Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

તંત્ર કયારે જાગશે?

કોમર્શીયલ બિલ્ડીંગોમાં પાર્કીંગના અભાવે ઠેર-ઠેર ટ્રાફીક જામ

પાર્કીંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામો-દબાણો સામે તંત્રના આંખ આડા કાનઃ નાગરીકોને ફરજીયાત રોંગ સાઇડમાં પાર્કીંગ કરવુ પડે છે અને પછી ટોઇંગનો હજારોનો દંડ વિના વાંકે ભરવો પડે છેઃ પાર્કીગની સુવિધા ન હોય ત્યાંથી વાહનો ટોઇંગ કરવાને બદલે પહેલા પાર્કીંગની વ્યવસ્થા થાય તે જરૂરી

રાજકોટ, તા. ૧૯ : શહેરમાં ટ્રાફીક સમસ્યા દુર કરવા માટે મ્યુ. કોર્પોરેશન અને શહેર પોલીસ તંત્રએ કમ્મર કસી છે, પરંતુ શહેરના રાજમાર્ગો ઉપર પાર્કીંગની સુવિધા વગર અટકાયેલા કોમર્શીયલ કોમ્પ્લેક્ષોનો વાહનોના ખડકલા રોડ ઉપર થઇ રહ્યા છે. પરિણામે ટ્રાફીક થવાની સમસ્યા ઉભી થઇ રહી છે અને પાર્કીંગની સુવિધા અભાવે રોડ સાઇડમાં વાહનો પાર્કીંગ કરનાર નાગરિકોને વિનાવાંકે હજારોનો દંડ ભરવો પડે છે ત્યારે તંત્રની આવી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પહેલા પાર્કીંગની વ્યવસ્થા કરાવે પછી વાહનોનો દંડ વસુલે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે.

આ અંગે પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠવા પામેલી ફરીયાદો મુજબ શહેરના ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર અને કાલાવડ રોડ, રૈયા રોડ, જંકશન પ્લોટ મેઇન રોડ, કનક રોડ જેવા રાજમાર્ગો ઉપર ખડકાયેલ કોમર્શીયલ કોમ્પલેક્ષો પૈકી ગણ્યા ગાંઠીયા કોમ્પલેક્ષોમાં પાર્કીંગની સુવિધા છે અને જયાં પાર્કીંગની સુવિધા છે તેમાં પણ સામાન્ય નાગરિકોને પાર્કીંગ કરવા દેવામાં નથી આવતું કેમ કે આવી પાર્કીંગની જગ્યા ગેરકાયદે રીતે ભાડે આપી દેવાય છે.

આમ પાર્કીંગની સુવિધાઓના અભાવે નાગરિકોને નાછૂટકે રોડ સાઇડમાં વાહનો પાર્ક કરવા પડે છે અને પછી પોલીસ તંત્ર વાહનો ટોઇંગ કરી જાય છે અને પછી હજારોનો દંડ ભરવો પડે છે.

આમ પાર્કીંગની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે. કેમ કે માર્જીન-પાર્કીંગના દબાણો દૂર થતા નથી ત્યારે સૌ પ્રથમ તંત્ર વાહનો આવા દબાણો દૂર કરે તો જરૂરી છે અથવા જે રોગ ઉપર પાર્કીંગની સુવિધા તંત્ર નથી આપી શકતું ત્યાંથી વાહનો ટોઇંગ કરવાનું બંધ કરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.

(3:36 pm IST)