Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ટ્રાન્સપોર્ટ હડતાલઃ રાજકોટની ઓટોમોબાઈલ પાર્ટસ - ફોર્જીંગ કંપનીઓ ચિંતાતૂરઃ ઝડપથી 'માલ' પહોંચતો કરવા ભારે દોડધામ

કાલથી સિમેન્ટ-સિરામીકનું વહન પણ અટકી જશેઃ બાંધકામ ઉદ્યોગ ઠપ્પ પડવાની ભીતિ :હજારો મજુરોની રોજની રોજીરોટી ઉપર મોટી અસર પડશેઃ હડતાલ ન પડે તે માટે મોટાપાયે કેન્દ્ર ઉપર દબાણ : ટ્રાન્સપોર્ટ પરીવહન ઠપ્પ થવાથી સરકાર ઉપરાંત દેશની નાની-મોટી તમામ કંપનીઓને રોજનું કરોડો-અબજોનું નુકશાનઃ દેકારો બોલી ગયો...

રાજકોટ, તા. ૧૯ :. આવતીકાલથી રાજકોટ સહિત દેશભરમાં બે મુદ્દતી ટ્રાન્સપોર્ટ હડતાલ શરૂ થઈ રહી છે. દૂધ - શાકભાજી - જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેરને મુકિત અપાઈ છે, પરંતુ અન્ય તમામ વસ્તુની હેરફેર અટકી જવાની ભીતીએ અન્ય તમામ ઉદ્યોગો ચિંતાતૂર થઈ ગયા છે. એક તો જીએસટીનો માર, મોંઘવારી અને ઉપર જતા મંદીનો માહોલ હોય નાની-મોટી હજારો વસ્તુનું ઉત્પાદન કરતા નાના-મોટા ઉદ્યોગોના માલિકો ભારે ચિંતામાં આવી ગયા છે.

એકલા રાજકોટની જ વાત કરીએ તો, ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે રાજકોટની દેશ-વિદેશમાં વિખ્યાત અને દુનિયાભરમાં રાજકોટનું નામ ગાજતુ કરનાર ઓટોમોબાઈલ પાર્ટસ બનાવતી કંપનીઓ - ફોર્જીંગ કંપનીઓ, રાજકોટનો ઓઈલ એન્જીન ઉદ્યોગ અને તેના પાર્ટસ બનાવતી સંલગ્ન કંપનીઓના માલિકો ચિંતાતૂર છે. આજ રાત કે કાલે વહેલી સવાર સુધીમાં માલ પહોંચતો કરવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે. આવી જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છનો સિમેન્ટ ઉદ્યોગ, રેતી-કપચી ઉપરાંત મોરબીનો સિરામિક ઉદ્યોગ, ટાઈલ્સ, મોરબી ઘડિયાલ ઉદ્યોગ વિગેરેનું વહન કાલથી અટકી જવાનો ભય હોય, જેટલા બુકીંગ થાય તે આજે કરી નજીકના અંતરે માલ પહોંચાડવા દોડધામ કરી રહ્યા છે, તો સ્ટેશનરી - મશીનરી ઉદ્યોગ પણ ઠપ્પ થવાની ભીતિ ઉદભવી છે. હાલ રાજકોટ-સૌરાષ્ટ્રમાં સેંકડો બિલ્ડીંગો બની રહ્યા છે. તે ઠપ્પ થવાનો ભય ઉભો થયો છે અને આને કારણે હજારો મજુરોની રોજીરોટી ઉપર અસર પડશે.

એકલા રાજકોટમાં ૨૦૦થી વધુ વે બ્રીજના ધંધાર્થીઓ છે. દરેક સ્થળે રોજના ૫૦ થી ૧૦૦ જેટલા ખાલી અને માલ ભરેલા ટ્રક-ટેમ્પોનું વજન થતુ હોય છે. તેમના ધંધા ઉપર મોટી અસર કાલથી જોવા મળશે.

ટ્રાન્સપોર્ટ પરીવહન ઠપ્પ થવાથી સરકાર ઉપરાંત દેશની નાની-મોટી તમામ કંપનીઓ ખુદ ટ્રાન્સપોર્ટરોનો રોજનો કરોડો-અબજોનું નુકશાન જશે. આ સંદર્ભે મોટી કંપનીઓ-ધંધાર્થીઓમાં  દેકારો બોલી ગયો છે.

કેન્દ્ર સરકાર ઉપર તડાપીટ બોલી છે, સરકાર તાકિદે સમાધાન કરે, હડતાલ નો પડે તેવો રસ્તો કાઢી તે માટે મોટી કંપનીઓ અને દેશભરમાંથી કેન્દ્ર સરકાર ઉપર મોટાપાયે દબાણ શરૂ થયાનું ઉચ્ચત્તમ વર્તુળોએ ઉમેર્યુ હતું.(૨-૧૩)

(3:56 pm IST)