Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આવજો નહિ, ફરીથી આવજો અનુપમસિંહજી...રાજકોટીયનો અને મિડીયાના સ્નેહથી તરબતર થઇ ગહલોૈતજી આંસુ રોકી ન શકયા

ભલભલા ગુનેગારોના હાજા ગગડાવી નાંખ્યા...કરોડોની લૂંટ હોય કે રહસ્યના આટાપાટા સર્જતી હત્યાની ઘટનાઓ...કે પછી હોય સ્ટોન કિલરને પકડવાની વાત...પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગહલોૈત હમેંશા નસિબવંતા રહ્યાઃ 'સરઘસ'માં આબરૂ ગુમાવી ચુકેલા 'ગાંઠીયાદાદાઓ' ગહલોૈતને કદી નહિ ભુલેઃ કાયદાનું પાલન કરાવવામાં કડક બની જતાં અનુપમસિંહે તહેવારપ્રિય પ્રજાની સાથે દરેક તહેવારોનો પણ આનંદ માણ્યોઃ વડાપ્રધાનના રોડ શો વખતે કાબીલેદાદ બંદોબસ્ત

૨૦૧૬માં મોહન ઝા પાસેથી અનુપમસિંહ ગહલોૈતે રાજકોટમાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો તે પ્રથમ તસ્વીરમાં, એ પછી તુર્ત જ તેણે શહેરભરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની કામગીરી શરૂ કરી દીધી હતી તે બીજી તસ્વીરમાં, મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે એવોર્ડ મળ્યો તે તસ્વીર તથા નીચેની તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી 'અકિલા' કાર્યાલય ખાતે પધાર્યા ત્યારે મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બેઠેલા અનુપમસિંહ ગહલોૈત, તેમનું અકિલાની વેબઆવૃતિના એડિટર શ્રી નિમિષ ગણાત્રાએ સ્વાગત કર્યુ તે દ્રશ્ય અને બાળ રોગ ચકાસણીના કેમ્પમાં ધર્મપત્નિ સાથે પહોંચ્યા તે તસ્વીર તેમજ ધુળેટી રમતાં ગહલોૈત, યોગ કરતાં ગહલોૈત તથા અન્ય ડિટેકશન અને બંદોબસ્તની કાર્યવાહીઓમાં વ્યસ્ત ગહલોૈત તેમજ રમત-ગમત ક્ષેત્રે હીર ઝળકાવના પોલીસ જવાનોની પીઠ થબથબાવી તે દ્રશ્ય તથા એસ.ટી.ની નવી બસનું ઉદ્દઘાટન કર્યુ ત્યારે કલેકટર શ્રીમતિ મનિષા ચાંદ્રા સાથે અને સોૈથી છેલ્લે બુધવારે નવનિયુકત પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલને ચાર્જ સોંપ્યો તે જોઇ શકાય છે. સોૈથી નીચે ડાબી બાજુની તસ્વીર ગયા વર્ષે ચોમાસામાં પોલીસ કમિશ્નરશ્રીના બંગલોમાં પાણી ભરાયા ત્યારે 'અકિલા'ના  મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં એ યાદગાર તસ્વીર જોઇ શકાય છે. (ફાઇલ ફોટોઃ અશોક બગથરીયા, સંદિપ બગથરીયા, આલેખન-ભાવેશ કુકડીયા)

રાજકોટઃ  ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૬નો એ દિવસ હતો જ્યારે શહેરના ૨૫મા પોલીસ    કમિશ્નર તરીકે અનુપમસિંહ ગહલોૈતે ચાર્જ સંભાળ્યો હતો. આવતાની સાથે જ તેમણે રાજકોટની જનતાની સુખ-શાંતિ માટેનું બીડુ ઝડપી લીધુ હોય તેમ લુખ્ખાઓ, ગુંડાઓ, છાપેલા કાટલાઓના ઘરે ઘરે જઇને પ્રારંભે તો તેને સખણા રહેવા સમજ આપી હતી અને બાદમાં જે ન સમજ્યા તેને સરાજાહેર સરઘસ કાઢી સીધાદોર કરી દીધા. વાહન ચેકીંગ ઝુંબેશ અને મોડી રાત સુધી ખુલ્લા રહેતાં નાસ્તાના લારી-ગલ્લાઓ બંધ કરાવવાનું શરૂ કર્યુ. કારણ વગર રાતે ભટકતા રહેતાં શખ્સોએ ઘરભેગા કરવાની કામગીરી શરૂ કરી. આ બધુ પહેલા તો લોકોને થોડુ ખટકયું હતું, પણ પછી જ્યારે સમજાયું કે પોલીસની આ કામગીરી ખરેખર પ્રજાહિતની જ છે ત્યારે પ્રજા પણ તેમની સાથે જોડાઇ ગઇ હતી અને અનુપમસિંહને રાજકોટના સિંઘમનું બિરૂદ આપી દીધુ હતું. અઢી વર્ષ રાજકોટમાં રહીને તેમણે અનેક એવી કામગીરીઓ કરી કે જેના કારણે રાજકોટીયનો તેમની બદલી વખતે ગદગદીત થઇ ગયા હતાં. બુધવારે તેમણે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ છોડી દીધો હતો અને તેમની જગ્યાએ મનોજ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો. આ વખતે અનુપમસિંહ ગહલોૈતે પોતાના સ્થાને આવેલા અધિકારીને રાજકોટના પ્રજાજનો અને રાજકોટ મિડીયા સાથે પોતાને પારિવારીક નાતો બંધાઇ ગયાનું જણાવ્યું હતું અને ગદગદીત થઇ ગયા હતાં. તેમની આંખો ભીની થઇ ગઇ હતી. રાજકોટવાસઓના અને મિડીયા સાથેના સ્નેહથી તરબતર અનુપમસિંહજીને રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે-આવજો નહિ, ફરીથી આવજો.  

શહેરમાં એક સમયે ભુમાફીયા ટોળકી પોતાની અંગત અદાવતમાં શહેરની શાંતિને હણવા મેદાને પડી હતી ત્યારે અનુપમસિંહ ગહલોૈત અને ટીમે તેની ટક્કર ઝીલી હતી અને આ ટોળકીને ભોંભીતર કરી રાજકોટની પ્રજાને શાંતિ અને સલામતિ બક્ષી હતી. કોઇપણ અરજદાર હોય કે કોઇપણ ફરિયાદી હોય અનુપમસિંહજીની ઓફિસે રૂબરૂ પહોંચી શકતો, તેઓ જ્યારે નિવાસસ્થાને હોય તો ત્યાં પણ અરજદાર પહોંચતો અને પોતાને ન્યાય મળે તે માટે રજૂઆત કરતો. તેની આ અરજનો તત્કાળ નિકાલ પણ થઇ જતો હતો. એ કારણોસર પણ અનુપમસિંહજી રાજકોટની પ્રજાના દિલમાં વસી ગયા છે. એટલે જ તો રાજકોટીયનોએ તેમની બદલીની વાત સાંભળી આંચકો અનુભવ્યો હતો.

દાઉદ ઇબ્રાહીમની ભાઇ અનિશની ગેંગના ચાર શૂટરોને પકડવાની કામગીરી, વડાપ્રધાનના રોડ શોના કાબીલેદાદ બંદોબસ્તની કામગીરી, શહેરની શાંતિપ્રિય પ્રજાને સ્ટોન કિલરના ભયમાંથી મુકત કરવાની કામગીરી, કરોડોની ચોરી-લૂંટના ડિટેકશન, રહસ્યમય હત્યાઓની ઘટનાઓમાં તત્કાળ ભેદ ઉકેલવાની કાર્યવાહી તેમજ સગીર વયે ગંભીર ગુનાખોરીમાં ડગ માંડનારા ગુનેગારો સામેની કાર્યવાહીઓથી પ્રજાના દિલમાં સ્થાન બનાવી લેનારા ગહલોૈત કડક કાર્યવાહી માટે જાણીતા બન્યા હતાં. તો તહેવારપ્રિય રાજકોટની જનતા સાથે દરેક તહેવારોમાં પણ સામેલ થઇ જતાં હતાં. દરેક તહેવારોમાં પ્રજાજનો શાંતિથી ઉજવણી કરી શકે એ માટે જડબેસલાક બંદોબસ્ત જાળવવાની કાર્યવાહી ઉપરાંત પોતે પણ આ તહેવારોની ઉજવણીમાં સામેલ થઇ જતાં હતાં. મિડીયા સાથે તો અનુપમસિંહજીને અનેરો સ્નેહ સેતુ હતો. કોઇ મિડીયા કર્મચારીનો ફોન તેમને ગયો હોય અને સંજોગોવસાત કોલ મિસ્ડ થઇ ગયો હોય તો સામેથી તેઓ ફોન જોડતાં.  આ કારણોસર જ મિડીયા માટે પણ તેઓ સોૈથી પ્રિય પોલીસ કમિશ્નર તરીકે ઉભરી આવ્યા હતાં. તમામ મિડીયા તરફથી તેમને શુભકામના પાઠવાઇ હતી.

આઇપીએસ ઓફિસર હોવાનું જરાપણ અભિમાન નહિ ધરાવતાં અનુપમસિંહ હમેંશા  બધાને માન આપતાં અધિકારી રહ્યા છે. શાંતિપુર્વક બધાને સાંભળી તેનો સંતોષકારક પ્રત્યુત્તર આપતાં. સુરક્ષા સેતુના માધ્યમથી તેમણે અનેક પ્રવૃતિઓ, રમતોને તથા બીજી સામાજીક પ્રવૃતિઓને પણ પ્રોત્સાહિત કરી હતી. ગહલોૈત સાહેબને રાજકોટ કદી નહિ ભુલે એના કારણો તો અનેક છે...અને એથી જ તો બધા કહે છે કે અનુપમસિંહજી આવજો નહિ, પણ ફરીથી ચોક્કસ પધારજો. 

અનુપમસિંહ ગહલોૈતને 'અકિલા' સાથે પણ પારિવારીક નાતો હતો. મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સમયાંતરે પારિવારીક મુલાકાતો થતી હતી. 'અકિલા પરિવાર' તરફથી તેમને વડોદરા કમિશ્નર તરીકે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. અનુપમસિંહજીનો મોબાઇલ નં. ૯૯૭૮૪ ૦૫૨૯૯ છે. (૧૪.૧૮)

(11:47 am IST)
  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • ડાંગમાં સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ :કોઝવે પર પાણી ભરાતા છ ગામોને હાલાકી : ડાંગમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને અંબિકા નદીમાં પુરની સ્થિતિ જોવા મળી રીહી છે. જિલ્લા બે કોઝ-વે પરથી પાણી વહી રહ્યા છે. કોઝ વે પર પાણી ભરાતા છ ગામોને અસર થઈ છે.કુમાર બંધ ના કોઝ વે પર છેલ્લા છ દિવસથી પાણી વહી રહ્યું છે access_time 1:56 pm IST