Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પોલીસ સાથે ગેરવર્તનની એક જ દિવસમાં બે ઘટના

સિવિલ હોસ્પિટલના એએસઆઇ સાથે તબિબે ઉધ્ધત વર્તન કર્યુઃ પછી લેખિતમાં માફી માંગી

અકસ્માતમાં ઘવાયેલા મહિલાના મૃત્યુની કલાક પછી જાણ કરતાં જગુભા ઝાલાએ કારણ પુછતાં તબિબ તાડુકયાઃ પી. આઇ.ને. લેખિતમાં જાણ કરાઇ

રાજકોટ તા. ૧૯: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે સ્ટાફ અને તબિબ દ્વારા ઘણીવાર અયોગ્ય વર્તન થતું હોવાની વાતો સામે આવતી રહે છે અને આ કારણે તબિબો તથા દર્દી કે દર્દીના સગાઓ વચ્ચે માથાકુટ પણ થતી રહી છે. પણ હવે તો પોલીસ સાથે પણ તબિબો ગેરવર્તન કરતાં થઇ ગયા છે. ગઇકાલે બપોરે એ-ડિવીઝનના પીએસઆઇ સાથે ટ્રોમા કેર સેન્ટરમાં એક તબિબે દર્દી બેડ પર ન હોઇ તે બાબતે પુછવા જતાં લમણાઝીંક કરી હતી. જેના કારણે ભારે હોબાળો થયો હતો. ત્યાં જ રાત્રે સર્જરી વિભાગના એક તબિબે હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા સાથે ગેરવર્તન કરતાં આ વાત પી.આઇ. સુધી પહોંચાડાઇ છે. જો કે બાદમાં સિનિયર તબિબોએ દરમિયાનગીરી કરતાં ઉધ્ધત વર્તન કરનાર તબિબે લેખિતમાં માફીપત્ર લખી આપ્યું હતું.

 

જાણવા મળ્યા મુજબ ગત રાત્રે નવેક વાગ્યા પછી ધોરાજીના મુસ્લિમ મહિલા કે જે અકસ્માતની સારવાર સબબ દાખલ હતાં તેમનું મોત નિપજ્યું હતું. આ બાબતે સર્જરી વિભાગના યુવાન તબિબે છેક કલાક પછી હોસ્પિટલ ચોકીમાં જાણ કરતાં અને બીજી તરફ દર્દીના સગાઓએ ઝડપથી કાગળો સહિતની કાર્યવાહી પુરી કરવાનું કહેતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ તબિબને મૃત્યુની જાણ મોડી શા માટે કરી? તે અંગે કારણ પુછતાં આ તબિબે યોગ્ય જવાબ આપવાને બદલે સિનીયર કક્ષાના એએસઆઇ સાથે ખુબ જ અયોગ્ય વર્તન કર્યુ હતું. આ કારણે ભારે ગરમા-ગરમી થઇ ગઇ હતી. આ મામલે પી.આઇ. શ્રી કાતરીયાને જાણ કરતાં તેમણે બે સાક્ષી સાથે રાખી લેખિત રિપોર્ટ આપવાનું કહેતાં જગુભાએ આ માટે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ સિનીયર ડોકટરોને જાણ થતાં તેઓ હોસ્પિટલ પોલીસ ચોકીમાં દોડી આવ્યા હતાં અને સમાધાનના પ્રયાસો કર્યા હતાં. ઉધ્ધત વર્તન કરનાર તબિબે બાદમાં લેખિતમાં માફી માંગી લીધી હતી. ઉલ્લેખનિય છે કે ગઇકાલે એક જ દિવસમાં પોલીસ સાથે ગેરવર્તનની બબ્બે ઘટના તબિબ તરફથી બની છે ત્યારે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા નવલોહીયા ડોકટરોને દર્દીઓ અને બીજા લોકો તથા પોલીસ સાથે કેવું વર્તન કરવું તે બાબતે પણ થોડી શીખામણ આપે તે જરૂરી છે.

(3:45 pm IST)