Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કોઠારીયાના કબ્રસ્તાન પાસે જયદિપ કાચા સળગી મર્યો

છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતા યુવાને ઘરેથી ટુવ્હીલરમાં નીકળી જઇ પગલુ ભર્યુઃ જલદ પ્રવાહીની ખાલી બોટલ મળી :માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ હતો

ઘટના સ્થળે યુવાન જયદિપ કાચાનો ભડથુ થયેલો દેહ, તેના બૂટ અને તેનું ટુવ્હીલર જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: કોઠારીયાના કબ્રસ્તાન નજીક એક યુવાને સળગીને આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસની તપાસમાં આ યુવાન કોઠારીયામાં જ રહેતાં કડીયા પરિવારનો એકનો એક દિકરો હોવાનું બહાર આવ્યું છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયાના કબ્રસ્તાન પાસે એક યુવાન સળગી રહ્યો હોવાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી કાળુભાઇ અને પાઇલોટ પ્રકાશ ઇસરાણી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પરંતુ ઇએમટીની તપાસમાં આ યુવાનનું મોત નિપજ્યાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કન્ટ્રોલ રૂમ મારફત વર્ધી મળતાં આજીડેમના પીએસઆઇ આર.વી. કડછા,  હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત, હરપાલસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસને મૃતદેહ નજીક પાર્ક કરાયેલુ એક ટુવ્હીલર નં. જીજે૩જેએસ-૦૮૩૩ મળ્યું હતું. પોલીસે તેમાં તપાસ કરતાં આઇકાર્ડ અને મોબાઇલ નંબર મળ્યા હતાં. તેના આધારે તપાસ થતાં આ યુવાન કોઠારીયાની પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતો જયદિપ પ્રવિણભાઇ કાચા (કડીયા) (ઉ.૩૦) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેના માતા-પિતાને જાણ કરતાં તેઓ હતપ્રભ થઇ ગયા હતાં. દિકરાનો ભડથુ થઇ ગયેલો દેહ જોઇ કલ્પાંત કરી મુકયો હતો. જયદિપ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ હતો અને એક બહેનથી નાનો હતો. તેની સગાઇ થોડા સમય પહેલા થઇ હતી. તે ફેકટરીમાં નોકરી કરી  પરિવારને મદદરૂપ થતો હતો. કામે જવાનું કહીને તે ઘરેથી નીકળ્યા બાદ આ પગલુ ભરી લીધુ હતું. પોલીસને ઘટના સ્થળેથી જલદ પ્રવાહીની ખાલી બોટલ પણ મળી છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૦)

(3:42 pm IST)