Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ન્યારી ડેમમાંથી યુવાનની ફુલાયેલી લાશ મળીઃ હાથ પર 'મા' ત્રોફાવેલું

આશરે ૪૦-૪૨ વર્ષનો યુવાન ન્હાવા જતાં ડુબ્યો કે અન્ય કોઇ રીતે? ઓળખ મેળવવા તાલુકા પોલીસની દોડધામઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પરના ન્યારી ડેમમાંથી અજાણ્યા આશરે ૪૦ થી ૪૨ વર્ષના યુવાનની ફુલાઇ ગયેલી લાશ મળી આવતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવાનના જમણા હાથ પર 'મા' ત્રોફાવેલું છે.

બનાવની વિગત મુજબ ન્યારી ડેમમાં રેમ્બો રેસિડેન્સી સામે એક પુરૂષની લાશ તરતી હોવાની જાણ સિકયુરીટી ગાર્ડ કાળુભાઇએ ફાયર બ્રિગેડ અને પોલીસને કરી હતી. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપતા પીએસઆઇ એમ. ટી. રબારી અને રાઇટર લાલજીભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આ યુવાને કાળી લીટી વાળો કોફી રંગનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેર્યુ છે. તેના જમણા હાથની કલાઇ પર 'મા' શબ્દ ત્રોફાવેલો છે. લાશ ફુલાઇ ગઇ હોઇ આશરે ત્રણેક દિવસ પહેલા આ યુવાન ડુબી ગયાની શકયતા છે. તેના શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાન નથી. ન્હાવા જતાં ડુબી જવાથી મોત થયું કે અન્ય કોઇ રીતે? તે અંગે તપાસ થઇ રહી છે. પોસ્ટ મોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. મૃતક યુવાન વિશે કોઇને માહિતી હોય તો તાલુકા પોલીસને ફોન નં. ૦૨૮૧ ૨૫૬૩૩૪૦ ઉપર જાણ કરવા જણાવાયું છે. (૧૪.૬)

(11:56 am IST)