Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

લોહાણા મહાજનની ચૂંટણી સંદર્ભે ચેરીટી કમિશનરમાં ૧૪ ઓગષ્ટ નવી તારીખ પડી

બંને પક્ષો વચ્ચે થયેલી દલીલોના અંતે કુલ છ વ્યકિતની કમિટિએ ચૂંટણી પ્રક્રિયાના મુદ્દા તૈયાર કરવાનું કહેવાયું

રાજકોટ તા.૧૯: મદદનિશ ચેરીટી કમિશનર રાજકોટના આદેશથી જાહેર થયેલી લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી ગત ૮ જુલાઇના રોજ યોજાનાર હતી. પરંતુ કાર્યવાહક પ્રમુખ દ્વારા થયેલ ચૂંટણી પ્રક્રિયા ગેરબંધારણીય હોય, લોહાણા મહાજન રાજકોટનું બંધારણ ૧૯૬૧-૬૨ની સાલનું ઘણુંજ જુનુ હોય, હાલમાં સમાજની વસ્તી અઢીથી પોણો ત્રણ લાખ જેટલી હોય, મતદાન મથકો વધારવા પડે વિગેરે કારણોને લઇને ચૂંટણી મોકુફ રાખવા સંયુકત ચેરીટી કમિશનર રાજકોટ સમક્ષ દાદ માંગવામાં આવી હતી. જે સંદર્ભે નવા-નિયમો અને ફેરફાર સાથે તા. ૧૮-૭-૧૮ સુધીમાં બંધારણ તૈયાર કરીને ચેરીટી કમિશનરની કોર્ટમાં રજુ કરવાનું કહેવાયું હતું.

ગઇકાલે ૧૮ જુલાઇના રોજ સંયુકત ચેરીટી કમિશનર સમક્ષ સુધારેલો-ફેરફાર કરેલ તથા નવા નિયમો સાથેનો ડ્રાફટ રજુ થયો હતો. ડ્રાફટ બાબતે બંને પક્ષે દલીલો પણ ઘણી ચાલી હતી. દલીલોના અંતે સંયુકત ચેરીટી કમિશનરે લોહાણા મહાજનની ચૂંટણી પ્રક્રિયાના મુદ્દા સર્વસંમતિથી બને તે માટે બંને પક્ષોના ત્રણ-ત્રણ પ્રતિષ્ઠિત વ્યકિતઓની એક કમિટિ બનાવવાનું કહયું હતું.

છ પ્રતિષ્ઠિત વ્યકિતઓની આ કમિટિ સર્વમાન્ય અને સર્વસંમતિ થાય તેવા ચુંટણીના મુદ્દા બનાવે અને તે ૧૪-૮-૨૦૧૮ ના રોજ ચેરીટી કમિશનર સમક્ષ રજુ કરે તેવું સંયુકત ચેરીટી કમિશનર રાજકોટ દ્વારા જણાવાયું  છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાજનની ચૂંટણી પ્રક્રિયા ગેરબંધારણિય છે તે સંદર્ભે દાદ માંગતી અરજીની સુનવણી વખતે તા. ૨૯-૬-૧૮ના રોજ લોહાણા મહાજનના ખુદ કાર્યવાહક પ્રમુખ-સતાધીશ-ટ્રસ્ટીઓએ સંયુકત ચેરીટી કમિશનર સમક્ષ સ્વિકાયું હતું કે ચૂંટણી પ્રક્રિયા ગેરબંધારણિય રીતે થઇ રહી હતી. (૧.૩)

 

(11:48 am IST)