Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂર થયેલી કેટલી દરખાસ્તોને વહીવટી મંજૂરી નથી આપી?: કમિશ્નર પાસે જવાબ મંગાશે

ચેરમેન ઉદય કાનગડ દ્વારા વહીવટ વેગવંતો બનાવવા પ્રયાસઃ બજેટની આવક-જાવકનાં હીસાબોની સમીક્ષા થશે

રાજકોટ, તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનમાંસ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજુર થયેલ દરખાસ્તોને વહીવટી મંજુરી આપવામાં વિલંબ થતો હોવાની અને વિકાસ કામો અટકતા હોવાની ફરીયાદો સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને મળતા તેઓએ આ બાબતે કાનૂની અભિપ્રાયો મેળવી અને મ્યુ. કમિશ્નર દ્વારા અત્યાર સુધીમાં કેટલી દરખાસ્તોને વહીવટી મંજુરી નથી આપી ? તેની વિગતો માંગવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

આ અંગે મ્યુ. કોર્પોરેશનની પદાધિકારી પાંખમાંથી જાણવા મળ્યા મુજબ સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્તો મંજુર થયા બાદ અનેક નાની-મોટી દરખાસ્તોને મહીનાઓ સુધી વહીવટી મંજુરી નથી અપાતી પરિણામે વિકાસ કામો અટકતા હોવાની ફરીયાદો ઉઠે છે.

આવી ફરીયાદોના અનુસંધાને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે કાનૂની માર્ગદર્શન મેળવી અને સ્ટેન્ડીંગ કમીટીની દરખાસ્તને કેટલા સમયમાં વહીવટી મંજૂરી મળવી જોઇએ ? સમયમર્યાદામાં વહીવટી મંજૂરી ન મળે તો સ્ટેન્ડીંગ કમીટીના નિર્ણયની અવગણના થઇ હોવાનું ફલીત થાય કે કેમ ? અને આ બાબતે જવાબદારો સામે શું પગલા લઇ શકાય ? વગેરે બાબતોની કાનૂની જોગવાઇઓ તપાસીને મ્યુ. કમિશ્નર પાસે સ્ટેન્ડીંગ કમીટીની કેટલી દરખાસ્તોને વહીવટી મંજુરી નથી અપાઇ ? તેની વિગતો માંગનાર છે.

આ ઉપરાંત શ્રી કાનગડે ચાલુ વર્ષના બજેટની આવક જાવકના હિસાબોની પણ ઉંડી તપાસ કરાવનાર હોવાનું જાણવા મળ્યું છે. (૮.૧૮)

(3:42 pm IST)