું ડોકટરે જાહેર કર્યુ હતું.

મેં બનાવ બાબતે અંકિતને પુછતાં અંકિતે કહ્યું હતું કે-હું તથા બીજા મિત્રો નીરેન, આકાશ એમ બધા રાતે નાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષની સામે ડિલકસ પાન નામની દૂકાને ફાકી ખાવા ઉભા હતાં. આ વખતે જાસલ કોમ્પલેક્ષમાં એરટેલની ઓફિસ પાસે આકાશ તથા સદામ ઉભા હતાં. એ દરમિયાન રાત્રીના એકાદ વાગ્યે શહેજાદ ઉર્ફ નવાબ અને વિનય ડબલ સવારીમાં એકટીવામાં આવ્યા હતાં અને તેનું એકટીવા આકાશ સાથે અથડાતાં તે પડી ગયો હતો. જે કારણે આકાશને આ બંને સાથે બોલાચાલી થઇ હતી. હું બંનેને ઓળખતો હોઇ ત્યાં જઇ ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં અને છુટા પાડ્યા હતાં.

પરંતુ નવાબે સાઇડમાં જઇ ફોન પર વાત કરી હતી. ત્યાં થોડીવારમાં નવાબના બીજા બે મિત્રો ફૈઝલ અને અંકિત આવી ગયા હતાં. આ ચારેયે મળી આકાશ સાથે મારામારી શરૂ કરી હતી. નવાબે છરી કાઢી હતી અને ફૈઝલ, અંકિત તથા વિનયે આકાશને પકડી લીધો હતો. એ પછી નવાબ છરીથી તૂટી પડ્યો હતો અને આકાશને છાતીના ભાગે, પીઠના ભાગે, બેઠકના ભાગે અને માથાના ભાગે છરીના ઘા મારી દેતાં તે લોહીલુહાણ થઇ પડી ગયો હતો. બાદમાં શહેજાદ સહિત ચારેય જણા ભાગી ગયા હતાં. મેં આકાશને રિક્ષા ત્યાં ઉભી હોઇ તેમાં બેસાડી દીધો હતો અને તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. તેમજ સદામને તમારા ઘરે જાણ કરવા મોકલ્યો હતો.

ઉપરોકત વાત મૃતકના મિત્ર અંકિતે મૃતકના ભાઇ આશિષ રાઠોડને જણાવતાં તે મુજબ આશિષે પોલીસને વિગતો આપતાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓને શોધવા રાતભર દોડધામ કરી હતી પરંતુ હાથમાં આવ્યા નહોતાં. હત્યા કરનારા તમામ રૈયા ગામમાં રહે છે. તેને શોધી કાઢવા તપાસ યથાવત રખાઇ છે. યુવાન દિકરાના હત્યાની બનાવથી ભીલ પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હત્યાનો ભોગ બનનાર આકાશ બે ભાઇ એક બહેનમાં નાનો અને કુંવારો હતો

આટો મારીને આવું...કહીને ઘરેથી નીકળ્યો એ પછી પરિવારજનોને હત્યા થયાના વાવડ મળ્યા

. હત્યાનો ભોગ બનેલો ભીલ યુવાન આકાશ રાઠોડ બે ભાઇ અને એક બહેનમાં સોથી નાનો અને અપરિણીત હતો. તેના પિતા હયાત નથી. પોતે માતા, ભાઇ, ભાભી સહિતના પરિવારજનો સાથે રહેતો હતો અને કારખાનામાં છુટક મજૂરી કરતો હતો. રાત્રે તેના બહેનને જાગરણ હોઇ બહેન-બનેવી પણ તેના ઘરે જાગરણ કરવા આવ્યા હતાં. તે ઘરેથી આટો મારવા જવાનું કહીને નીકળ્યો હતો અને દોઢેક વાગ્યે તેના પર હુમલો થયાની જાણ પરિવારજનોને તેના મિત્ર મારફત થઇ હતી.

જેની હત્યા થઇ એ આકાશ પણ અગાઉ હત્યા, લૂંટમાં સંડોવાઇ ચુકયો હતોઃ દસેક મહિના જેલમાં પણ રહ્યો હતો

. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે જેની હત્યા થઇ એ શિવપરાનો આકાશ રાઠોડ પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયો હતો. ત્રણ-ચાર વર્ષ પહેલા કેટલાક શખ્સોએ સાધુ વાસવાણી રોડ પર હત્યા કરી હતી. જેમાં તે સહઆરોપી હતી અને દસેક મહિના જેલમાં રહ્યા બાદ છુટકારો થયો હતો. આ ઉપરાંત સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં એક શખ્સ સાથે લૂંટના ગુનામાં પણ તે સામેલ હતો. બે ત્રણ દિવસ પહેલા જ આકાશે પોતે જ્યાં રહે છે ત્યાં પડોશમાં કોઇ સાથે માથાકુટ કરતાં પોલીસમાં અરજી થતાં આકાશ સામે પોલીસે ૧૫૧ હેઠળ અટકાયતી પગલા લીધા હતાં.

(4:18 pm IST)
  • ગુજરાતની સુપ્રસિદ્ધ કર્ણાવતી કલબના ૨ સભ્યો ઉપર હુમલો : કલબ મેમ્બરની મોટરના કાચ તોડ્યા : વિરોધી પેનલ ઉપર આક્ષેપ : પૂર્વ સેક્રેટરી રાજીવ પટેલની કાર ઉપર પથ્થરમારો થયો : મનોજ ડાંગરીયાની કારના કાચ પણ તોડ્યા access_time 4:12 pm IST

  • અમદાવાદ શ્યામલ પાસે આવેલ હરિ જવેલર્સને દંડ : ફૂટપાથ ઉપર દબાણ કરવા બદલ રૂા.૧ લાખનો દંડ : એએમસી દક્ષિણ પશ્ચિમ ઝોન જોઈન્ટ એન્ફોર્સ ટીમની કામગીરી access_time 6:21 pm IST

  • પાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ :ફરીવાર સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન :જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું :પાકિસ્તાને મોર્ટારમારો કર્યો :સરહદી ગામડાને નિશાન બનાવ્યા access_time 1:32 am IST